સુરત/ અહીં થાય છે બાળમજૂરી : બારડોલી સુગર ફેક્ટરીમાં ઇજાગ્રસ્ત પાંચ પૈકી એક ‘બાળમજૂર’

આ કિશોર સુગર મિલમાં શું કરી રહ્યો હતો? ગુજરાત અને ભારતમાં જ્યારે બાળ મજૂરી ઉપર પ્રતિબંધ છે ત્યારે નાનકડા બાળક પાસે શું ટાંકી સાફ કરાવવામાં આવી રહી હતી?

Top Stories Gujarat Others
બારડોલી

બારડોલી સુગર ફેક્ટરીમાં ટાંકીની સાફસફાઈ કરતાં કેટલાક શ્રમિકો ગૂંગળાઈને ઇજાગ્રસ્ત થયાં હતાં. સુગર ફેક્ટરીમાં ટાંકી સાફ કરતી વખતે ઑક્સિજનના અભાવે સફાઇકર્મીઓને ગૂંગણામણ થતી હોય છે ત્યારે તેના નિરાકરણ માટે પણ ચોક્કસ સાવચેતીઓ રાખવામાં આવતી હોય છે પરંતુ બારડોલીના ખાંડ ઉદ્યોગમાં એક નહીં પરંતુ પાંચ પાંચ સફાઇકર્મીઓને ટાંકી સાફ કરતાં ઑક્સિજનનાં અભાવે ગૂંગણામણ થઈ હતી અને તેના કારણે તેઓ ઇજાગ્રસ્ત પણ થયાં હતાં. મહત્વની વાત એ છે કે આ ઇજાગ્રસ્ત થનાર પાંચ શ્રમિકોમાં એક 16 વર્ષની ઉંમરનો કિશોર પણ હતો. ત્યારે સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે આ કિશોર સુગર મિલમાં શું કરી રહ્યો હતો? ગુજરાત અને ભારતમાં જ્યારે બાળ મજૂરી ઉપર પ્રતિબંધ છે ત્યારે નાનકડા બાળક પાસે શું ટાંકી સાફ કરાવવામાં આવી રહી હતી? આ અંગે ફેક્ટરી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી પરંતુ તમામ શ્રમિકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

બારડોલી

મળતી વિગત અનુસાર બારડોલી ખાંડ ઉદ્યોગમાં હાલના સમયમાં શેરડીના પીલાણની સિઝન બંધ હોવાથી તમામ ટાંકીઓ સાફ કરવામાં આવતી હોય છે. તાજેતરમાં પણ ટાંકી સાફ કરવા માટે પાંચ શ્રમિકો કામ કરી રહ્યા હતા ત્યારે ત્રણ શ્રમિકો ટાંકીમાં ઉતરેલા હતાં અને બે શ્રમિકો બહાર હતાં. અચાનક ટાંકીમાં ગભરામણ થતાં અન્ય બે શ્રમિકો ટાંકીમાં રહેલા શ્રમિકોને બચાવવા ગયા અને પાંચેય શ્રમિકો ઑકિસજનની અછતના કારણે ગૂંગળાઈને ઇજાગ્રસ્ત થયાં હતા. ત્યારે તમામ શ્રમિકોને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જે પૈકી 2 શ્રમિકોની સ્થિતિ નાજુક હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ પાંચ ઇજાગ્રસ્ત શ્રમિકોમાં એક શ્રમિક બાળમજૂર હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલનાં રજીસ્ટરમાં નોંધાવ્યા અનુસાર એક શ્રમિકની ઉંમર માત્ર 16 વર્ષની છે. હેનીલ સંજયભાઈ રાઠોડનો શ્રમિક જે ગંભીર ઇજાગ્રસ્ત થયો છે તેની ઉંમર માત્ર 16 વર્ષની છે. બાબેન ગામનો હળપતિ પરિવારનો 16 વર્ષીય હેનીલની તબિયત અત્યારે પણ નાજુક હોવાનું જાણવા મળે છે. ત્યારે એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરીમાં  બાળ મજૂરી થતી હોવાની સાબિતી સૌની સામે છે. આ સમગ્ર ઘટના બાબતે હવે તંત્ર કેટલી ગંભીરતા દાખવે છે તે સમય જ જણાવશે પરંતુ આટલી મોટી બેદરકારી માટે અને દુર્ઘટના માટે જવાબદારોને સજા નહીં મળે તો અન્યને પણ બાળમજૂરી કરાવવાનો પીળો પરવાનો મળી શકે છે. ઇજાગ્રસ્ત થયેલ શ્રમિકોમાં સંજયભાઈ દિનેશભાઈ રાઠોડ(29), સવાનભાઈ રમેશભાઈ રાઠોડ(18), સંતોષભાઈ ડાહ્યાભાઇ રાઠોડ(26), કરણભાઈ કિશોરભાઇ રાઠોડ(21) અને હેનીલ સંજયભાઈ રાઠોડ(16) નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : પાકિસ્તાની હુનરે ભારતને અપનાવી લીધું હવે વારો છે ભારત સરકાર આ હુનરને આપે પ્લેટફોર્મ