દિલ્લી,
દેશભરમાં સાઈબર સિક્યુરિટીને લઈને ઉભા થયેલા સવાલો વચ્ચે વધુ એકવાર હેકર્સ દ્વારા સોશિયલ મીડિયાને નિશાન બનાવવામાં આવ્યું છે. હેકર્સ દ્વારા છેલ્લા ૨૪ કલાકમાં કેટલાક ભારતીય હસ્તિઓના ટ્વીટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યા છે. ૨૪ કલાકમાં રાજ્યસભા સાંસદ સ્વ્પ્નદાસ ગુપ્તા અને અનુપમ ખેરના હેક કરાયા બાદ ટર્કિશ સાઈબર આર્મીએ બીજેપી નેતા રામ માધવનું એકાઉન્ટ હેક કર્યો હોવાનો દાવો કર્યો છે.
જયારે તમે ટ્વીટર પર રામ માધવનું નામ સર્ચ કરો છો. ત્યારે સર્ચ ઓપ્શનમાં બ્લુ ટિક સાથે તેઓનું ટ્વીટર હેન્ડલ @rammadhavbjp મળ્યું રહ્યું છે. પરંતુ આ એકાઉન્ટ પર જયારે કલીક કરો છો. ત્યારે કઈ અલગ જ એકાઉન્ટ ખુલી રહ્યું છે. આ એકાઉન્ટમાં પેલિન કૈન નામની એક છોકરીની તસ્વીર અને નામ છે. આ ઉપરાંત બીજેપી નેતાના એકાઉન્ટમાં કરવામાં આવેલા ટ્વીટમાં “ I LOVE PAKISTAN “ લખવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, થોડાક સમય પહેલા બોલીવુડ અભિનેતા અનુપમ ખેરનું પણ ટ્વીટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. આ અંગે જણાવતા તેઓએ કહ્યું, મારું ટ્વીટર એકાઉન્ટ હેક થઇ ગયું છે. આ મામલે ભારતમાં કેટલાક મિત્રો દ્વારા જાણકારી મળી હતી. હું હમણાં લોસ એન્જિલીસમાં છું અને આ મામલે ટ્વીટર સાથે વાત થઇ ચૂકી છે.
ટ્વીટર એકાઉન્ટ હેક થવા એ ભારતમાં પહેલીવાર બન્યું નથી. આ પહેલા મોટી ભારતીય હસ્તીઓનું પણ એકાઉન્ટ હેક થઇ ચુક્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ પાર્ટીનું પણ એકાઉન્ટ હેક થઇ ચુક્યું છે જેમાં કેટલાક અપશબ્દો ટ્વીટ કરાયા હતા.