Gandhinagar News : ગુરુ વંદનાના વિશેષ દિવસ એવા શિક્ષક દિન નિમિત્તે ગુજરાત પોલીસના ઇતિહાસને ઘડનાર એવા નિવૃત્ત DGP- ADGP પોલીસ અધિકારીઓના સન્માન માટે વિશેષ કાર્યક્રમ યોજવાની પરંપરા ગત વર્ષથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના નેતૃત્વમાં શરૂ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસે ફરી એકવાર પોતાની આગવી પરંપરા જાળવી રાખી આજે સેલ્યુટ અવર મેન્ટર્સ કાર્યક્રમનું આયોજન પોલીસ ભવન ખાતે કર્યું હતું.

જે પોલીસ અધિકારીઓએ પોતાનુ સંપૂર્ણ જીવન ગુજરાત પોલીસ સેવામાં સમર્પિત કરી ગુજરાત પોલીસનો સુવર્ણ ઇતિહાસ ઘડ્યો છે તેમજ અનેક નવીન પરિવર્તનો લાવીને ગુજરાત પોલીસના ગૌરવમાં વધારો કર્યો છે, તેવા નિવૃત્ત ડીજીપી અને એડીજીપી સહિતની રેન્કના પોલીસ અધિકારીઓને એક મંચ પર એકત્રિત કરી તમામ અધિકારીઓનું આજે આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. ડીજીપી અને એડીજીપી જેવા ઉચ્ચ પદ પરથી નિવૃત્ત થયેલા ૪૦થી વધુ અધિકારીઓ અને તેમના પરિવારો આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ અવસરે જણાવ્યું હતું કે, જે સમર્પિત ભાવથી આ નિવૃત્ત અધિકારીઓએ દેશ અને રાજ્યની સેવા કરી છે, તેનો આદર અને સન્માન કરવું એ અમારા કર્તવ્યની સાથે સાથે અમારી ફરજ પણ છે. તેમણે ઉમેર્યું કે ‘પોલીસ પરિવાર’ની ભાવનામાં નિવૃત્ત અધિકારીઓનું સ્થાન અત્યંત મહત્ત્વનું છે. તેઓ આપણા માર્ગદર્શક અને મેન્ટર છે. જેમની આદર સાથે સંભાળ રાખવી અમારી ફરજ છે અને તે માટે અમે શક્ય તેટલું તમામ યોગદાન આપવા તત્પર છીએ.

આ કાર્યક્રમનું આયોજન વર્ષ ૨૦૨૪થી શરૂ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે ગત વર્ષ કરતા પણ મોટી સંખ્યામાં ગુરુજનો ઉપસ્થિત રહ્યા તે ગુજરાત પોલીસ પરિવાર માટે ગૌરવની વાત ગણાવી વિકાસ સહાયે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વર્તમાન ફરજરત પોલીસ અધિકારીઓએ આપેલા યોગદાન બદલ તે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
નિવૃત્ત ડીજીપી અરુણ કુમાર ભાર્ગવ, એસ.એસ.ખાંડવાવાલા, નિવૃત્ત સિનિયર આઇપીએસ મીરા શ્રીનિવાસ, અજયકુમાર તોમર, સતીશકુમાર શર્મા, વિજય સિંઘ ગુમાન, શ્રી શિવાનંદ ઝા, જે.એસ.બિન્દ્રા સહિતના નિવૃત્ત અધિકારીઓએ આ કાર્યક્રમને આવકારીને સમગ્ર આયોજનની પ્રશંસા કરી અને પોતાના લાગણીસભર પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું કે આ પ્રકારનું આયોજન કદાચ એકમાત્ર ગુજરાત રાજ્યમાં થતું હશે અને તે ખરેખર પ્રશંસનીય છે. વધુમાં કહ્યું કે, ગુજરાત પોલીસમાં માળખાકીય તેમજ ટેકનોલોજીકલ સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે તેની સાથે જ ગુજરાત પોલીસ માટે નવી જવાબદારીઓ પણ ખૂબ વધી છે, જેને ગુજરાત પોલીસ સુપેરે નિભાવી રહી છે.

આ કાર્યક્રમમાં નિવૃત ઉચ્ચ પોલીસ અધિકારીઓ કે.આર.કૌશિક, પી.પી.પાન્ડે, એચ.પી. સિંઘ, ગીથા જોહરી, સંજય શ્રીવાસ્તવ, અતુલ કરવલ, એ.કે.સુરોલિયા, આશિષ ભાટિયા,હસમુખ પટેલ, વિનોદ કુમાર મલ્લ, અનિલ પ્રથમ તેમજ એ.કે.શર્મા સહિત અનેક નિવૃત્ત પોલીસ અધિકારીઓ ઉપરાંત વર્તમાનમાં ફરજરત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો:અમિત શાહ દિલ્હી વિધાનસભામાં અખિલ ભારતીય સ્પીકર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે
આ પણ વાંચો:અરવિંદ રૈયાણી અને જયેશ રાદડિયા બાદ અમિત શાહ સાથે ગોવિંદ પટેલની મુલાકાત
