નવી દિલ્હી,
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે વિભિન્ન મુદ્દાઓને લઈ જોવા મળતા ગજગ્રાહ વચ્ચે મોદી સરકાર દ્વારા બંધારણ હેઠળ મળેલા આરબીઆઈ એક્ટ, ૧૯૩૪ના સેક્શન ૭નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જો કે આ વચ્ચે કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ છે કે, RBI ગવર્નર ઉર્જિત પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે.
આ મુલાકાતમાં કેંદ્ર સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે ચાલી રહેલા વિવાદને ખત્મ કરવાને લઇ ચર્ચા થઇ છે. તેમજ બંને વચ્ચે આ વિવાદને સુધારવા માટે એક ફોર્મુલા પણ તૈયાર કરાઈ છે.
સૂત્રોનું માનીએ તો, પીએમ મોદી અને ઉર્જિત પટેલ વચ્ચે એક ફોર્મુલા પર સહમતી બની છે. જેમાં એક ફોર્મુલા હેઠળ RBI પાસેથી સરકાર પૈસા માંગવા માટે નરમ વલણ અપનાવશે, જયારે બીજી બાજુ બેંક પણ સરકારને લોન આપવામાં મદદરૂપ થશે.
માનવામાં આવી રહ્યું છે કે, આ ફોર્મુલા હેઠળ RBI કેટલીક બેંકોને પોતાના પ્રોમ્ટેમ્પ કરેક્ટીવ એક્શન (PCA) ફ્રેમવર્કબી બહાર કરશે, જેથી બેંક વધારે લોન આપી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લો કેપિટલ બેસ અને બેડ લોનની સમસ્યાઓના કારણે રિઝર્વ બેંક દ્વારા ૧૧ બેંકો પર લોન આપવા માટે બેન લગાવવામાં આવ્યો હતો. આ ૧૧ બેંકો પર ત્યાં સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જ્યાં સુધી તેઓ પોતાના બેડ લોનને કંટ્રોલ કરી શકતા નથી.
રિઝર્વ બેન્ક પાસે રહેલા ભંડારની વાત કરવામાં આવે તો, તેઓ પાસે ૯.૫૯ લાખ કરોડ રૂપિયાની પૂંજી છે. મળતી માહિતી મુજબ, સરકાર RBIની આ જમાપૂંજીનો ત્રીજો ભાગ બજારમાં નાખવા માંગે છે.