નવી દિલ્હી,
ભારત અને રશિયા વચ્ચે S-400 મિસાઇલ સિસ્ટમની ડીલને લઈ ઉભા થયેલા પડકારો બાદ પણ આ સોદા પર અંતે બંને દેશો દ્વારા મહોર મારવામાં આવી છે. શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રેસિડન્ટ પુતિન વચ્ચે હૈદરાબાદ હાઉસમાં મળેલી દ્વિપક્ષીય ચર્ચા દરમિયાન આ ડીલ ફાઈનલ કરવામાં આવી છે.
બંને રાષ્ટ્રપ્રમુખ વચ્ચે ૫ બિલિયન ડોલર (અંદાજે 36 હજાર કરોડ રૂપિયા)ના S-400 ડિફેન્સ સિસ્ટમ ડીલ પર હસ્તાક્ષર થયા છે. આ મહત્વકાંક્ષી ડીલ હેઠળ હવે ભારત રશિયા પાસેથી S-400 મિસાઇલ સિસ્ટમના ૫ સેટ ખરીદશે.
આ સાથે જ ભારતની લશ્કરી બેડામાં આ અત્યાધુનિક સિસ્ટમના સમાવેશ સાથે જ દેશના રક્ષા ક્ષેત્રમાં અનેક ઘણો વધારો થશે અને ભારત પોતાના દુશમન દેશોને વધુ તાકાતથી જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ રહેશે.
અમેરિકા દ્વારા કરાઈ રહ્યો છે ડીલનો વિરોધ
બીજી બાજુ અમેરિકા દ્વારા ભારત અને રશિયા વચ્ચેની આ મહત્વકાંક્ષી ડીલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમેરિકા દ્વારા ભારત સહિત પોતાના મિત્ર દેશોને રશિયા સાથે કોઈ પ્રકારના હથિયારો ખરીદવા કે વેચવાનું બંધ કરવા માટે જણાવવામાં આવ્યું છે અને તેઓએ બંધ ન કરે તો આ દેશો પર પ્રતિબંધ મુકવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
અમેરિકાનું કહેવું છે કે, આ એયર ડિફેન્સ સિસ્ટમની ખરીદીથી તેઓના કાઉન્ટરીંગ અમેરિકા એડવર્સરીઝથ્રુ સેક્શન એક્ટ (CAATSA)નું ઉલ્લંઘન થશે.
અમેરિકાના આ કાયદા મુજબ, જયારે કોઈ દેશ ઈરાન, ઉત્તર કોરિયા કે રશિયા સાથે મહત્વપૂર્ણ લેણદેણનો સંબંધ રાખે છે ત્યારે તે અમેરિકી પ્રતિબંધોનો શિકાર થવું પડશે.
અમેરિકાને સતાવી રહ્યો આ ડર
રક્ષા જાણકારોના જણાવ્યા મુજબ, અમેરિકા ઈચ્છી રહ્યું છે કે, ભારત રશિયા સાથે આ એયર ડિફેન્સ સિસ્ટમ મ ખરીદે. અમેરિકાની ચિંતા આ વાતને લઈને છે કે, S-૪૦૦નો ઉપયોગ અમેરિકી ફાઈટર જેટ્સની ગુપ્ત ક્ષમતાઓને ટેસ્ટ કરવા માટે થઇ થઇ શકે છે.
માનવામાં આવી રહ્યું છે કે, આ S-૪૦૦ સિસ્ટમ દ્વારા ભારતને અમેરિકી જેટ્સનો ડેટા મળી શકે છે. આ ઉપરાંત અમેરિકાને પણ ડર છે કે, આ ડેટા રશિયા અથવા તો કોઈ દુશ્મન દેશ સાથે લીક કરી શકે છે.
અમેરિકાને આ ભય પણ સતાવી રહ્યો છે કે, આ સિસ્ટમ માત્ર ભારત જ નહિ પરંતુ ઘણા દેશો આ અત્યાધુનિક સિસ્ટમ ખરીદવા માટે પોતાની ઈચ્છા જતાવી રહ્યા છે.
આ ઉપરાંત દુનિયામાં મહાસત્તા કહેવાતા અમેરિકાને ભય સતાવી રહ્યો છે કે, આ એયર ડિફેન્સ સિસ્ટમ કે જે અત્યાધુનિક છે અને તે દુશ્મન દેશના એયરક્રાફ્ટને આકાશમાં જ તબાહ કરી શકે છે.
થાડ V/S S – 400
બીજી બાજુ અમેરિકા દ્વારા ભારત પર સતત દબાણ કરવામાં આવી રહ્યું છે કે, ભારત રશિયાની S-૪૦૦ સિસ્ટમના બદલે પોતાની થાડ (ટર્મિનલ હાઇ ઓલ્ટીટ્યુડ એરિયા ડિફેન્સ) એયર ડિફેન્સ સિસ્ટમ ખરીદે, પરંતુ જોવામાં આવે તો આ બંને સિસ્ટમમાં રશિયાની S-૪૦૦ સિસ્ટમ ખુબ જ એડવાન્સ છે અને થાડના મુકાબલામાં ઘણી જ આગળ છે.
રશિયાની S-૪૦૦ સિસ્ટમને સૌથી એડવાન્સ લોંગ રેંજ સર્ફેસ ટુ એયર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ માનવામાં આવે છે તેમજ તે S-૩૦૦નું અપગ્રેડ વર્જન છે.
આ સિસ્ટમ દુશ્મનના ક્રુઝ, એયરક્રાફ્ટ અને બેલેસ્ટિક મિસાઈલને તબાહ કરવા માટે સક્ષમ છે. આ મિસાઈલ સિસ્ટમની મારક ક્ષમતા અંદાજે ૪૦૦ કિલોમીટર એરિયામાં દુશ્મન દેશોના વિમાન, મિસાઈલ કે ડ્રોનને નષ્ટ કરી શકે છે તેમજ એસ-400 ૪૮૦૦ મીટર પ્રતિ સેકંડથી આવનાર દુશ્મન દેશોના ટાર્ગેટને તબાહ કરી ક્ષમતા ધરાવે છે.
આ ઉપરાંત S-400 સિસ્ટમની ખાસિયત એ છે કે, આ સિસ્ટમ એક સાથે ત્રણ મિસાઈલ દાગવામાં સક્ષમ છે તેમજ તેના પ્રત્યેક ચરણમાં ૭૨ મિસાઈલ શામેલ છે. આ ૭૨ મિસાઈલમાંથી એક સાથે ૩૬ મિસાઈલ દાગી શકે છે.
બીજી બાજુ અમેરિકાની થાડ સિસ્ટમ ૨૦૦ કિલોમીટર એરિયામાં દુશ્મન દેશોના વિમાન, મિસાઈલ કે ડ્રોનને નષ્ટ કરી શકે છે તેમજ ૬૦૦ થી ૯૦૦ કિમીની અંતર સુધી મિસાઈલ તેમજ વિમાનો પર નજર રાખી શકે છે.
આ ઉપરાંત થાડમાં માત્ર એક જ પ્રકારની મિસાઇલ સિસ્ટમ છે જે કોઇ એક ટાર્ગેટ પર જ નિશાન સાધી શકે છે. થાડ ૩૦૦૦ કિમી પ્રતિ સેકંડથી ગતિથી આવનાર ટાર્ગેટને ભેદવામાં સક્ષમ છે.