Food Recipe: શિયાળાની મોસમ ટકોરા મારી રહી છે. આ ઠંડીની ઋતુ (Winter Season)માં માટીના ચૂલા પર શેકેલા શક્કરિયા ખાવાની અનેરી મજા છે! ઉપરથી હળવા શેકાયેલા અને અંદરથી નરમ, મીઠા શક્કરિયા (Roasted Sweet Potato Recipe) ઠંડી ઋતુમાં ભોજનની મજા વધારી દે છે. પરંતુ શહેરોમાં માટીના ચૂલા (Clay Stove) સરળતાથી મળતા નથી. આ સંજોગોમાં જો તમે બજાર જેવા શક્કરિયા ઘરે શેકીને ખાવા માગતા હો તો ચિંતા કરવાની જરુર નથી. તમે તંદૂર અથવા તો ઓવન વિના કેવળ ગૅસ (Gas) પર એને આરામથી શેકી શકો છો.

આ શેકેલા શક્કરિયાની ચટપટી ચાટ (Sweet Potato Chat) પણ બનાવી શકાય છે. આ માટે ગરમાગરમ શક્કરિયાને છોલીને મોટા ટુકડામાં કાપી એના પર સંચળ, શેકેલો જીરા પાવડર, ચાટ મસાલો, ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં અને તાજી સમારેલી કોથમીર ઉમેરવી. ઉપર લીંબુનો રસ નિચોવીને સરસ રીતે મિક્સ કરી લેવું. શિયાળામાં આ ગરમાગરમ ચાટનો સ્વાદ તમને અવશ્ય પસંદ પડશે.
શક્કરિયાના હૅલ્થ બેનિફિટ્સ
શક્કરિયાને તળીને ખાવા કરતા બાફીને અથવા શેકીને ખાવાથી તેના પોષક તત્વો જળવાઈ રહે છે. તેમાં વિટામિન A (બીટા-કેરોટિન), વિટામિન C, પોટેશિયમ અને ફાઈબર, જટિલ કાર્બોહાઈડ્રેટ્સ ( Vitamin A, Vitamin C, Potassium, Fiber, Complex Carbs) પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે હૃદયના સ્વાસ્થ માટે, પાચનને સુચારુ બનાવી રાખવા માટે, બીપી નિયંત્રણ માટે, આંખો, ત્વચા અને વાળ માટે એમ સમગ્રતયા હૅલ્થ માટે એમનું સેવન ઉત્તમ રહે છે. શક્કરિયા તમને દિનભર ઊર્જાવાન બનાવી રાખે છે.
તમે પણ આ રેસિપીને ઓછા સમયમાં સરળતાપૂર્વક બનાવી શકો છો. આ વાનગી સ્વાદ અને સ્વાસ્થ્યનો અનોખો સંગમ છે. આ 3 રીતે તમે શક્કરિયાને શેકીને ખાઈ શકો છો.

1. તવા પર શક્કરિયા શેકો (Roasted Sweet Potato on Pen)
શક્કરિયા શેકવાની આ સૌથી સરળ ઘરગથ્થુ રીત છે. આ માટે જાડા તળીયાવાળો તવો લેવો. સૌપ્રથમ શક્કરિયાને સારી રીતે ધોઈને સૂકવી લેવા. હવે એની ઉપર હળવું તેલ કે ઘી લગાવી લેવું. શક્કરિયાને તવી પર રાખવા અને ઉપરથી કોઈ ઢાંકણ વડે ઢાંકી દેવું. ગૅસની ફ્લેમને ધીમી રાખવી જેથી શક્કરીયા બહારથી બળે નહિં અને અંદર સુધી સારી રીતે પાકી જાય. લગભગ 10 મિનિટ પછી એને પલટાવી દો અને બીજી તરફ પણ 10-15 મિનિટ સુધી શેકાવા દો. શક્કરિયાના કદના હિસાબે એને શેકાતા થોડો ઓછોવત્તો સમય લાગી શકે છે. વચ્ચે-વચ્ચે ચૅક કરતા રહેવું. જ્યારે એ નરમ થઈ જાય ત્યારે ગૅસને બંધ કરી દેવો. તમારા ગરમાગરમ શેકેલા શક્કરિયા તૈયાર છે.
2. કડાઈ કે કૂકરમાં શક્કરિયા રોસ્ટ કરો
જો તમારી પાસે ભારે તળીયાવાળી કડાઈ હોય તો એમાં શક્કરિયા આસાનીથી શેકી શકાય છે. આ માટે શક્કરિયાને સારી રીતે ધોઈને સૂકવી લેવા. હવે એની ઉપર હળવું તેલ કે ઘી લગાવી લેવું. હવે એમને કડાઈમાં મૂકીને ઢાંકણુ ઢાંકી દેવું. ધીમી ફ્લેમ પર પકાવવું અને દસ મિનિટ બાદ શક્કરિયાને ફેરવીને બીજી સાઈડ પાકવા મૂકવા. એ નરમ થાય ત્યારે એને કાઢી લેવા.
કૂકરમાં પણ આ જ રીકે શક્કરિયા શેકી શકાય છે. આ માટે કૂકરમાં પાણી નાખવાનું નથી. સીટી અને ગાસ્કેટ કાઢીને ઢાંકણું બંધ કરી દેવું. પરંતુ કૂકર કરતા કડાઈ વધુ બહેતર રહેશે કારણ કે પાણી વિના કૂકરને ગરમ કરવાનું ઘણીવાર સુરક્ષિત નથી હોતું!
3. મીઠાની મદદથી શક્કરિયા શેકો (Bake Sweet Potato with salt)
જો તમે શક્કરિયાને દેશી પદ્ધતિથી શેકવા માગતા હો તો મીઠાનો પ્રયોગ કરી શકો છો. આ માટે એક ભારે તળીયાવાળી કડાઈ લેવી અને એમાં એક જાડું લૅયર મીઠું ઉમેરવું. મીઠું ડ્રાય હોવું જોઇએ. એને મધ્યમ તાપે ગરમ કરવું. પછી ધોઈને સારી રીતે સૂકવેલા શક્કરિયાને મીઠા પર રાખીને કડાઈને ઢાંકી દેવી. ધીમા તાપે એને પાકવા દો. વચ્ચે-વચ્ચે ફેરવતા રહેવું જેથી શક્કરિયા ચારે તરફ સારી રીતે શેકાઈ જાય. કદના હિસાબે એને તૈયાર થવામાં લગભગ 20 થી 30 મિનિટ અથવા એનાથીયે વધુ સમય લાગી શકે છે. કાંટા અથવા ચપ્પુ વડે એ અંદર સુધી નરમ થયા કે નહિં એ ચૅક કરી લેવું.
તૈયાર થઈ જાય પછી એને સાવધાનીપૂર્વક કાઢી લેવા અને ઉપરથી મીઠું દૂર કરીને છોલીને ખાવા. આ શક્કરિયા ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ લાગે છે અને ચૂલામાં શેકેલા હોય એવી ફીલીંગ આવે છે!
આ પણ વાંચો: શક્કરિયાની મસ્ત કુરકુરી અને પૌષ્ટિક ટિક્કી બનાવો…મેથીની ભાજી સાથે સ્વાદ બનશે ઓર મજેદાર!
આ પણ વાંચો: આમળાનો સ્વાદ પસંદ નથી તો…શિયાળામાં આયુર્વેદના આ ‘અમૃતફળ’નું સેવન કરવાની 7 ટિપ્સ…
આ પણ વાંચો: દિવાળીના તહેવારમાં કેમ શક્કરિયા ખાવામાં આવે છે, કઈ રીતે અસર કરે છે શરીરને
