Morbi News : મોરબી જિલ્લામાં માનવતાને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવતા સમગ્ર રાજ્યમાં ભારે રોષ ફેલાયો છે. મકાનનું ભાડું બાકી હોવાની લાચારીનો લાભ લઈ એક મકાનમાલિકે મહિલા અને તેની સગીર પુત્રી પર લાંબા સમય સુધી કથિત રીતે દુષ્કર્મ અને જાતીય શોષણ આચર્યું હોવાના ગંભીર આરોપો સામે આવ્યા છે. ઘટનાના અહેવાલો સામે આવતા જ રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એક્શનમાં આવ્યું છે અને સમગ્ર મામલે સ્વતઃ સંજ્ઞાન લીધું છે.
મુખ્ય સચિવ અને DGPને NCWનો પત્ર
રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) ના અધ્યક્ષા શ્રીમતી વિજયા રાહટકરે ગુજરાતના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક (DGP)ને સત્તાવાર પત્ર લખી આ કેસમાં તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. આયોગે પીડિતોને ઝડપથી ન્યાય મળે તે માટે નિષ્પક્ષ તપાસ અને કડક કાનૂની કાર્યવાહી સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.
સાથે જ આગામી સાત દિવસમાં સમગ્ર કેસનો વિગતવાર એક્શન ટેકન રિપોર્ટ (ATR) રજૂ કરવાની માંગ પણ કરવામાં આવી છે.
BNS અને POCSO હેઠળ તપાસ તેજ

મહિલા આયોગે ગુજરાત પોલીસ અને પ્રશાસન પાસેથી FIRમાં લગાવવામાં આવેલી કલમો, BNS અને POCSO હેઠળ અત્યાર સુધી થયેલી કાર્યવાહી, આરોપીઓની ધરપકડ અને તપાસની હાલની સ્થિતિ અંગે સંપૂર્ણ માહિતી માંગેલી છે.
આયોગે ખાસ કરીને સગીર બાળકી સાથે થયેલા ગુનાને ગંભીરતાથી લઈને POCSO કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે.
પીડિતોને સુરક્ષા અને કાઉન્સેલિંગની માંગ
NCWએ પીડિત માતા-પુત્રીની તબીબી તપાસ, ફોરેન્સિક રિપોર્ટ, માનસિક આઘાતમાંથી બહાર લાવવા માટે કાઉન્સેલિંગ તેમજ કાનૂની સહાય અને સુરક્ષા અંગે પણ વિગતવાર માહિતી માંગેલી છે.
આ ઉપરાંત પીડિત પરિવારને સરકાર તરફથી મળનારી સહાય, વળતર અને પુનર્વસન પ્રક્રિયા અંગે પણ અહેવાલ માંગવામાં આવ્યો છે.
મહિલા આયોગની સીધી દખલ બાદ પોલીસ સક્રિય
રાષ્ટ્રીય મહિલા આયોગની સીધી દખલ બાદ મોરબી પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે. આરોપીઓ સામે કાયદાનો સિકંજો વધુ મજબૂત કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટનાએ રાજ્યમાં કાયદો-વ્યવસ્થા અને મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
