બ્યુનસ આયર્સ,
બ્યુનસ આયર્સમાં રમાઈ રહેલા યુથ ઓલમ્પિકમાં ભારતીય વેટલિફ્ટર જેરેમે લાલરિનુંગાએ ગોલ્ડ મેડલ જીતવાની સાથે જ ઈતિહાસ રચી દીધો છે. ૧૫ વર્ષીય યુવા ખેલાડી જેરેમે ૬૨ કિલોગ્રામ કેટેગરીમાં આ સફળતા મેળવી છે. આ ગોલ્ડ મેડલ સાથે જ ભારતને યુથ ઓલમ્પિક રમતોમાં પોતાનું ખાતું ખોલાવ્યું છે.
ભારતના ૧૫ વર્ષીય ખેલાડી જેરેમે લાલરિનુંગાએ કુલ ૨૭૪ kg (સ્નેચમાં ૧૨૪ અને જર્કમાં ૧૫૦ kg) વજન ઉઠાવવાની સાથે જ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.
જયારે તુર્કીના તોપટાસ કાનેરે ૨૬૩ kg વજન ઉઠાવવાની સાથે જ સિલ્વર મેડલ અને કોલંબિયાના વિલાર એસ્ટીવન જોસે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ પહેલા મિઝોરમના રહેવાસી જેરેમે વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. આ ઉપરાંત એશિયાઈ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના ખેલાડીઓએ ૨૦૧૦માં સિંગાપુર યુથ ઓલમ્પિકમાં ૮ મેડલ જીત્યા હતા, જેમાં એક પણ ગોલ્ડ મેડલ શામેલ ન હતો. જયારે ૨૦૧૪માં નાનાજિંગ યુથ ઓલમ્પિકમાં પણ ભારત ૨ મેડલ જીતી શક્યું હતું, પરંતુ એમાં પણ ગોલ્ડ મેડલ શામેલ ન હતો.
આ ૧૫ વર્ષીય યુવા ખેલાડીના ગોલ્ડ મેડલ જીતતા પહેલા સોમવારે શૂટર મેહૂલી ઘોષ ગોલ્ડ પર નિશાન મારવાથી ચુકી ગઈ હતી, અને તેઓને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.