ચેન્નઈ
ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં યજમાન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમે ૫ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. કોલકત્તા નાઈટ રાઇડર્સ દ્વારા આપવામાં આવેલા ૨૦૩ રનના વિશાળ ટાર્ગેટને ૧૯.૫ ઓવરમાં વટાવી ચેન્નઈની ટીમે ધમાકેદાર જીત હાંસલ કરી હતી.
ચેન્નઈ સુપર કિંગ્સના શાનદાર વિજયનો હીરો મિડલ ઓર્ડર બેટ્સમેન સેમ બિલિનગ્સ રહ્યો હતો. વિદેશી ખેલાડી બિલિન્ગ્સે ૨ ચોક્કા અને ૫ સિક્સરની મદદથી માત્ર ૨૩ બોલમાં ૫૬ રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી અને તેને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરાયો હતો
પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી કોલકત્તા નાઈટ રાઇડર્સની ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકશાને ૨૦૨ રન ફટકાર્યા હતા. કોલકત્તા તરફથી ઓપનર બેટ્સમેન ક્રિશ લીન ૨૨ અને સુનિલ નરેન માત્ર ૧૨ રન બનાવી આઉટ થયા હતા. ત્યારબાદ ક્રિઝ પર આવેલા રોબિન ઉથપ્પાએ પણ ૧૬ બોલમાં ૩ સિક્સર સાથે ૨૯ રનની આક્રમક ઇનિંગ્સ રમી આઉટ થયો હતો.
જો કે ત્યારબાદ કોલકત્તા નાઈટ રાઇડર્સની ટીમનું અસલી તુફાન કેરેબિયન સ્ફોટક ઓલરાઉન્ડર આન્દ્રે રસેલના સ્વરૂપમાં આવ્યું હતું. રસેલે CSKના બોલરોની ચારેબાજુ ધુલાઇ કરતા માત્ર ૩૬ બોલમાં ૮૮ રનની તૂફાની ઇનિંગ્સ રમી હતી. ૮૮ રનની શાનદાર ઇનિંગ્સમાં રસેલે કુલ ૧૧ ગગનચુંબી સિક્સરો ફટકારી હતી જેમાં આ મેચની સૌથી લાંબી ૧૦૫ મીટરની સિક્સર પણ શામેલ છે. CSK તરફથી ઓલરાઉન્ડર શેન વોટસને ૨ વિકેટ ઝડપી હતી.
KKR દ્વારા આપવામાં આવેલા ૨૦૩ રનના ટાર્ગેટનો પીછો કરવા મેદાને ઉતરેલી કોલકત્તાની ટીમની શરૂઆત શાનદાર રહી હતી. ઓપનર બેટ્સમેન શેન વોટસન અને રાયડુની જોડીએ પ્રથમ વિકેટ માટે માત્ર ૫.૫ ઓવરમાં ૭૫ રન જોડ્યા હતા. વોટસને માત્ર ૧૯ બોલમાં ૪૨ રન ફટકારી આઉટ થયો હતો જયારે રાયડુ ૨૬ બોલમાં ૩૯ રન ફટકારી સ્પિનર કુલદીપ યાદવનો પ્રથમ શિકાર બન્યો હતો.
બંને ઓપનરના પેવેલિયન ભેગા થયા બાદ ક્રિઝ પર આવેલા સુરેશ રૈના પણ માત્ર ૧૪ રન બનાવી આઉટ થયો હતો. પરંતુ ત્યારબાદ બેટિંગ મેદાને ઉતરેલા સેમ બિલિન્ગ્સે પણ KKRના બોલરોની ધુલાઇ કરતા માત્ર ૨૩ બોલમાં ૫૬ રનની તૂફાની ઇનિંગ્સ રમી હતી. ૫૬ રનની તૂફાની ઇનિંગ્સમાં બિલિન્ગ્સે ૫ સિક્સર અને ૨ ચોક્કા ફટકારી આઉટ થયો હતો. બિલિન્ગ્સના આઉટ થયા બાદ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ સિક્સર ફટકારી CSKને એક રોમાંચક જીત અપાવી હતી.