સહારનપુર,
રેલ્વેની એક ટીકીટ પર વર્ષ 2013ની જગ્યાએ કથિત રીતે વર્ષ 3013 છપાયેલું હોવાથી યાત્રીને થયેલી હેરાનગતિના કારણે રેલ્વેએ યાત્રીને 10 હજાર રૂપિયા વળતર ચૂકવવાનો ગ્રાહક અદાલત દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. સહારનપુરના નિવૃત પ્રોફેસર વિષ્ણુકાંત શુક્લાએ દાવો કર્યો છે કે 2013માં રેલ્વેની રીઝર્વેશન વિન્ડો પરથી એમણે કન્નૌજની યાત્રા માટે ટીકીટ બૂક કરાવી હતી. જેમાં વર્ષ 2013ની જગ્યાએ 3013 લખ્યું હતું. યાત્રા દરમિયાન ટીકીટ ચેકરે ટીકીટ બોગસ છે એવું કહ્યું હતું, જેના કારણે તેઓ યાત્રા પૂરી કરી શક્ય નહાતા અને યાત્રા અધવચ્ચે જ છોડી દેવી પડી હતી. આ બાબતે સહારનપુર ગ્રાહક ફોરમે રેલવેને 10000 રૂપિયા વળતર, 3000 રૂપિયા વિવાદ ખર્ચ અને પાંચ વર્ષ પહેલા લેવામાં આવેલી ટીકીટની રકમ વ્યાજ સહીત પાછા આપવા માટેના આદેશ આપ્યા છે.
વિષ્ણુકાંત શુક્લાના જણાવ્યા મુજબ યાત્રા દરમિયાન રેલ્વેના ટીટીએ એમની ટીકીટ ચેક કરી અને ટીકીટ બોગસ હોવાનું જણાવતા 800 રૂપિયા દંડ ભરવાની માંગ કરી હતી, જે ભરવા માટે શુક્લાએ ઇનકાર કરી દીધો હતો. એક અન્ય ટીટીએ શુક્લાને કહ્યું કે ટીકીટ 1000 વર્ષ પહેલાની તારીખની છે એટલે રીઝર્વેશન લીસ્ટમાં એમનું નામ નથી. પ્રોફેસર શુક્લાએ માનસિક પજવણીથી તંગ આવીને યાત્રા વચ્ચે જ છોડી દીધી હતી અને સહારનપુરમાં ગ્રાહક ફોરમનો દરવાજો ખખડાવ્યો હતો. આ બાબતે રેલ્વે અધિકારીઓએ એવી દલીલ કરી હતી કે યાત્રીએ પોતાની ટીકીટ લેતા સમયે ટીકીટ ચેક કરવી જોઈતી હતી.
પ્રોફેસર શુક્લાએ જણાવ્યું કે પાંચ વર્ષની લાંબી લડાઈ પછી ગ્રાહક ફોરમે રેલ્વેની દલીલને વ્યવહારુ ગણી નહતી. અને આ મામલામાં ગ્રાહક ફોરમના અધ્યક્ષ લુકમાન ઉહલક અને સભ્ય ડો. સનાત કૌશિકની પીઠે રેલ્વેની ભૂલ હોવાનું માન્યું હતું. ગ્રાહક ફોરમે કહ્યું કે રેલ્વેએ એક વરિષ્ઠ નાગરિકને માનસિક અને શારીરિક રીતે હેરાન કાર્ય છે. પ્રોફેસર શુક્લાએ જણાવ્યું કે ગ્રાહક ફોરમના આ ફેસલાથી તેઓ ખુશ છે.