ગુજરાત/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂજ ખાતે રૂપિયા 90 કરોડના ખર્ચે નિર્મિત ‘રિજિયોનલ સાયન્સ સેન્ટર’નું લોકાર્પણ

કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓ સહિત વિજ્ઞાનમાં રૂચિ ધરાવતા લોકોને રાજ્ય સરકારની અમૂલ્ય ભેટ

Gujarat Others
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 ઓગસ્ટના રોજ ભૂજ ખાતે નવનિર્મિત અદ્યતન રિજિયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને પ્રયાસો થકી રાજ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રચાર પ્રસાર માટે રાજ્યના વિવિધ સ્થળોએ રિજિયોનલ સાયન્સ સેન્ટરનું નિર્માણ થઈ રહ્યુ છે. સાયન્સ સેન્ટર વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે યુવા પેઢીને પ્રોત્સાહિત તેમજ શિક્ષિત કરનાર અને આત્મવિશ્વાસ વધારનાર કેન્દ્ર બનશે.

આ સેન્ટર આશરે 10 એકર જમીન ઉપર રૂપિયા 90 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યુ છે. જે મુલાકાતીઓની વિજ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસા વૃત્તિને પ્રોત્સાહિત કરશે સાથે જ જીવન પર્યન્ત શીખવાની વૃત્તિ આગળ વધે તેવી વાઇબ્રન્ટ ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવ્યુ છે. આ સાયન્સ સેન્ટર ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) દ્વારા સ્મૃતિવન પાસે, ભુજીયો ડુંગરની તળેટીમાં, માધાપર રોડ ખાતે વિકસાવવામાં આવ્યુ છે.

a 37 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂજ ખાતે રૂપિયા 90 કરોડના ખર્ચે નિર્મિત ‘રિજિયોનલ સાયન્સ સેન્ટર’નું લોકાર્પણ

ગુજરાત સામાજિક અને આર્થિક વિકાસની સાથે 21મી સદીના વિજ્ઞાન યુગના પગલે

રિજિયોનલ સાયન્સ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય માનવીના માનસ પર વૈજ્ઞાનિક અભિગમ ઉભો કરી વિજ્ઞાન પ્રત્યે લોકજાગૃત્તિ કેળવવાનો  સાથે જ વિદ્યાર્થીઓને આગામી પેઢીના વૈજ્ઞાનિકો બનવા માટે પ્રેરિત કરવાનો છે. આ ઉપરાંત અહીં વિજ્ઞાનના શિક્ષકો, વિદ્યાર્થીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, ટેકનિશીયનો, દિવ્યાંગો, ગૃહિણીઓ તથા અન્ય લોકો માટે વિજ્ઞાન, ટેકનોલોજી તથા ઉદ્યોગને લગતા તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

a 38 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂજ ખાતે રૂપિયા 90 કરોડના ખર્ચે નિર્મિત ‘રિજિયોનલ સાયન્સ સેન્ટર’નું લોકાર્પણ

કચ્છ ભુજની ભૌગોલિક પરીસ્થિતિને આધારે છ પ્રકારની વિવિધ થીમ આધારિત ગેલેરી વિકસાવાઈ

  1. સ્પેસ સાયન્સ ગેલેરી : વિવિધ ખગોળીય સિદ્ધાંતો અને અવકાશી પદાર્થો પર કેન્દ્રિત વર્ણનાત્મક, ઇન્ટરએક્ટિવ અને ઇન્ફોટેઈનમેન્ટ થીમ આધારિત રાઇડ્સ ધરાવતું અંતરિક્ષ સંશોધનના ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યનો ચિતાર આપતું પ્રદર્શન નિહાળવા મળશે.
  2. મરિન નેવિગેશન : આ ગેલેરીમાં સમુદ્ર યાત્રાનો પ્રાચીન ઇતિહાસ, વિવિધ સિગ્નલના આંતરરાષ્ટ્રીય કોડ્સ, દરિયાઈ નેવિગેશનમાં ઉપયોગમાં લેવાતી વિવિધ પદ્ધતિઓ, સાધનો કે જે સમુદ્રિ યાત્રામાં ઉપયોગમાં લેવાય છે તેની રસપ્રદ માહિતી ઇન્ટરએક્ટિવ પદ્ધતિથી દર્શાવતું પ્રદર્શન નિહાળવા મળશે.
  3. એનર્જી સાયન્સ : ઉર્જાના વિવિધ સિધ્ધાંતો પર આધારિત થિયરીથી લઈને તેની વ્યવહારુ એપ્લિકેશન રસપ્રદ રીતે પ્રદર્શિત કરવામાં આવેલ છે. મુલાકાતીઓને વિવિધ મોડેલ્સ મારફતે જણાવવામાં આવેલ છે કે કેવી રીતે ઉર્જા આપણા રોજિંદા જીવનને સ્પર્શે છે.
  4. નેનો ટેક્નોલોજી : નેનો ટેક્નોલોજીના વિવિધ સિદ્ધાંતો, સાધનો, તકનીક તથા એપ્લિકેશન્સને આ ગેલેરીમાં પ્રદર્શિત કરવામાં આવેલ છે. નેનો ટેક્નોલોજીની વર્તમાન સમયમાં માનવજીવનમાં ઉપયોગીતા અને ભવિષ્યમાં તેના દ્વારા આવનાર પરિવર્તનને વિવિધ ઉત્પાદોના માધ્યમથી પ્રદર્શિત કરવામાં આવેલ છે.
  5. બોન્સાઇ : બોન્સાઇ વૃક્ષ વિકસાવવાની કળા તથા તેની સાથે સંકળાયેલ વિજ્ઞાન વિવિઘ ઇન્ફોગ્રાફીક્સ તથા જીવંત નમૂનાઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ છે. સાથે સાથે બોન્સાઈ વર્કશોપમાં પોતાના હાથે બોન્સાઇ વૃક્ષ વિકસાવવાનો મોકો પણ મળે છે.
  6. ફિલ્ડ્સ મેડલ : આ એક વિશિષ્ટતા ધરાવતી ગેલેરી બનાવવામાં આવી છે જેમાં ગણિતના ક્ષેત્રે આગવું યોગદાન આપનારા યુવા ગણિતજ્ઞો કે જેઓને ફિલ્ડ્સ મેડલ દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા છે તથા ભારતના એવા ગણિતજ્ઞો જેમણે ગણિતના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપેલ છે, તેઓને સમર્પિત છે.

ભૂજ સાયન્સ સેન્ટરની અન્ય વિશેષતાઓ

સેન્ટરમાં ગેલેરીઓ ઉપરાંત લોકોના મનોરંજન માટે સબમરીન સિમ્યુલેટર, મરિન નેવિગેશન સિમ્યુલેટર, 3D થીએટર, સોલાર ટ્રી, ફીબોનાચી સિદ્ધાંત આધારિત સ્કલ્પ્ચર, બાળકોને રમવા માટે નેનોટનલ, પી.એસ.એલ.વી. રોકેટ મોડેલ, બોન્સાઇ ગાર્ડન અને વર્કશોપ જેવી અદ્યતન સુવિધાઓનો મુલાકાતીઓને અને ખાસ કરીને વિદ્યાર્થીઓ અને સંશોધકોને હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ મળી રહેશે. આખા કેન્દ્રની ફરતે વિજ્ઞાનની થીમ આધારિત ઉદ્યાન વિકસાવવામાં આવી રહ્યું છે. જેમાં આઉટડોર પ્રદર્શનનો આનંદ પણ માણી શકાશે.

a 38 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂજ ખાતે રૂપિયા 90 કરોડના ખર્ચે નિર્મિત ‘રિજિયોનલ સાયન્સ સેન્ટર’નું લોકાર્પણ

આ ઉપરાંત સાયન્સ સેન્ટર ક્લીન એનર્જી એફિસિયન્ટ બને અને સૂર્ય ઉર્જાથી વીજળી પેદા કરી તેનો ઉપયોગ કરવા માટે કેન્દ્રની મુલાકાતે આવનાર લોકોને પ્રેરણા મળી શકે તે માટે રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની મદદથી 95 કે.વી. જેટલી વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતી સોલાર સિસ્ટમ પણ લગાવવામાં આવશે.

ભુજનું રિજિયોનલ સાયન્સ સેન્ટર સમગ્ર કચ્છ જિલ્લામાં વિજ્ઞાન અને તકનીકી આધારિત ઇનોવેશનનું કેન્દ્ર બનશે. સમગ્ર વર્ષ દરમિયાન જિલ્લા અને રાજ્ય કક્ષાના વિજ્ઞાન આધારિત વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.

આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મોહાલીમાં હોમી ભાભા કેન્સર હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન, CM ભગવંત માને કહ્યું- અમારા માટે મોટી ભેટ

આ પણ વાંચો: ક્લાઈમેટ ચેન્જ પર અમેરિકા 500 બિલિયન ડોલરનો કરશે ખર્ચ

આ પણ વાંચો:ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી, ઈસ્લામાબાદમાં વધુ એક કેસ નોંધાયો

આ પણ વાંચો:PM મોદીએ મોહાલીમાં હોમી ભાભા કેન્સર હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન, CM ભગવંત માને કહ્યું- અમારા માટે મોટી ભેટ