નવી દિલ્હી,
રવિવારે દેશની સૌથી ઝડપી ટ્રેનનો ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પ્રથમ ટ્રાયલ સફળ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ હવે ભારતીય રેલ્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી અને રાજધાની દિલ્હી વચ્ચે આ ટ્રેનને દોડાવવાની તૈયારી કરી રહ્યું છે.
મિની બુલેટ ટ્રેનના નામથી દોડનારી આ ટ્રેનનો રાજસ્થાનના કોટાથી સવાઈ માધોપુર વચ્ચેના ટ્રેક પર સફળ ટ્રાયલ કરાયો હતો. આ સાથે જ કાશીવાસીઓને વધુ એક ભેટ મળવા જઈ રહી છે.
રેલ્વે મંત્રાલયના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, “આ રૂટને લઈ તમામ માહિતી એકત્રિત કરવામાં આવી છે. આ ટ્રેનને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જયંતીના અવસર પર ૨૫ ડિસેમ્બરના રોજથી દોડાવવામાં આવી શકે છે.
આ યોજના અનુસાર, “ટ્રેન ૧૮” દિલ્હીથી સવારે ૬.૦૦ વાગ્યે ઉપાડવામાં આવશે અને બપોરે ૨.૦૦ વાગ્યે વારાણસી પહોચશે.
રવિવારે કરાયો સફળ ટ્રાયલ
અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે કરાયેલો સૌથી ઝડપી ટ્રેનનો પ્રથમ ટ્રાયલ સફળ રહ્યો હતો. આ ટ્રેનની સ્પીડ ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી હતી.
ચેન્નઈની ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે “ટ્રેન ૧૮”ને તૈયાર કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ટ્રેન જૂની શતાબ્દી ટ્રેનોની જગ્યા લેશે.સાથે સાથે આ ટ્રેનમાં એન્જિન નહિ હોય, પરંતુ કોચમાં જ એન્જિનનો ભાગ હશે.
આ ટ્રેનમાં સેફ્ટીનો પણ ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ કારણે કોઈ પણ દુર્ઘટનાની સ્થિતિમાં એક કોચ બીજામાં ઘૂસશે નહિ. સાથે સાથે આ ટ્રેનમાં આધુનિક ફાયર સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.