અંતરીક્ષ વિજ્ઞાનમાં તમામ રેકોર્ડ સ્થાપિત કરી ચુકેલ ઈસરોએ આજે વધુ એક રેકોર્ડ સ્થાપિત કરતા સફળતાપૂર્વક પોતાના ૧૦૦મા ઉપગ્રહ લોન્ચને સંપન્ન કર્યુ છે. ઈસરોએ એક સાથે સફળતાપૂર્વક ૩૧ ઉપગ્રહ લોન્ચ કર્યા છે. ઈસરો તરફથી પીએસએલવી સી-૪૦ રોકેટની મદદથી ૨૮ વિદેશી અને ૩ સ્વદેશી ઉપગ્રહને લોન્ચ કરવામાં આવ્યા હતા. જેમાં કેનેડા, ફિનલેન્ડ, ફ્રાન્સ, દ.કોરીયા, બ્રિટેન અને અમેરિકાના ઉપગ્રહનો સમાવેશ થાય છે. આ ઈસરોના સૌથી લાંબા મિશનો પૈકીનો એક છે.
રોકેટને લોન્ચ કરવામાં આવ્યા બાદ ૨.૨૧ કલાકમાં તમામ ૩૧ ઉપગ્રહને પોતપોતાની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરી દેવામાં આવ્યા છે. અર્થનેવીગેશન માટે લોન્ચ કરાયેલ સ્વદેશી સેટેલાઈટ કાર્ટોસેટ-૨ ઉપગ્રહ ભારત માટે ખૂબ જ મહત્વનો છે. આ ઉપગ્રહમાં ૧૦૦ કિલોગ્રામના માઈક્રો અને ૧૦ કિલોગ્રામના નેનો ઉપગ્રહનો સમાવેશ કરાયો છે. કાર્ટોસેટ – ૨ સીરીઝના ઉપગ્રહ થકી ભારતને પૃથ્વીના વિવિધ ભાગોની સારી ક્વોલીટીની તસ્વીરો મળી શકશે.
આ તસ્વીરોનો ઉપયોગ રસ્તાઓના નેટવર્કની વોચ રાખવા તેમજ અર્બન એન્ડ રુરલ પ્લાનિંગ માટે કરી શકાશે. મહત્વનુ છે, કે ૪ મહિના પહેલા ૩૧ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ આજ રીતે ઈસરોને દેશના ૮માં નેવીગેશન ઉપગ્રહને લોન્ચ કરવામાં અસફળતા મળી હતી. ઈસરોના જણાવ્યા મુજબ, હિટશિલ્ડ અલગ જવાના કારણે તે પ્રક્ષેપણ નિષ્ફળ ગયુ હતું. જાકે, આ વખતે ઈસરોએ સફળતાપૂર્વક ૩૧ ઉપગ્રહ લોન્ચ કરીને ફરી એકવાર પોતાની વિશ્વસનિયતા સ્થાપિત કરી છે.
ભારતના આ ઉપગ્રહથી ધરતીની તસવીર પણ લઇ શકીશું. ભારતની બોર્ડર પર થતી હાલચાલ પર પણ નજર રાખી શકાશે. ચીન અને પાકિસ્તાન માટે આપણે આ ખરાબ સમાચાર કહી શકીએ.