Not Set/ આજે ભારત દ્વારા યોજાશે NSA સ્તરની વાતચીત,શાંતિ અને સ્થિરતા પર થશે ચર્ચા

ભારત પહેલેથી જ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે લડી રહ્યું છે અને બીજી તરફ ચીનની આક્રમકતા, અફઘાનિસ્તાનની લાંબી અસ્થિરતા અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે તેના પ્રદેશનો ઉપયોગ નવી મુસીબતો ઊભી કરશે

Top Stories World
2 2 આજે ભારત દ્વારા યોજાશે NSA સ્તરની વાતચીત,શાંતિ અને સ્થિરતા પર થશે ચર્ચા

ભારતે દેશના પુનઃનિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે, છેલ્લા બે દાયકામાં અફઘાનિસ્તાનમાં લોકો-કેન્દ્રિત પ્રોજેક્ટ્સ પર USD 3 બિલિયનથી વધુનો ખર્ચ કર્યો છે, જેમાં તાલિબાન પણ નવી દિલ્હીના યોગદાનને સ્વીકારે છે. G20 સમિટ હોય, BRICS સમિટ હોય કે દ્વિપક્ષીય મંત્રણા હોય, ભારત અફઘાનિસ્તાનના મુદ્દે મહત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે.

ભારત પહેલેથી જ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે લડી રહ્યું છે અને બીજી તરફ ચીનની આક્રમકતા, અફઘાનિસ્તાનની લાંબી અસ્થિરતા અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે તેના પ્રદેશનો ઉપયોગ નવી મુસીબતો ઊભી કરશે. એટલા માટે અફઘાનિસ્તાનના મુદ્દા પર પ્રાદેશિક સંવાદ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો છે. ભારત દ્વારા આયોજિત અફઘાનિસ્તાન પર તેના પ્રકારની પ્રથમ પ્રાદેશિક વાટાઘાટોમાં ભાગ લેવા રશિયા, ઈરાન અને તમામ પાંચ મધ્ય એશિયાઈ દેશોના સાત સુરક્ષા અધિકારીઓ મંગળવારે દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીમાં યોજાનારી અફઘાનિસ્તાન પરની આ બેઠકમાં તાજિકિસ્તાન, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો ઉપરાંત રશિયા અને ઈરાન પણ ભાગ લેશે. આ બેઠકની અધ્યક્ષતા ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કરશે.

અગાઉ ઈરાને 2018-2019માં સમાન ફોર્મેટમાં સંવાદોનું આયોજન કર્યું હતું. જોકે, આ વખતે સાત દેશોની મંત્રણામાં સૌથી વધુ ભાગીદારી હશે. આ ફોર્મેટ બાદ ભારતે પાકિસ્તાન અને ચીનને પણ આમંત્રણ આપ્યું હતું. જોકે, બંનેએ મીટિંગમાં આવવાનો ઈન્કાર કરી દીધો છે. પરંતુ ચીને કહ્યું છે કે તે અફઘાનિસ્તાન પર ભારત સાથે બહુપક્ષીય અને દ્વિપક્ષીય સ્તરે વાતચીત માટે તૈયાર છે. ચીને ઈરાન દ્વારા આયોજિત અગાઉની બેઠકોમાં અને તાજેતરમાં બ્રિક્સ બેઠકમાં પણ ભાગ લીધો હતો. અધિકારીઓને લાગે છે કે પાકિસ્તાન ક્યારેય અફઘાનિસ્તાનની સમસ્યાઓના ઉકેલનો ભાગ બનવા માંગતું નથી, કારણ કે દરેક માને છે કે અફઘાનિસ્તાનમાં સમસ્યાનું વાસ્તવિક સ્ત્રોત પાકિસ્તાન છે. દુનિયાથી એ વાત છુપી નથી કે પાકિસ્તાન અને તેની કુખ્યાત જાસૂસી સંસ્થા ઈન્ટર-સર્વિસીસ ઈન્ટેલિજન્સ (ISI) વર્ષોથી તાલિબાનમાં હક્કાની અને ISIS ખોરાસાનને સમર્થન આપી રહી છે.

આ સાથે જ અફઘાનિસ્તાનોને માનવતાવાદી સહાયના પ્રવાહમાં પાકિસ્તાન પણ મોટા અવરોધ તરીકે ઉભરી આવ્યું છે. ભારત અફઘાનિસ્તાનને તાકીદની મદદ આપવા તૈયાર છે, પરંતુ પાકિસ્તાન મદદ આપવામાં અવરોધો ઉભો કરી રહ્યું છે. પાકિસ્તાને આ ફોર્મેટમાં યોજાયેલી કોઈપણ બેઠકમાં હાજરી આપી ન હતી અને હવે તેણે ભારતના આમંત્રણને પણ નકારી કાઢ્યું છે.

ભારત, દિલ્હી સંવાદમાં અન્ય સાત સહભાગી દેશો સાથે, અફઘાનિસ્તાન અને તેની આસપાસના આતંકવાદના જોખમો અંગે વિગતવાર ચર્ચા કરશે. સાથોસાથ, ઘણા સહભાગીઓએ માદક દ્રવ્યોની હેરાફેરી અને અફઘાનિસ્તાનમાં બાકી રહેલા વિશાળ યુએસ શસ્ત્રોના ઉપયોગ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પાકિસ્તાન આ તમામ મુદ્દાઓ પર ધ્યાન આપતું નથી અને તાલિબાન સરકાર સાથે સતત વાતચીત કરી રહ્યું છે. મંત્રણામાં ભાગ લેનાર ઈરાન, રશિયા અને મધ્ય એશિયાના તમામ દેશો તાલિબાન શાસનને માન્યતા આપવાના નિર્ણયથી દૂર છે. સૂત્રોએ ANIને જણાવ્યું કે તાલિબાનની માન્યતા પણ તેમના એજન્ડામાં નથી. તમામ સહભાગી દેશોએ અફઘાનિસ્તાનમાં લઘુમતીઓના પ્રતિનિધિત્વ, મહિલાઓના અધિકારો અને માનવ અધિકારો અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેને 90ના દાયકાના તાલિબાન અને અત્યારના તાલિબાનોમાં કોઈ ફરક દેખાતો નથી.

સરકારી સૂત્રોનું કહેવું છે કે જો આ બેઠકમાં સંયુક્ત સુરક્ષા નીતિ ઘડવા પર સહમતિ થાય છે તો તેનાથી પાકિસ્તાન-ચીનને અલગ કરવામાં મદદ મળશે એટલું જ નહીં, અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન પર પણ દબાણ આવશે. ભારત સહિત તમામ આઠ દેશો અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના વધતા દખલથી ચિંતિત છે. ખાસ વાત એ છે કે આ દેશોનો સીધો સંબંધ અફઘાનિસ્તાન સાથે છે અને અફઘાનિસ્તાનમાં બની રહેલી ઘટનાઓની અસર આ દેશો પર પડે છે. ઉલ્લેખનીય છે કે, ભારત શરૂઆતથી જ વિશ્વના દેશોને અફઘાનિસ્તાનના મામલામાં સંયુક્ત રણનીતિ બનાવવા માટે વિનંતી કરી રહ્યું છે. ભારતે અફઘાનિસ્તાનમાં સત્તા પરિવર્તન બાદ સતત આતંકવાદી ગતિવિધિઓ વધવાની આશંકા વ્યક્ત કરી છે.