ગત ૨૮ ડિસેમ્બરના રોજ મુંબઈના કમલા મિલ કમ્પાઉન્ડમાં લાગેલી આગ બાદ હાથ ધરાયેલી તપાસમાં ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ફાયરબ્રિગેડ દ્વારા કરવામાં આવેલી તપાસના રિપોર્ટમાં, આગનું કારણ હુક્કામાંથી નીકળેલા તણખાને કારણે લાગ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. શરૂઆતમાં આ તણખાંએ એક કાપડના પડદાને પોતાની લપેટમાં લીધો હતો અને થોડીવારમાં આ આગ સમગ્ર બારમાં ફેલાઈ ગઈ હતી.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, આ બંને પબોમાં અવૈદ્ય નિર્માણની સાથે સાથે નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ પબ પાસે હુક્કા પાર્લરનું લાઇસન્સ પણ નહોતું. પણ આમ છતાં હુક્કા સર્વ કરવામાં આવતા હતા. આ હુક્કામાંથી તણખાના કારણે આગ લાગી હતી.
મહત્વનું છે કે, મુંબઈના લોઅર પરેલ ઉપનગરમાં આવેલા કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં આવેલી 1-Above તથા મોજોઝ બિસ્ટ્રો નામની બે હાઈ-ફાઈ બીયર બાર કમ રેસ્ટોરન્ટમાં ગુરુવારે મધરાત બાદ લાગેલી ભયાનક આગ લાગી હતી અને આ અગ્નિકાંડમાં ૧૪ લોકોના મોત થયા હતા.