New Delhi News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ શનિવારે દિલ્હીમાં ભાજપના મુખ્યાલયે નવી રાષ્ટ્રીય ટીમ સાથે બેઠક કરી. ભાજપ સંગઠન (BJP)ને વધુ મજબૂત બનાવવા અને જનતા સાથે સીધું જોડાણ વધારવા અંગે ચર્ચા થઈ. આ બેઠક પહેલાં સવારે નવા પદાધિકારીઓએ ભાજપ અધ્યક્ષ નિતિન નબીન સાથે પણ મુલાકાત કરી હતી.
BJPની નવી ટીમ સાથે PM મોદીની બેઠક
PM મોદીએ બેઠક બાદ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે પાર્ટીના સાથીદારો સાથેની મુલાકાત સારી રહી. તેમણે કહ્યું કે આવી બેઠકો પાર્ટીને મજબૂત બનાવવા અને લોકો સાથેના જોડાણ અંગે ઊંડા વિચાર-વિમર્શ માટે મહત્વપૂર્ણ મંચ બની રહે છે.
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત 17 ઓગસ્ટે કરવામાં આવી હતી. કુલ 65 સભ્યોની આ ટીમમાં મોટા પાયે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. રામ માધવને ઉપાધ્યક્ષ અને સ્મૃતિ ઈરાનીને મહાસચિવની જવાબદારી આપીને ફરી સંગઠનમાં મહત્વની ભૂમિકા સોંપવામાં આવી છે.
ભાજપની નવી ટીમમાં 51 નવા ચહેરા
નવી ટીમમાં 65માંથી માત્ર 14 જૂના ચહેરાઓને જ ફરી સ્થાન મળ્યું છે, જ્યારે 51 નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે કુલ ટીમમાં લગભગ 78.5 ટકા સભ્યો નવા છે. આ ફેરફારથી ભાજપે સંગઠનમાં નવી પેઢીને વધુ જવાબદારી આપવાનો સંકેત આપ્યો છે. જોકે, અનુભવી નેતાઓને પણ મહત્વની ભૂમિકામાં જાળવી રાખવામાં આવ્યા છે, જેથી સંગઠનના અનુભવ અને નવી પેઢી વચ્ચે સંતુલન જળવાઈ રહે. નવી ટીમની રચનાને આગામી રાજકીય પડકારો અને સંગઠનને વધુ સક્રિય બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
જેન ઝી સાથે ભાજપનું જોડાણ વધારવાની તૈયારી
ભાજપ હવે ખાસ કરીને યુવા મતદારો અને જેન-ઝી સાથે સીધું જોડાણ (Gen Z Outreach) વધારવા પર ધ્યાન આપી રહ્યું છે. નવી ટીમમાં યુવાનો સુધી પહોંચ વધારવા માટે ખાસ જવાબદારી ધરાવતા નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમમાં ભાજપ અધ્યક્ષ નિતિન નબીન, રાષ્ટ્રીય મહાસચિવ સ્મૃતિ ઈરાની અને વિનોદ તાવડે ઉપરાંત ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા છત્તીસગઢના મંત્રી ઓપી ચૌધરીનો સમાવેશ થાય છે.
પાર્ટી સોશિયલ મીડિયા મારફતે યુવા વર્ગ સુધી પોતાનો સંદેશ વધુ અસરકારક રીતે પહોંચાડવાની પણ તૈયારી કરી રહી છે. નવી ટીમને આ દિશામાં મહત્વની જવાબદારી આપવામાં આવી શકે છે.
યુનિવર્સિટી આઉટરીચથી યુવાનો સાથે સીધો સંવાદ
કેન્દ્ર સરકાર પણ કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સીધું જોડાણ વધારવાની તૈયારી કરી રહી છે. PTIના અહેવાલ મુજબ, 19 ઓગસ્ટની કેબિનેટ બેઠકમાં યુનિવર્સિટી આઉટરીચ (University Outreach)કાર્યક્રમ અંગે ચર્ચા થઈ હતી. આ કાર્યક્રમ હેઠળ કેન્દ્રીય મંત્રીઓ અલગ-અલગ યુનિવર્સિટીઓમાં જઈને વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરશે. વિદ્યાર્થીઓના પ્રશ્નો, વિચારો અને સમસ્યાઓ સાંભળવા ઉપરાંત યુવાનો સુધી સરકારની નીતિઓ અને યોજનાઓનો સંદેશ પહોંચાડવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.
આ સમગ્ર કવાયતથી સ્પષ્ટ થાય છે કે ભાજપ સંગઠનાત્મક ફેરફારની સાથે યુવા મતદારો અને નવી પેઢી સાથે સીધો સંવાદ વધારવાની દિશામાં પણ આગળ વધી રહ્યો છે.
