યુક્રેન પર રશિયન હુમલા બાદ સમગ્ર વિશ્વ ભૂખમરાના સંકટનો સામનો કરી રહ્યું છે. યુદ્ધના કારણે યુક્રેનમાંથી અનાજની નિકાસ ખોરવાઈ ગઈ છે. જો કે હવે રશિયા અને યુક્રેને આ સંકટનો સામનો કરવા માટે વાતચીત શરૂ કરી છે. રશિયા અને યુક્રેનિયન સૈન્ય અધિકારીઓએ બુધવારે તુર્કીના ઇસ્તંબુલમાં અટકેલા અનાજની ડિલિવરી માટે વાતચીત શરૂ કરી છે.
જણાવી દઈએ કે, આ પહેલા 11 જુલાઈના રોજ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે અલગ-અલગ ફોન પર વાત કરી હતી. તેમણે બંને નેતાઓ સાથે યુક્રેનિયન અનાજની સુરક્ષિત નિકાસ અંગે ચર્ચા કરી હતી. આ ફોન કોલ બાદ હવે તુર્કીમાં ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક થઈ રહી છે. તુર્કી આવશ્યક અનાજના વેપારને પુનઃપ્રારંભ કરવાના પ્રયાસોનું નેતૃત્વ કરી રહ્યું છે. તુર્કી દ્વારા આયોજિત મંત્રણામાં યુએનનું પ્રતિનિધિમંડળ પણ સામેલ છે.
યુક્રેન અને તેના સાથીઓએ યુક્રેનના કાળા સમુદ્રના બંદરોને ફરીથી ખોલવા માટે દબાણ કર્યું છે. યુક્રેનનું કહેવું છે કે રશિયન નાકાબંધીને કારણે બ્લેક સી પોર્ટ બંધ છે. આ બંદરો પરથી, યુક્રેન લગભગ સમગ્ર વિશ્વમાં ઘઉં જેવા આવશ્યક અનાજની નિકાસ કરે છે. યુક્રેન ઘઉં અને અન્ય અનાજના વિશ્વના સૌથી મોટા નિકાસકારોમાંનું એક છે.
તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્રએ એક રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે યુક્રેન પર રશિયન હુમલા બાદ ખાદ્યપદાર્થો અને ઊર્જાની કિંમતોમાં ભારે વધારો થયો છે. જેના કારણે વિશ્વભરમાં 71 મિલિયનથી વધુ લોકો ગરીબી રેખા નીચે આવી ગયા છે.
યુએનડીપીનો અંદાજ છે કે યુદ્ધની શરૂઆત પછીના પ્રથમ ત્રણ મહિનામાં, 51.6 મિલિયનથી વધુ લોકો ગરીબી રેખા નીચે આવી ગયા છે અને તેઓ દરરોજ $1.90 અથવા તેનાથી ઓછા પર જીવી રહ્યા છે. યુક્રેનના બંદરોની નાકાબંધી અને ઓછી આવક ધરાવતા દેશોમાં અનાજની નિકાસ કરવામાં અસમર્થતાએ ભાવમાં વધુ વધારો કર્યો. જેના કારણે લાખો લોકો ટૂંક સમયમાં જ ગરીબી રેખા નીચે ચાલ્યા ગયા.
આ પણ વાંચો:કેબિનેટનો મોટો નિર્ણય, 18 વર્ષથી વધુ ઉંમરના લોકો 75 દિવસ સુધી બૂસ્ટર ડોઝ ફ્રીમાં મેળવી શકશે