Ahmedabad News : અમદાવાદના નારોલમાં કરંટ લાગવાથી દંપતીના કરૂણ મોતના કેસમાં મોટી બેદરકારી બહાર આવી છે. મૃતકના પરિવારજનની ફરિયાદના આધારે પોલીસે મ્યુનિસિપલ કોર્પોરેશનના બે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના ત્રણ કર્મચારીઓ સહિત પાંચ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. તપાસમાં ખુલ્યું છે કે, સ્ટ્રીટલાઇટના થાંભલા કાઢી નાખ્યા બાદ વાયરોનુ યોગ્ય રિપેરિંગ ન થવાને કારણે પાણીમાં કરંટ ફેલાયો હતો, જેના કારણે રાજન સિંગલ અને તેની પત્ની અંકિતાનું મોત નિપજ્યું હતું.
અમદાવાદના નારોલ વિસ્તારમાં રુદ્ર ગ્રીન રેસીડેન્સીમાં રહેતા હેતલબેન સિંગલે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, મારા પતિ હરજીવનભાઈને ફેફસાના ઇન્ફેક્શનની બીમારી હોવાથી એલ.જી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કર્યા હતા. તેમનો દીકરો રાજન અને તેની પત્ની 8 ડિસેમ્બરના રોજ રાત્રે હોસ્પિટલે ટિફિન આપીને રાતના આશરે 10 વાગ્યાની આસપાસ ઇસનપુરથી નારોલ રુદ્રગ્રીન રેસીડેન્સી ખાતે જવા નીકળ્યા હતા.
આ દરમિયાન નારોલ મટનગલી રામદેવ એસ્ટેટ પાસે જાહેર રોડ ઉપર વરસાદનું પાણી ભરાયેલુ હતું.દંપતી પાણીમાંથી એક્ટિવા લઈ પસાર થતા હતા, તે દરમિયાન પાણીમાં લીકેજ થયેલા કરંટના લીધે રાજન તથા તેની પત્ની અંકિતા પાણીમાં પડી ગયા હતા.
ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બંનેની લાશને પીએમ અર્થે મોકલી આપી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની તપાસમાં બહાર આવ્યું હતું કે, નારોલ મટનગલી રામદેવ એસ્ટેટ પાસે આવેલ જાહેર રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના થાંભલા લગાવવામાં આવેલા હતા. જેમા વચ્ચેના બે થાંભલા કોઈ કારણસર કાઢી નાખવામાં આવેલા હતા. થાંભલાઓના ઇલેક્ટ્રીક વાયરોનુ સરખી રીતે રિપેરિંગ કર્યા વગર બંધ કરી દીધા હતા. વરસાદનું પાણી ભરાવાથી આ ઠેકાણે વાયરો ખુલ્લા થઈ ગયા હતા. જેમા પાણીમાં બન્નેને કરંટ લાગતા તેમના મૃત્યુ થયા હતા.
નારોલ મટન ગલી રોડ ઉપર અગાઉ પડી ગયેલા લાઇટના થાંભલાની જાળવણી તથા રિપેરિંગ કરવાની કામગીરી કોન્ટ્રાક્ટરના કર્મચારી સૈયદ ઝહીર હસનભાઈ ઉર્ફે સાજીદભાઈ તથા એન્જિનિયર નયનભાઈ કાપડીયા તથા અજય દિનેશભાઇ પરમારની સંપુર્ણ જવાબદારી હોવા છતા તેઓએ તેમની કામગીરી પ્રત્યેની બેદરકારી નિષ્કાળજી દાખવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટ વિભાગના સાઇટ ઉપરના જવાબદાર ટેકનિકલ સુપરવાઇઝર જીજ્ઞેશભાઈ ગામીત તથા અને આસી. એન્જિનિયર પંકજભાઈ મચ્છારએ કામગીરી ઉપર દેખરેખ રાખી નહી અને કોન્ટ્રાક્ટરના માણસો સ્ટ્રીટ લાઈટના થાંભલાની રિપેરિંગ કરાવવાની સંપૂર્ણ જવાબદારી હોવા છતા તેઓએ પણ નિષ્કાળજી દાખવી હતી, જેના પગલે તેઓ વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચે વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા એક ગુનામાં હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ
આ પણ વાંચો:ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામની સમસ્યા અંગે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, જાણો શું કહ્યું
આ પણ વાંચો:વિરમગામની બંધ પડેલી દૂધમંડળીઓ ચાલુ કરોઃ હાર્દિક પટેલ
