New Delhi News : નવી દિલ્હી (New Delhi)માં જંતર-મંતર (Jantar Mantar)પર ચાલી રહેલા CJP (કોકરોચ જનતા પાર્ટી)ના વિરોધ પ્રદર્શનને પોલીસે સોમવારે સમાપ્ત કરાવ્યું હતું. પોલીસે મંચ ખાલી કરાવી તંબુઓ દૂર કરાવ્યા હતા અને સ્થળ પર હાજર પ્રદર્શનકારીઓને હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ધક્કામુક્કી તેમજ લાઠીચાર્જના દૃશ્યો પણ સામે આવ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.
CJPના પ્રવક્તાએ દાવો કર્યો કે પાર્ટીના નેતા અભિજીત દીપકને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, જોકે દિલ્હી પોલીસે આ દાવાને નકાર્યો છે. અભિજીત દીપકેએ તમામ સાંસદોને વિદ્યાર્થીઓના સમર્થનમાં અવાજ ઉઠાવવાની અપીલ પણ કરી હતી.

આ પહેલાં પ્રદર્શનકારીઓ સંસદ ભવન તરફ કૂચ કરતાં મુખ્ય પ્રવેશદ્વાર નજીક પહોંચ્યા હતા. કેટલાક લોકોએ સુરક્ષા બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા બાદ સંસદની સુરક્ષા વધુ કડક કરવામાં આવી હતી. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે ટીયર ગેસનો પણ ઉપયોગ કર્યો હતો, જેના કારણે ભીડ વિખેરાઈ ગઈ હતી. તે સમયે વડાપ્રધાન સહિત અનેક સાંસદો સંસદની કાર્યવાહી દરમિયાન હાજર હતા.

સવારે રાજીવ ચોક અને મંડી હાઉસ મેટ્રો સ્ટેશનોની આસપાસ પણ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકત્ર થયા હતા. કેટલાક લોકો પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા.
અમદાવાદમાં પણ વિરોધ પ્રદર્શન
આ દરમિયાન અમદાવાદમાં લો ગાર્ડન નજીક હેપ્પી સ્ટ્રીટ વિસ્તારમાં પણ વિરોધ પ્રદર્શન (Protest)યોજાયું હતું. NEET પેપર લીક મુદ્દે, સોનમ વાંગચૂક ના સમર્થનમાં અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતર્યા હતા.
પોલીસે સ્થળ પર પહોંચીને પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો અને અનેક લોકોને અટકાયત કરી હતી. ACP, DCP સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને જવાનોને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો.
