સમસ્યા/ ગોધરા શહેરમાં પાંચ દિવસ પહેલા વરસાદ બંધ થયો પરંતુ સમસ્યાઓ હજુ યથાવત

ગોધરા ખાડી ફળીયા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલના અભાવે ગરીબોના ઘરોમાં પાણી અને તંત્રનાં પેટનું પાણી હલતું નથી.

Gujarat Others
ગોધરા

ગોધરા નગર પાલિકાના સત્તાધીશોનાં રૂ.૧૨૦ કરોડના વિકાસના કામોના દાવાઓ ઉપર ચોમાસાઓમાં પાણી ફરી જાય છે. ગોધરા જ્યારે થોડા એવા વરસાદમાં પણ ડૂબી જઈને બેટમાં ફેરવાઈ જાય ત્યારે વરસાદી પાણીનો નિકાલ કરવા માટે ચૂંટાયેલા સદસ્યો જે.સી.બી. અને ટ્રેકટરો લઈને દોડદોડ કરે અને નગર પાલિકાના પગારદાર કર્મચારીઓ તમાશાઓ જોયા કરે છે.  વરસાદનાં પાણી ભરાવાની સમસ્યા અને એ પાણી ઉતરે પછી ગંદકીની સમસ્યાનો સામનો પ્રજાને કરવો પડે છે.

ગોધરા

તંત્રના આવા બેદરકારી ભર્યા વલણનો ભોગ પ્રજાને બનવું પડે છે. ગોધરામાં ખાડી ફળીયા વિસ્તારમાં આવેલા સિંદૂરી માતા, તીરગરવાસ, ડબગરવાસ વિગેરે વિસ્તારોમાં વસતા ગરીબોના ઝુંપડાઓમાં અને મધ્યમવર્ગ પરીવારોના ઘરોમાં પાણી ભરાઈ જતા શહેરીજનોની હાલત દયનિય બની છે. આ સામે ગોધરા નગર પાલિકા સત્તાધીશો રાજકીય જશ લેવા માટે વરસાદી પાણીના કાયમી નિકાલ માટે ચિત્રા ખાડીમાં રૂ.૭૦ લાખ ઉપરાંતની ગ્રાન્ટ ફાળવી છે પરંતુ કામ કરવા કોઈ તૈયાર નથી. હવે કામ નહિ કરવાના કારણો તો તંત્ર જ જણાવી શકે. શહેરના સિંદૂરી માતા મંદિર તેમજ ખાડી ફળિયા વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં જવાના માર્ગ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાઈ જવાની સમસ્યા વધી રહી છે ત્યારે તેનો કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માગ થઇ રહી છે પરંતુ આ સમસ્યાનો હલ ક્યારે થશે તે કહેવું હાલ મુશ્કેલ છે કારણકે જવાબાદાર અધિકારીઓ મૌન સેવી રહ્યા છે.

આ પણ વાંચો : પાટીલે એવો કયો નિર્ણય કર્યો કે જેનાથી લાકડી પણ ના તૂટી અને સાપ પણ મારી ગયો એ કહેવત સાચી ઠરી, જાણો