price hike/ અઠવાડિયામાં ડુંગળીના ભાવ ડબલ થયા, દિલ્હીમાં ભાવ 75 રૂ. પ્રતિ કિલોએ પહોંચ્યા

છેલ્લા 15 દિવસમાં દેશભરના મોટા માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક 40 ટકા સુધી ઘટી

Top Stories Business
Onion prices doubled in a week prices in Delhi at Rs 75 per kg અઠવાડિયામાં ડુંગળીના ભાવ ડબલ થયા, દિલ્હીમાં ભાવ 75 રૂ. પ્રતિ કિલોએ પહોંચ્યા

દેશભરમાં ટામેટા બાદ હવે ડુંગળી સામાન્ય લોકોને રડાવી રહી છે. કહેવાય છે નવેમ્બરમાં ડુંગળીના ભાવમાં 100 રૂપિયા સુધી પહોંચી શકે છે. હાલ ગુજરાતમાં હોલસેલ માર્કેટમાં ડુંગળીનાં ભાવ રૂ. 45 થી 50 રૂ. પ્રતિકીલો બોલાઈ રહ્યા છે. જ્યારે દિલ્હી જેવા મહાનગરોમાં ડુંગળીનાં હોલસેલ ભાવ ભાવ રૂ. 60 માંડી 75 રૂ. પ્રતિકીલો બોલાઈ રહ્યા છે.

દિલ્હીના અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ વધારો શરૂ થયો છે. એક અઠવાડિયા પહેલા હોલસેલમાં 30થી માંડી 35 રૂપિયા સુધી પ્રતિ કિલો મળતી ડુંગળીના ભાવ અત્યારે ડબલ થઇ 75 રૂપિયા સુધી ભાવ બોલાઇ રહ્યાં છે.

બીજી તરફ મહારાષ્ટ્રના લાસલગાંવ માર્કેટ યાર્ડમાં ડુંગળીના હોલસેલ ભાવમાં 15 દિવસમાં 58થી માંડી 60 ટકા સુધીનો ભાવ વધારો નોંધાયો છે. સરકારના અનુમાન અનુસાર ડુંગળીની કિંમતમાં ભાવ વધારો નવેમ્બર મહિના સુધી ચાલું રહેશે.

દિલ્હીના ગાઝિયાબાદમાં એક હોલસેલના વેપારીએ એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું કે 28 ઓક્ટોબરના રોજ ડુંગળીની કિંમત 70 રૂપિયા પ્રતિ કિલો છે જે 27મી ઓક્ટોબરના રોજ 60 રૂપિયા હતી. એક અઠવાડિયા પહેલા ડુંગળીની કિંમત અલગ અલગ વકલ અનુસાર 32, 37 અને 40 રૂપિયા પ્રતિ કિલો હતી. બીજા અન્ય એક રીટેલરે જણાવ્યું કે ડુંગળીની કિંમત 100 રૂપિયા સુધી પહોંચી શકે છે.

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં પણ ડુંગળીની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. ડુંગળીના ભાવમાં વધારાના અનેક કારણો છે જેમાં મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ, કર્ણાટક રાજ્યમાં વરસાદી અસરના કારણે ભાવ વધારો મુખ્ય છે. મહારાષ્ટ્રમાં વરસાદી માહોલમાં ડુંગળીનો સ્ટોક બગડ્યો હોવાથી આવક ઘટી છે. જ્યારે કર્ણાટકમાં વરસાદના અભાવે 40 % જ પાક લેવાયો છે. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વરસાદી ફેક્ટર અસર કરતા ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. દિવાળી સુધી ડુંગળીના ભાવમાં વધારો રહે તેવું વેપારીઓનું અનુમાન છે.

મહારાષ્ટ્રમાં ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. રાજ્યના મહત્વના બજાર પિંપલગાંવમાં આજે ડુંગળીના ભાવ 2,800થી 5,100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નોંધાયા હતા, જ્યારે આ મહિનાની 3જી તારીખે ભાવ 900થી 2500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા. સ્વાભાવિક છે કે, આ મહિને બજારમાં કિંમતો બમણી થઈ ગઈ છે અને મહત્તમ ભાવ 70 રૂપિયા પ્રતિ કિલોને વટાવી ગયો છે. છેલ્લા 15 દિવસમાં દેશભરના મોટા માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક 40 ટકા સુધી ઘટી છે.

ભાવ ઘટાડવા સરકારે સ્ટોક ખાલી કર્યો
ડુંગળીના વધી રહેલા ભાવને પગલે કન્ઝ્યુમર અફેર મિનિસ્ટ્રીએ કહ્યું કે રાજ્યમાં હોલસેલ અને રિટેલ બજારમાં ડુંગળીનો વધારાનો સ્ટોક મોકલવામાં આવી રહ્યો છે. ઓગસ્ટની વચ્ચે દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ચંડીગઢ, પશ્ચિમ બંગાળ, તેલંગણા, ઉત્તરાખંડ, બિહાર સહિત લગભગ 16 રાજ્યમાં 1.74 લાખ ટન ડુંગળીનો જથ્થો મોકલ્યો હતો.

8 લાખ મેટ્રિક ટન ડુંગળી ખરીદશે સરકાર
મંત્રાલય સાથે સંકળાયેલા લોકોએ સમાચાર એજન્સી ANI ને જણાવ્યું કે સરકારે 5.07 લાખ મેટ્રિક ટનથી વધારે ડુંગળી ખરીદી છે અને આગામી દિવસોમાં 3 લાખ મેટ્રિક ટન વધુ ખરીદશે. ત્યાર બાદ ડુંગળીની કિંમત કન્ટ્રોલમાં આવી શકે છે.

એક્સપોર્ટ પર 40% ડ્યુટી લાગશે
કેન્દ્ર સરકારે ઓગસ્ટમાં ડુંગળીના એક્સપોર્ટ પર 40% ડ્યુટી લગાવી હતી, જેથી ડુંગળીની આવક મોડી થાય તો કિંમત નિયંત્રણમાં રાખી શકાય. ઓગસ્ટ પહેલા ડુંગળીના એક્સપોર્ટ પર કોઇ ટેક્સ વસુલવામાં આવતો નહીં. સરકારનો આ આદેશ 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitterWhatsAppTelegramInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.