ગુજરાત/ સુરતમાં સીટીબસની સુવિધામાં પંચર : તંત્રને માત્ર ફોટા પડાવવામાં જ રસ, ડ્રાઈવરો બંધ બસ મૂકીની ભાગી જાય છે અને પ્રજા પરેશાન થાય છે

બસ જે જગ્યા પર બંધ થાય તે જ જગ્યા પર બસને ડ્રાઇવર અને કંડકટર મૂકીને ચાલ્યા જાય છે અને ત્યારબાદ ત્રણથી ચાર કલાક પછી બસને ટોઈંગ કરીને સર્વિસ સેન્ટર પર લઈ જવામાં આવે છે

Gujarat Surat
સુરત

સુરત મહાનગરપાલિકા દ્વારા સીટી બસ અને બીઆરટીએસ બસનું સંચાલન કરવામાં આવે છે પરંતુ આ બસો અવારનવાર રસ્તા વચ્ચ જ બંધ પડી રહી છે. તેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વની વાત એ છે કે બસ જે જગ્યા પર બંધ થાય તે જ જગ્યા પર બસને ડ્રાઇવર અને કંડકટર મૂકીને ચાલ્યા જાય છે અને ત્યારબાદ ત્રણથી ચાર કલાક પછી બસને ટોઈંગ કરીને સર્વિસ સેન્ટર પર લઈ જવામાં આવે છે એટલે કે બસ બંધ થયાના ત્રણથી ચાર કલાક સુધી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરતના કતારગામ અને અમરોલી વિસ્તારને જોડતા તાપી નદીના બ્રિજ પર એક સીટી બસ બંધ થઈ હતી આ બસ બંધ થઈ જવાના કારણે ડ્રાઇવર બસને રસ્તા વચ્ચે જ મૂકીને ચાલ્યો ગયો હતો અને બસ રસ્તા વચ્ચે પડી હોવાના કારણે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ બે દિવસ પહેલા જ સુરતના ડીંડોલી વિસ્તારમાં રાત્રિના સમયે એક સીટી બસ બંધ થઈ હતી અને જેના કારણે એ પણ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા આજે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા જીલાણી બ્રિજ પર બે બીઆરટીએસ અને બે સીટી બસ બંધ થઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. કારણકે બ્રિજ પર ચાર બસો બંધ થઈ હોવાથી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા એક તરફ વરસાદ પડી રહ્યો હતો તો એક તરફ બસના કારણે ટ્રાફિકના દ્રશ્યો સર્જાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે હવે જોવાનું એ રહે છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા સમયસર બસોની સર્વિસ કરાવવામાં આવે છે કે નહીં.

આ પણ વાંચો : ફતેપુરા પંથકમાં ઠેર ઠેર પાણી ભરાયા : તંત્રની નબળી કામગીરી સામે સ્થાનિકોનો રોષ