હૈદરાબાદ,
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.
અંતિમ ટેસ્ટ મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝની ટીમે ૩૧૧ રન બનાવ્યા છે. કેરેબિયન ટીમ તરફથી મિડલ ઓર્ડર બેટ્સમેન ચેજે શાનદાર સદી ફટકારતા ૧૦૬ રન બનાવ્યા હતા.
જયારે ભારતીય ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ૪ વિકેટના નુકશાને ૧૬૨ રન બનાવી લીધા છે. ઓપનર બેટ્સમેન કે એલ રાહુલ ૪ રન, પૃથ્વી શો ૭૦ રન, પુજારા ૧૦ રન અને કેપ્ટન વિરાટ કોહલી ૪૬ રન બનાવી આઉટ થયા છે. જયારે હાલમાં રહાને ૧૮ રન અને વૃષભ પંત ૪ રને રમતમાં છે.
આ પહેલા કેરેબિયન ટીમને પહેલો ઝટકો ઓપનર બેટ્સમેન પોવેલના સ્વરૂપમાં લાગ્યો હતો. પોવેલ ૨૨ રન બનાવી આર. અશ્વિનનો પ્રથમ શિકાર બન્યો હતો. જયારે ક્રેગ બ્રેઈથવેટ ૧૪ રન, શાઈ હોપ ૩૬ રન, સુનિલ એમ્બ્રીસ ૧૮ રન, શેન ડોવિચ ૩૦ રન અને હેટમેયર ૧૨ રન, કેપ્ટન જેશન હોલ્ડર ૫૨ રન બનાવી આઉટ થયા હતા.
જયારે ભારત તરફથી ઝડપી બોલર ઉમેશ યાદવે શાનદાર બોલિંગ કરતા સૌથી વધુ ૬ વિકેટ ઝડપી હતી. જયારે કુલદીપ યાદવે ૩ વિકેટ તેમજ આર અશ્વિન ૧ વિકેટ ઝડપી હતી.
શાર્દુલ ઠાકુરે કર્યું ડેબ્યુ
વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં ઝડપી બોલર શાર્દુલ ઠાકુરે ભારતીય ટીમમાં ડેબ્યુ કર્યું છે. પરંતુ ઠાકુરને પોતાની પ્રથમ મેચમાં જ માત્ર ૧.૫ ઓવરનો સ્પેલ કર્યા બાદ ઈજાગ્રસ્ત થવાના કારણે મેદાનમાંથી બહાર થવું પડ્યું છે.
આ સાથે જ શાર્દુલ ઠાકુર ભારત માટે ટેસ્ટ મેચ રમનાર ૨૯૪મો ક્રિકેટર બન્યો છે. ઠાકુરને ઝડપી બોલર મોહમ્મદ શામીના સ્થાને શામેલ કરવામાં આવ્યો છે.
બીજી બાજુ કેરેબિયન ટીમમાં ઈજાના કારણે બહાર થયેલા કેપ્ટન જેશન હોલ્ડરનું ટીમમાં પુનરાગમન થયું છે, જયારે કિમો પોલને બહાર થવું પડ્યું છે. આ ઉપરાંત શેરમન લુઇસના સ્થાને જોમેલ વારીકેનને અંતિમ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે.