વિશ્લેષણ/ ગુણકારી લીમડો લાવે નિવેડો !

નિવૃતિ લેવાના વર્ષ સુધી સૌ એમ જ કહે છે ‘સમય જ મળતો નથી !’ retire થયા પછી સૌ એમ કહેતા સંભળાય છે કે ‘સમય જ જતો નથી !’ ખુમારીથી ભરપૂર ખુદ્દાર ભાગ્યે જ કોઈ ‘મનુષ્ય’ બનવાની દિશામાં પ્રયાસ કરે છે. સૌથી અઘરું કામ પોતાની, વિશિષ્ટ, અડીખમ ઓળખ બનાવવાનું છે !

Trending
નિલેશ

મેં, તમે, સમાજના કોઈ કોઈ લોકોએ વૃદ્ધત્વને ઢળતી ઉંમરની સાથે પરાણે જોડી દીધું છે ? ૫૮/૬૦ ની વય પછીના “ઘડપણ (!?)”માં લાચારી, મજબૂરી કે પરવશતા લાવીએ તો જ આવે – બાકી જિંદગીની શું મિસાલ છે કે એ કોઈને વૃદ્ધ કે અન્ય પર નિર્ભર કરે ! જીવન જીવવું અને માણવું એ બંને વચ્ચે ઘણો તફાવત છે. નિવૃતિ લેવાના વર્ષ સુધી સૌ એમ જ કહે છે ‘સમય જ મળતો નથી !’ retire થયા પછી સૌ એમ કહેતા સંભળાય છે કે ‘સમય જ જતો નથી !’ ખુમારીથી ભરપૂર ખુદ્દાર ભાગ્યે જ કોઈ ‘મનુષ્ય’ બનવાની દિશામાં પ્રયાસ કરે છે. સૌથી અઘરું કામ પોતાની, વિશિષ્ટ, અડીખમ ઓળખ બનાવવાનું છે !

મનોરંજન માટે ગમે તેટલા અદ્યતન ઉપકરણો શોધાય, પરંતુ માણસને (પોતાના કહેવાય તેવા) માણસની જરૂરત તો રહેવાની જ. આંગણામાં કે શેરી/મહોલ્લામાં બાળકો રમતા હોય, પાડોશીઓ સૌ સાથે બેસીને સુખદુ:ખની વ્હેંચણી કરતા હોય અને વડીલોના ખોળામાં ત્રીજી પેઢી ખોળો ખુંદતી હોય કે હીંચકતી હોય – આવો આનંદ દુનિયાનું કોઈ સાધન આપી શકે નહીં. ઘડપણમાં વડીલોને ‘વેબકૅમ’ની નહીં પરંતુ વ્હાલભર્યા સ્પર્શની જરૂરત હોય છે !

આવુ લખવું, વાંચવુ, સાંભળવુ કે કહી નાંખવું સરળ છે પણ જેની પર વિતે તેમને સહેવુ ને રહેવુ કેટલું વરવું ને અઘરું છે તે સમજાવવા મારા દોસ્તે વર્ણવેલી (જેને કદાચ કોઈની આપવીતી કહી શકો તેવી) ઘટના યોગ્ય રીતે અત્રે મૂકવા મેં કોશિશ કરી છે જે સંભવત: સૌ વાંચકોને વિચારતા કરી મૂકે તો નવાઈ નહીં.

મેં એક સદ્દગૃહસ્થને, તેમની સૌજન્ય મુલાકાત લેવા અને ખાસ સંદેશો આપવા ફોન કર્યો તો એમનો મોબાઈલ સ્વીચઓફ આવેલો. તેથી થયું કે, પટેલકાકાને રૂબરૂ મળી આવું. હું એ કાકાના ઘરે જઈને જોઉં છું તો એ કાકા આરામથી હિંડોળે ઝૂલતા હતા. મેં પટેલઅંકલને મોબાઈલ કેમ નથી લાગતો એમ પૂછ્યુ ત્યારે તેમણે કહ્યુ કે, ભાઈ, ફાધરડે, મધરડે અને તારી કાકી અને મારા બર્થડે ઉપર હું મોબાઈલ સ્વીચઓફ જ કરી દઉં છું. કારણકે, આખું વર્ષ જીવીયે છીયે કે નહીં, તેની ખબર ન હોય તેવી વ્યક્તિઓના ફોન આવે, દંભ સાથે વેવલાઈભર્યુ સોશિયલ મીડિયા ઉપર લખે, પ્રસંગોમાં ચાંપલુ તથા જુઠ્ઠુ બોલે એવી વાતોથી મને નફરત છે.

બચપણમાં બાળકોને અમે પ્રેમ અને હૂંફ આપીએ એ તેમનો હક્ક હતો. ઘડપણમાં પ્રેમ અને હૂંફ આપવી તેઓની – સંતાનોની ફરજ છે અને એ અમારો, સાંઈઠની પાર પહોંચેલાઓનો હક્ક છે. જો એ તેમની ફરજ ભૂલતા હોય તો મને એવા સંબધો સાથે કોઈ નિસ્બત નથી. એમને એવું ઘમંડ છે કે ડૉહાડૉહીની જાત નહીં ચાલે ત્યારે તો અમારી પાસે આવશે જ ને ! એ લોકો તેમના બાપને ઓળખવામાં ભૂલ ખાધી છે.

હવે એ છોકરો એ વાત ભૂલી જાય કે અમે લાચાર અને મજબુર છીયે. ધન ખર્ચતા દુનિયામાં બધું જ મળે છે પણ માઁ-બાપ કે ખોવાયેલો પ્રેમ પરત નથી મળતો. પટેલચાચુની આંખ ભીની હતી પણ તેઓ મક્કમતાથી વાત કરતા હતા, એ વડીલની આંગળી તેમના બાળકો સામે હતી. મારા દીકરાના સાસરાના લોકોએ એને થોડી આર્થિક મદદ કરી એટલે ભાડે મકાન લઈને મારો દીકરો વહુ ધીરે રહીને જુદા થઈ ગયા. છોકરાને જુદા થવાનું કારણ પૂછ્યું તો કહે ઘર નાનું પડે છે, ત્યારે કાકાએ સુંદર જવાબ આપેલો કે સંસ્કારી તેમજ સજ્જનના ઘરે સંકડાશ કદિ ન હોય. તારી માઁનું પેટ નાનું હોવા છતાં પણ તને નવ મહિના, અંદર સલામત રહેવા વ્યવસ્થા કરી જ આપી હતી ને ! અલબત્ત, સંતાનોની આદત પેટમાં હોય ત્યારથી લાત મારવાની હોય. બહાર આવીને પણ ઘણાં આ આદત ભૂલ્યા નથી હોતા.

અલગ થતી વેળાએ આ પટેલ ભાયડાએ કહેલું કે જા બેટા, ઈશ્વરને પ્રાર્થના કર કે મને તમારા લોકોની જરૂર ન પડે અને તમને મારી ય જરૂર ન પડે. અમારા સ્વભાવ અને આદતને કારણે તમે જુદા થાવ છો પણ અમારી મજબૂરી છે અમારી આદત કે સ્વભાવ અમે સુધારી નહીં શકીયે.

પટેલ અંકલે એવું ય કહ્યુ કે, હું ને તારી આંટી – અમે અમારો સ્વભાવ અને આદતો સુધારવા તૈયાર હતા પણ દુઃખ એ વાતનું હતું કે મારા દીકરાની હિંમત પોતાની પત્નીના સ્વભાવ કે આદત સુધારવાની નહોતી. એટલે છોકરો ધુમાડા માઁ બાપ ઉપર જ કાઢે ને….અમને અમારો સ્વભાવ સુધારવા દબાણ કરતો, જે મને મંજુર ન હતું એટલે મેં તેઓને જુદા થતા રોક્યા નહીં

હું મજબૂત છું, મજબૂર નથી. હું પ્રેમાળ છું, પણ લાચાર નથી, હું ભોળો પણ નથી અને ભોટ પણ નથી. હજુ મારા પોતાના અંગત નિર્ણય લેવા માટે સક્ષમ છું. ઘરડાઘરમાં જતા પહેલા આ મકાન પણ હું વેચી નાંખવાનો.

કાકા, તમારો દીકરો મળ્યો હતો. તેની નોકરી ઘણા સમયથી જતી રહી છે તેથી તે હાલ તો તકલીફમાં છે. તમારાથી મદદ કંઈ થાય તો કરો એ કહેવા ખાસ અહીં હું રૂબરૂ આવ્યો છું.

જો બેટા, તેણેે ઘર છોડયું ત્યારે તેણે સલાહ તેના સસરાની લીધી હતી તો પહેલી મદદ કરવાની ફરજ તેમની બને કે નહીં ? હું નિવૃત વ્યક્તિ હતો છતાં પપ્પા ઘર કેમ ચલાવશે એ ચિંતા એણે કદી કરી નથી. ઠીક છે, પ્રભુની કૃપાથી સ્વમાનથી જીવાય તેટલું મારી પાસે છે. એ કાકા ઉભા થયા, થોડીવારે અંદરથી આવ્યા અને ચેક મારા હાથમાં મૂકીને બોલ્યા આ મારા દીકરાને આપી દેજે અને કહેજે કે, લોહીના સબંધને ઓળખતા શીખે. લગ્ન પછી ઘર ચલાવવા એની પાસેથી હું જે લેતો હતો એ વ્યાજ સાથે તને પરત કરું છું. માઁ બાપ આપવા માટે જ સર્જ્યા છે લેવા માટે નહીં, બાકી તો માઁ-બાપના ઋણ ઉતરવા માટે સૌ સંતતિ માટે તો સાત જન્મો ય ઓછા પડે. મોટી રકમના એ ચેક સામે નજર કરીને હું કાકાના સ્વમાનથી છલકતા ચેહરા સામે માનભેર જોઈ રહ્યો.

કાકાએ વાલોપાતા જીવે કહ્યું કે, બાળકોને હેરાન થતા માવતરો નથી જોઈ શકતા. એ લોકોને આવો વિચાર એમના જન્મદાતા પ્રત્યે કેમ નહીં આવતો હોય !

માઁ-બાપને રડાવી FB ઉપર હેપી ફાધર ડે કહી વાણીવિલાસ કરતા નબીરાઓ સમજી લે કે તમારા કૃત્યથી સંસાર અજાણ છે પણ ઈશ્વરે નોંધ જરૂર લીધી હોય છે. પાનખરમાં જુના પાન ખરે ત્યારે લીલી કુમળી પાંદડીઓ હસતી હોય છે. ખરતા પાન બોલે છે કે : પીપળ પાન ખરંતા, હસતી કૂંપળિયાં; મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં. માઁ બાપ પ્રત્યેનું આપણું વર્તન આપણાં બાળકો પણ જોતા હોય છે. ઈતિહાસનું પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન રાખવુ.

જિંદગી, એ કુદરતે બનાવેલો એવો પ્રોગ્રામ છે, જેમાં સમયે સમયે નવા ફીચર્સ ઉમેરાતા હોય છે. જિંદગી જેમ આગળ વધે તેમ નવા પડકારો, નવા પ્રશ્નો, નવી સમસ્યા ઉમેરાતી જ જવાની છે. ક્યારે થોડીક નિરાંત કે હાશ મળશે ? મનને એવી જ રીતે તૈયાર કરવાનું કે આપણે ઝઝૂમવાનું જ છે, સતત લડતા રહેવાનું છે, જીતવાનું છે ને ક્યારેય થાકવાનું નથી.

માણસ બધી જ વસ્તુનું વ્યવસ્થિત પ્લાનિંગ કરે છે : કરિયર, સેવિંગ્ઝ, રોકાણ, ઈન્કમ અને ખર્ચનું પ્લાનિંગ. નફો ક્યાં રોકવો અને ખોટ કેવી રીતે ભરપાઈ કરવી ? બધું જ પરફેક્ટ પ્લાન કરનારો માણસ માત્ર જીવવાનું જ પ્લાનિંગ કરી શક્તો નથી અથવા એમાં ૧૦૦% સફળ થવાતું નથી હોતું. ઘણી વખત તો બીજા બધાં પ્લાનિંગ જ જીવવાના પ્લાનિંગને ખાઈ જતાં હોય છે.

આપણી પાસે જીવવાનું પ્લાનિંગ છે ? આટલો સમય હું પત્ની, સંતાન, પ્રેમી કે પરિવાર માટે ફાળવીશ અને આટલો સમય હું મારા માટે રાખીશ. વિચાર કરજો આખા દિવસના શિડ્યુલમાં આપણે જાત માટે કેટલો સમય ફાળવ્યો છે ? બોસને રાજી રાખવા માટે જેટલો પ્રયત્ન કરો છો એનાથી અડધો પ્રયાસ પણ પરિવાર, મિત્ર, કે પ્રેમી માટે કરો છો ? પડકારો, ધ્યેય, શિડયુલ્સ વચ્ચે પણ જિંદગી જીવીએ એ મહત્ત્વનું છે. પડકારો અને પ્રોબ્લેમ્સ તો વધતાં જ જવાના છે. આ બધામાં જ જો તમે ખોવાઈ જશો તો એક સમય એવો આવશે કે તમે જ તમને નહીં મળો. યાદ કરીએ કે “છેલ્લે આપણે પોતાને ક્યારે મળ્યા હતા ?” અષાઢીબીજ, કચ્છી નૂતનવર્ષની શુભેચ્છાઓ !

આ પણ વાંચો: કન્હૈયાલાલની જેમ સુરતમાં પણ યુવકને ગળું કાપી નાખવાની ધમકી મળી

આ પણ વાંચો:ભાજપનો માસ્ટરસ્ટ્રોક: શિંદેને સીએમ બનાવવા પાછળ મોટી રણનીતિ, અંતિમ ક્ષણે શિંદે ને કેમ બનાવ્યા CM ? 

આ પણ વાંચો:સરકારનું સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેસ્ટ મેનેજમેન્ટ નબળું છે ત્યારે અમલ કેટલો અને કેવી રીતે થશે વેપારીનો મોટો પ્રશ્ન