બનાવટી પનીર ઝડપાયું/ હવે પનીર પણ બનાવટી, આરોગ્ય વિભાગે 1,600 કિલો નકલી પનીર જપ્ત કર્યુ

પનીરની બનેલ ચીજવસ્તુઓ આરોગવાનો ચટકો ધરાવનારાઓ માટે માઠા સમાચાર છે. જો તમને પનીરની બનેલી ચીજવસ્તુઓ ખાવાનો શોખ હોય તો ચેતવું જ રહ્યું. તેમા પણ રાજકોટવાસીઓ તો આ સમાચાર વાંચીને કદાચ પનીર બહાર ખાવાનું નામ જ ભૂલી જશે.

Gujarat
rajkot panir હવે પનીર પણ બનાવટી, આરોગ્ય વિભાગે 1,600 કિલો નકલી પનીર જપ્ત કર્યુ

રાજકોટઃ પનીરની બનેલ ચીજવસ્તુઓ આરોગવાનો ચટકો ધરાવનારાઓ માટે માઠા સમાચાર છે. જો તમને પનીરની બનેલી ચીજવસ્તુઓ ખાવાનો શોખ હોય તો ચેતવું જ રહ્યું. તેમા પણ રાજકોટવાસીઓ તો આ સમાચાર વાંચીને કદાચ પનીર બહાર ખાવાનું નામ જ ભૂલી જશે. આજે સ્થિતિ એ છે કે કઈ વસ્તુમાં ભેળસેળ નથી તે મોટો સવાલ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (આરએમસી)ના  આરોગ્ય વિભાગે ભેળસેળવાળા પનીરનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. રાહતની વાત એ હતી કે ભેળસેળવાળા પનીરનો જથ્થો રાજકોટ પહોંચ્યો ત્યારે જ પકડી લેવાયો હતો. આ જથ્થો પાછો જેવો તેવો નહીં પણ 1,600 કિલો છે.

રાજકોટ મ્યુ.ના આરોગ્ય વિભાગને સૂચના મળી હતી કે બનાવટી પનીરનો મોટો જથ્થો ભાવનગરના મહુવા ગામથી રાજકોટ આવવાનો છે. માહિતીના આધારે આરોગ્ય વિભાગની ટીમે શહેરના ભૂતખાના ચોક નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન ગઈ રાત્રિએ અગિયાર વાગ્યે એક પિકઅપ વાનમાં ભેળસેળયુક્ત પનીરનો જથ્થો ભૂતખાના ચોક પાસેના પેટ્રોલ પંપના નાકેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ પનીરનું રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ગામમાં વેચાણ કરવામાં આવનાર હતું.

હવે સવાલ એ છે કે આવું કાયમ થાય છે કે આરોગ્ય વિભાગે પહેલી જ વખત આ જથ્થો પકડ્યો. આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર આરોગ્ય વિભાગની ટીમ બનાવટી પનીરનો જથ્થો જપ્ત કરીને રાજકોટ મહાનગર પાલિકાના કેમ્પસમાં લાવી હતી. હવે તેના સેમ્પલિંગની કાર્યવાહી હાથ ધરાશે. આ પનીરનું પ્રતિ કિલો 190 રૂપિયાના ભાવે વેચાણ કરાતું હતું, જે ખૂબ જ નજીવી કિંમત કહી શકાય. પનીર લાવનારી વ્યક્તિએ પણ ભેળસેળવાળુ પનીર હોવાની વાત સ્વીકારી હતી.

તેણે કહ્યું હતું કે પામોલિન તેલ અને વેજીટેબલ ઓઇલનો ઉપયોગ કરીને આ પનીર તૈયાર કરવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલા 1,600 કિલો પનીરના જથ્થાની અંદાજિત કિંમત ત્રણ લાખ રૂપિયા જેટલી છે. આ પનીરનો જથ્થો રાજકોટના નવથી દસ વિક્રેતાને પહોંચાડવામાં આવનાર હતો. તેના પછી તે રિટેલરો પાસે જવાનો હતો, પરંતુ આમ થાય તે પહેલાં જ આરોગ્ય વિભાગે તે જથ્થો પકડી પાડ્યો હતો. હવે અગાઉ રાજકોટ આ રીતે બનાવટી પનીર સહિત બીજી કઈ વસ્તુઓના બનાવટી જથ્થા આવ્યા છે તેની તપાસ પણ કરવામાં આવશે. રાજકોટ સિવાય અન્ય ત્રણથી ચાર જિલ્લામાં પણ આ પનીર પહોંચાડવામાં આવ્યું હતું, જેથી રાજ્યના આરોગ્ય વિભાગને પણ તેની જાણ કરાઈ છે.

 

આ પણ વાંચોઃ Tat Exam/ ગુજરાતમાં શિક્ષકોની ભરતી માટે પરીક્ષાની જાહેરાત

આ પણ વાંચોઃ Operation Kaveri/ જેદ્દાહથી 231 ભારતીયો સાથે IAF એરક્રાફ્ટ પહોંચ્યું અમદાવાદ

આ પણ વાંચોઃ શરદ પવાર-રાજીનામુ/ શરદ પવારનું એનસીપીના પ્રમુખપદેથી રાજીનામુ, પણ રાજકારણમાંથી નિવૃત્તિ નહીં