Not Set/ વાંક મફતનું ખાનારી પ્રજાનો હોય છે કે….મફતનું ખાવાની ટેવ પાડનારા નેતાઓ નો….

દેશની રાજધાનીમાં ૮મી ફેબ્રુઆરીએ ચુંટણી છે. દિલ્હી દેશનું દિલ હોવા છતાં આજકાલ દેશમાં જે મુદ્દાઓને લઈને ગરમાટો વ્યાપેલો છે. તેને લીધે લોકોનું ધ્યાન ચુંટણીમાં ખાસ નથી. અને વળી આમપણ અન્ય રાજ્યોમાં જયારે ચુંટણી હોય ત્યારે લોકોને તેમાં જાજો રસ ના હોય તે સ્વાભાવિક છે. તેમછતાં જે લોકો રાજકારણના રસિયા હોય તે લોકો તે તે બાબતનું […]

Gujarat
rina brahmbhatt1 વાંક મફતનું ખાનારી પ્રજાનો હોય છે કે....મફતનું ખાવાની ટેવ પાડનારા નેતાઓ નો....

દેશની રાજધાનીમાં ૮મી ફેબ્રુઆરીએ ચુંટણી છે. દિલ્હી દેશનું દિલ હોવા છતાં આજકાલ દેશમાં જે મુદ્દાઓને લઈને ગરમાટો વ્યાપેલો છે. તેને લીધે લોકોનું ધ્યાન ચુંટણીમાં ખાસ નથી. અને વળી આમપણ અન્ય રાજ્યોમાં જયારે ચુંટણી હોય ત્યારે લોકોને તેમાં જાજો રસ ના હોય તે સ્વાભાવિક છે. તેમછતાં જે લોકો રાજકારણના રસિયા હોય તે લોકો તે તે બાબતનું ધ્યાન રાખતા જ હોય છે કે, કઈ પાર્ટીનો ઘોડો વિનમાં છે. અને કઈ પાર્ટી મતદારોને રીઝવવા શું હથકંડા અપનાવે છે તે જોવામાં લોકોને રસ હોય છે. ચુંટણીની રસ્સ્કસી આમપણ થોડી મઝેદાર જ હોય છે.

અને આમપણ ભારતમાં તો પાછલા કેટલાક સમયથી રાજનીતિ અધમ કક્ષાએ પહોચેલી છે. બધી જ પાર્ટીઓ મોટાભાગે દેરાણી-જેઠાણી અને સાસુ વહુની જેમ એક બીજા ને ગાળો ભાંડતી નજરે ચડે છે. કેટલાક રાજનેતાઓ તો તે હદે એકબીજા પર આક્ષેપબાઝી કરતા હોય છે કે, સંભાળીને વિચારમાં પડી જવાય કે આ શું દેશનું સુકાન સંભાળનાર અને આપણે ચૂંટેલા જ નેતાઓ છે? શું રાજનીતિ માં ટકી રહેવા આવી હલકી કક્ષાની બયાનબાઝી કરવી જરૂરી છે? કેમ દેશને પરિપકવ રાજકારણીઓ નથી મળતા ? શું દેશના રાજકારણ અને ખાસ તો ચુંટણીની પેટર્ન આ પ્રકારની જ બની ચુકી છે?? જેવા સવાલો દેશના કોઇપણ ખૂણે ચુંટણી હોય ત્યારે ઉઠતા જોવા મળે છે? લોકો પણ રાજકારણીઓ ની આવી બયાનબાઝી સાંભળી ડઘાઈ જાય છે.

વિશેષમાં અહી જયારે દિલ્હીમાં ચુંટણી છે ત્યારે તે બાબત અંગે પણ ચર્ચા કરવાનો મોકો મળી જાય છે કે, ભારતની ચુંટણીઓ આખરે ક્યાં મુદ્દાઓ પર લડાય છે?

ત્યારે ઉલ્લેખનીય છે કે, દેશની વિધાનસભાઓ કે લોકસભા કે મહાનગરપાલિકા કે પછી ગ્રામ્ય પંચાયત ની જ ચુંટણી કેમ ના હોય ? પરંતુ આ બધી જ ચુંટણીઓ ખાસ તો વાયદાના વેપાર પર લડવામાં આવે છે. જી, હા આ એક નગ્ન વાસ્તવિકતા છે કે, ભારતના કોઇપણ ખૂણે યોજાતી ચુંટણીઓમાં વચનોની લ્હાણી અને તેમાં પણ ખાસ તો, મફત ની ચીજ વસ્તુઓ ની લહાણીની ભરપુર જાહેરાતો હોય છે. અને ચુંટણી ઢંઢેરો પણ આવા વચનોથી જ ભરેલો હોય છે.

હા, વાત માં દમ છે કે દરેક પાર્ટીએ પોતે શું કામ કરશે કે શું યોજનાઓ લઈને આવ્યા છે તે પબ્લીકને જણાવવાનું તો હોય જ છે. પરંતુ અહી તકલીફ તે જ છે કે, અસલ મુદ્દાઓ ખોવાય છે અને લોકોને મફતનું ખાવાની લત લાગે છે કે લાલચ જાગે છે તે મોટું નુકસાન છે. વળી આ નાણા કોઈ રાજનેતા પોતાના ગજવામાં થી નથી કાઢતા હોતા …લે વાણીયા તારોને તારો જ માલ. મતલબ કે આપણા જ પૈસા આપણી જ પાછળ વાપરવાની વાત છે. દેશની તીઝોરી પર જ બોઝ વધે છે. અને આ બોઝ વધતા સરકાર પોતે જ લોકો પર જાત જાતના કર બોઝ નાખવા મથામણ આદરે છે. આ ચિત્ર બહુ સ્પષ્ટ છે.

અને તેથી જ દેશમાં સાચા અર્થમાં જે ગ્રોથ થવો જોઈએ તે થતો નથી. દિલ્હીની જ વાત કરીએ તો, દિલ્હીમાં કેજરીવાલ સરકારે મફત વીજળી, મફત આરોગ્ય સેવા અને મહિલાઓ માટે મફત ટ્રાન્સપોર્ટ સેવાઓ પ્રથમ ૬ માસ અને પ્રાથમિક શિક્ષણ ની સારી વ્યવસ્થા ગોઠવી આપી છે. જેને પગેલે મતદારો આપ સરકારની કામગીરી ખુશ છે.

જેને ચીલે ચાલવા ભાજપે પણ આ વખતે ચુંટણી જીતવા મતદારોને જાતજાતની લાલચો આપી છે. ભાજપે ચુંટણી ઢંઢેરામાં સ્કુલે જતા ગરીબ બાળકોને મફત સાયકલ, અને કોલેજ જતી વિધાર્થીઓને મફત સ્કુટી આપવાની જાહેરાત કરી છે. તેમજ ગરીબોને ૨ રૂપિયો કિલો ઘઉંનો લોટ તથા ગરીબ પરિવાર ની છોકરીઓ ને ૨૧ વર્ષની ઉમરે ૨ લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો છે. તે સિવાય લારી લઈને ફરતા લોકોને પાક્કું લાયસન્સ અને જીવન વીમો આપવાની જાહેરાત કરી છે .

તો કોંગ્રેસ પણ વાયદાના વેપારમાં શું કામ પાછળ રહે. તેણે પણ ચુંટણી ઢંઢેરામાં બેકારોને બેકારી ભથ્થું આપવાની વાત કરી છે. જે અનુસાર નોકરી વગરના યુવક-યુવતીઓને દર મહીને ૫ થી ૭ હજાર રૂપિયા આપવાનો વાયદો કર્યો છે. અને હાલ આપ સરકાર ૨૦૦ યુનિટ વીજળી ફ્રી આપી રહી છે ત્યારે તેની સામે ૩૦૦ યુનિટ ફ્રી આપવાની પણ જાહેરાત કરી છે.

વેલ અહી આ પ્રકારનું દરેક પાર્ટીનું લીસ્ટ આપવાનું જગ્યાને અભાવે પોષાય નહિ. પરંતુ સીધી અને સ્પષ્ટ વાત છે કે, આપની રાજનૈતિક પાર્ટીઓ આ શું રમત દેશના લોકો સાથે રમી રહી છે? ખાસ તો દેશના યુવાનોને બરબાદ કરવાની આ હિલચાલ દેશ અને દેશની પ્રજા માટે ભયાનક ઘાતક છે. લોકો અગર બેઠા બેઠા જ ખાતા શીખી જશે તો આ એક ઉધઈ બની દેશને કોતરી ખાશે .

અને આ ટેવ એમ પણ દેશના જીડીપી માટે પણ ઘાતક છે. લોકોની માનસિકતા બગાડવાની પણ આ બહુ ગંદી બાબત છે. ઇઝરાયેલ જેવા દેશો તેમના યુવાનો ને અત્યંત કડક મિલટરી ટ્રેનીંગ આપે છે. અમેરિકામાં પણ લોકો ૮ કલાક ઉભા ઉભા જોબ કરી વીકએન્ડ એન્જોય કરે છે. અને ત્યારે જ તે વિકસિત કન્ટ્રી છે. જયારે આપણે અહી લોકોને ભિખારી વૃતિની ટેવ આપણા લીડર જ પાડી રહ્યા છે.

શું દેશ ની રાજનૈતિક પાર્ટીઓમાં દમ નથી કે તેઓ તેમણે કરેલા સાચા કામો થકી જ લોકો નો વિશ્વાસ સંપાદન કરીને જીતી આવે? શા માટે આ લોકો એ આવી લોલીપોપ નો સહારો લેવો પડે છે? દેશને આગળ લાવવા અને ખોટા કરવેરામાં થી લોકોને બચાવવા આવી મફત યોજનાઓ બંદ કરી દેવી જોઈએ. અને અગર આપવી પણ છે તે તદન ગરીબ અને અસહાય લોકોને આપો. યુવાનોને રોજગારી આપો. કૌશલ્ય વિકસે તેવી ટ્રેનીંગ આપો. લઘુ અને કુટીર ઉઘોગોને પ્રોત્સાહન આપો.

દેશમાં આજે કેટલાય તેવા મુદ્દા છે કે, જેના પર કામ કરવામાં કોઇપણ પાર્ટીને રસ નથી. આ પ્રાથમિક મુદ્દાઓમાં શુદ્ધ હવા, પાણી અને ખોરાક, નદીઓ ની સ્વસ્છતા, રોગચાળો પર કાબુ, ભેળસેળ માટે કડકમાં કડક જોગવાઈ, ધંધા રોજગારી વિકસે તેવા પગલાઓ, મહિલાઓ વિરુદ્ધ કોઇપણ ભોગે ગુનાખોરી અટકે તેવા પગલા.. જેવા અનેક સચોટ અને અસલ મુદ્દા છે. કે જેનાથી દેશમાં લોકો સુખી, સ્વસ્થ અને વિકાસશીલ બને. દેશમાં મૂડીવાદની સાથે સાથે ખુશી નો ઇન્ડેક્સ વધે તેવા પણ પ્રયાસો હાથ ધરાવવા જોઈએ. આ તો માત્ર ઉદાહરણો છે, જગ્યાના અભાવે બધું ના લખી શકાય. પરંતુ લોકો એ જાતે જ લાલચને કંટ્રોલમાં રાખી સાચા કામોને મહત્વ આપવું જોઈએ. કે જેની તેમને અને દેશને જરૂર છે. મફત નું કેટલા દિવસ ચાલે. તે પણ સમજવું જ રહ્યું..

@પત્રકાર – કટાર લેખીકા, રીના બ્રહ્મભટ્ટની કલમથી…………

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.