Not Set/ લક્ષ્મીજીનું વાહન – વિશ્વવ્યાપી રેવીદેવી ઘુવડ

દિવાળીના દિવસે રેવીદેવી જોવા મળે તો શુકન મનાય છે. સામાન્ય રીતે આ નિશાચર પક્ષીને બહુ લોકોએ જોયું નથી હોતું. રેવીદેવી ઘુવડની મુખાકૃતિની રચના ખુબજ આગવી છે.

Ajab Gajab News Trending
વાસ્તુ 3 લક્ષ્મીજીનું વાહન - વિશ્વવ્યાપી રેવીદેવી ઘુવડ
  • રેવીદેવી/ Barn Owl / Tyto alba
  • કદ: ૧૪ ઇંચ – ૩૬ સે.મી.

પૌરાણિક કથામાં એવું કહેવાય છે કે કાર્તિક અમાવસ્યાની મોડી રાત્રે જ્યારે લક્ષ્મીજી પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે સહુથી પહેલા તેમને રેવીદેવીએ પોતાની ધારદાર નજરથી જોયા અને તેમની પાસે પહોંચી ગયું અને વિનંતી કરીકે મને તમારું વાહન બનાવો, હું તમને જ્યાં જવું હશે ત્યાં લઇ જઈશ. લક્ષ્મીજીએ હા પાડી અને રેવીદેવી તેમનું વાહન બની ગયું. જ્યારે આખી દુનિયા સુઈ જાય ત્યારે ઘુવડ જાગતા હોય છે. દિવાળીના દિવસે રેવીદેવી જોવા મળે તો શુકન મનાય છે.
સામાન્ય રીતે આ નિશાચર પક્ષીને બહુ લોકોએ જોયું નથી હોતું. રેવીદેવી ઘુવડની મુખાકૃતિની રચના ખુબજ આગવી છે. ગંજીપત્તાંના લાલના પત્તાના એટલેકે હૃદયના આકાર જેવું મોંહ બહુ જુદું દેખાય. બીજા ઘુવડ કે પક્ષીની જેમ મુખાકૃતિની રચના ગોળ નહિ પણ ઘણી જુદી પડે છે. પહેલી વખત જુવે તો તેને જોઈને અચૂક અચરજ થાય અને જાણતા ના હોય તે કેટલાક ગભરાય પણ ખરા. દુનિયાભરમાં લોકો ડરને કારણે અપશુકનિયાળ પણ માને! અરે જે લક્ષ્મીજીનું વાહન હોય તે અપશુકનિયાળ કેવી રીતે હોય! બીજી બાજુ, લક્ષ્મીજી જોડે સંકળાયેલા હોઈ લોકો તેમને મેલીવિદ્યા માટે થઈને મારી પણ નાખે અને પોતાની લક્ષ્મી વધે અને વિવિધ પ્રશ્ન દૂર થાય માટે તાંત્રિકના કહેવા પ્રમાણે નખ વગેરે રાખે. જેઓનો સમય ખરાબ ચાલતો હોય, દરિદ્રતા ભોગવતા હોય, દુઃખી હોય, ઝઘડા ચાલતા હોય તેવા લોકો તેને શુકનિયાળ માનીને જોવા મળે તો તેમનો ખરાબ સમય પૂરો થશે તેમ માનતા હોય છે.

jagat kinkhabwala લક્ષ્મીજીનું વાહન - વિશ્વવ્યાપી રેવીદેવી ઘુવડ

રેવીદેવીની જોવાની શક્તિ અને સાંભળવાની શક્તિ ઘણી તેજ/ પાણીદાર હોય છે. ખુબ ધીમી ગતિએ પણ ઉડી શકે છે જેનો અભ્યાસ કરી લોકો ધીમી ગતિએ ઉડી શકે તેવા એરોપ્લેન બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે.

રેવીદેવી કદમાં ઘુવડની બીજી પ્રજાતિ કરતા પાતળા હોય છે. પીઠનો ઉપરનો ભાગ સફેદ અને રંગમાં પીળાશ પડતું ઝાંખું અને બદામી હોય છે જેમાં રાખોડી છાંટ હોય છે. તેમનું પેટાળ આછું બદામી રંગનું સફેદ હોય છે જેમાં સામાન્ય રીતે બદામી ટપકા હોય છે. નર રેવીદેવીમાં માદા કરતા બદામી ટપકા ઓછા હોય છે. હૃદયનો આકાર એટલેકે લાલપત્તાનાં આકારના મ્હોં ની ફરતે કડક પીંછા હોય છે જે થોડાક કેશવાળી જેવા દેખાય છે. ચાંચ મેલી અને ધોળી હોય છે જે થોડીક વાંકી હોય છે. રેવીદેવીને બારીકાઈથી જુવો તો ખુબજ સુંદર પક્ષી છે. મઘ્યમ કદના આ પક્ષીને પાંખો લાંબી હોય છે. તેઓની પૂંછડી ચોરસ જેવા આકારની હોય છે. રેવીદેવી જ્યારે ઉડતું હોય ત્યારે તેને ઓળખવા માટે તેની પૂંછડીનો આકારથી તેઓ ઓળખાઈ જાય છે. ઊડતી વખતે તે ઊંચે નીચે અને ઝૂલતું ઝૂલતું ઉડે તે પણ તેમની ઉડવાની આગવી રીત હોય છે જેનાથી તેઓ બીજા ઘુવડથી જુદા પડે છે. તેઓની ચાંચ અને પગ આછા ગુલાબીથી લઇ ઘેરા ગુલાબી હોય છે. તેઓનું નાક અને આંખનો આકાર મળતો આવે છે. તેમનું મ્હોં ચપટું હોય છે જેમાં ચાંચ અને આંખનો આકાર સરખો દેખાય છે. તેઓને ડાબો કાન આંખની થોડો ઉપર હોય છે અને જમણો કાન જમણી આંખની થોડે નીચે તરફ હોય છે. નર રેવીદેવી કરતા માદા રેવીદેવી કદમાં ઘણું મોટું હોય છે.

revi લક્ષ્મીજીનું વાહન - વિશ્વવ્યાપી રેવીદેવી ઘુવડ
ખુબજ ઓછી અવરજવર હોય, જુના બંધિયાર મકાન હોય, બખોલ હોય અને ઉજ્જડ ખંડેર, ઘાસના ગોડાઉન/ વખાર હોય તેવી જગ્યાએ રહેવાનું પસંદ કરે છે. રેવીદેવી પોતાના રહેઠાણના સ્થળે બખોલ હોય ત્યાં માળા બનાવે છે. મુખ્યત્વે મેં મહિનાથી લઈને ઓક્ટોબર મહિનાનો સમય તેમના માટે પ્રજનનનો સમય છે. જાતજાતના કર્કશ અવાજથી બોલે છે. શ્રીઇઇઇઇઇ …. શ્રીઇઇઇઇઇઇઇ જેવું લાંબુ બોલે છે અને ક્યારેક ઈરી… ઈરી…. જેવું બોલે છે જે બીજી પ્રજાતિના ઘુવડ કરતા જુદું પડે છે. જ્યારે આનંદમાં હોય ત્યારે કીઈઈ…યાક… જેવો આગવો અવાજ કરે છે. કોઈ હેરાન કરે ત્યારે તેઓ સાપની જેમ સામે રક્ષણાત્મક અવાજનો સિસકારો કરે છે. ખોરાકમાં ઉંદર, ગરોળી, નાના સસ્તન જીવ, અળસિયા, સસલાના બચ્ચા, જીવાતમાં વાણિયા, તીતીઘોડા જેવા જીવ તેમનો ખોરાક છે. તેઓને ખોરાક વધારે જોઈએ છે. જ્યારે ખોરાક ખાઈ શકે તેનાથી વધારે મળી જાય તો તેઓ પોતાના માળાના સ્થળે સંગ્રહી રાખે છે. તેઓ ખેડૂતને નુકશાનકારક જીવ ખાઈ લેતા હોઈ તેઓ ખેડૂતના મિત્ર કહેવાય છે. ખાસ કરીને ઉંદરની વસ્તીને કાબુમાં રાખવાનું મોટું કામ કરે છે.

revi 3 લક્ષ્મીજીનું વાહન - વિશ્વવ્યાપી રેવીદેવી ઘુવડ
ઘોર અંધારામાં પણ મુખ્યત્વેશિકારના હલનચલન અને તેમના અવાજ ઉપરથી અંધારામાં પણ શિકારને પોતાની તેજ શ્રવણશક્તિને લીધે શોધી કાઢવાની કાબેલિયતને લીધે ઉઠાવી ખાઈ લે છે. શિકારની થોડીક હલનચલન પણ શિકાર કરવા માટે પૂરતી હોય છે. ઘોર અંધારામાં પણ તેઓને બીજા જીવની હલનચનનો ધીમો અવાજ પણ તેમને શિકાર કરવા માટે પૂરતો હોય છે. એક વખત શિકારનું સ્થાન ખબર પડી જાય તે તેમના માટે પૂરતું હોય છે. એશિયામાં તેઓ નિશાચર પક્ષી છે માટે સાંજે અને રાત્રે શિકારની શોધ કરે છે. બ્રિટનમાં અમુક પ્રજાતિ દિવસે પણ શિકાર કરી લેવાની કાબેલિયત ધરાવે છે. ફક્ત ધ્રુવ પ્રદેશ અને અસહ્ય રણપ્રદેશને છોડી આખી દુનિયામાં વસેલા છે. હિમાલયથી લઇ એશિયામાં સર્વત્ર હોય છે. વંશ પરંપરા પ્રમાણે વિશ્વમાં મુખ્યત્વે તેઓની ત્રણ જાતિ છે. તે ત્રણ જાતિ યુરોપ, પશ્ચિમ એશિયા અને આફ્રિકા એમ જુદી પડે છે. તેઓની આશરે અલગ અલગ ૨૮ પ્રજાતિ છે જે તેમના કદ અને રંગને કારણે એકબીજાથી જુદા પડે છે.

revi 1 લક્ષ્મીજીનું વાહન - વિશ્વવ્યાપી રેવીદેવી ઘુવડ
જો જોડીદારનું અવસાન ન થાય તો તે એકજ જોડીદારને જીવનભર વફાદાર રહે છે. માદા ૧૦ થી ૧૨ મહિનાની થાય ત્યારે તે ગર્ભ ધારણ કરવા સક્ષમ થઇ જાય છે. વર્ષના કોઈપણ સમયે તેઓ ચાર સુધી ઈંડા મૂકી શકે છે. પરંતુ મુખ્યત્વે સૂકા વાતાવરણમાં તેઓ ઈંડા મુકવાનું પસંદ કરે છે અને ભેજવાળો સમય પસંદ નથી કરતા. એક પછી એક એમ ઈંડા મૂકે છે જેમાંથી બચ્ચું ૩૦ દિવસે ઉડવાને સક્ષમ થઇ જાય છે. પહેલા જન્મેલું બચ્ચું અને છેલ્લે જન્મેલ બચ્ચા વચ્ચે ઘણા અઠવાડિયાનું અંતર હોય છે. માદા રેવીદેવી ઈંડાને શેવવાનું કામ કરે છે અને માદા અને બચ્ચા ખોરાક માટે નર ઉપર આધાર રાખે છે. બચ્ચામાં ખોરાક માટે ઉમદા સમજદારી હોય છે. પોતાનાથી નબળા ભાંડુને પહેલા ખોરાક ખાવા દે છે. ખોરાક માટે નાના જીવ વધારે પ્રમાણમાં મળી રહે તો તેઓ વર્ષમાં વધારે ઈંડા મૂકી શકે છે. બચ્ચા મોટા થાય તેમ માદા તેમને શિકાર કરતા શીખવાડે છે અને ત્યાં સુધી ખોરાક માટે માદા અને નરની ઉપર નભે છે.

evi1 લક્ષ્મીજીનું વાહન - વિશ્વવ્યાપી રેવીદેવી ઘુવડ
પીંછા બદલવાનું કામ સામાન્ય રીતે નર પહેલા કરે છે અને ત્યાર બાદ માદા કરે છે. જ્યારે ખોરાક વધારે મળે છે તેવો સમય પીંછા બદલવાનું કામ કરે છે. સહુથી જૂનું પીંછું પહેલા ખંખેરી દે છે અને પછી ક્રમબદ્ધ રીતે વારાફરતી પીંછા ખંખેરે છે. વાર્ષિક રીતે ઉડવાના મુખ્ય પીંછા દર વર્ષે ખંખેરી નાખે છે. તેઓનું સરેરાશ આયુષ્ય ૧૧.૫ વર્ષનું હોય છે જે બંધક અવસ્થામાં ૨૫ વર્ષ સુધી જોવા મળ્યું છે. જુદાજુદા પ્રદેશમાં તેઓનું સરેરાશ આયુષ્ય જુદું જુદું હોય છે. ગરમ પ્રદેશમાં તેઓ ખોરાક ન મળવાના કારણે અને ભૂખમરાના લીધે વધારે મરે છે.

(ફોટોગ્રાફ: જગત.કીનખાબવાલા ના ઘરે અને શ્રી જીતેન શાહ.)

@ જગત કીનખાબવાલા (સ્પેરો મેન)

આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો
Love – Learn – Conserve

ફરી કુદરતના ખોળે /સોહામણું શ્યામશિર ટપુશીયુ સુગરીના વપરાઈ ગયેલા માળામાં પોતાના ઈંડા મૂકે