ગુજરાત/ અમદાવાદમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો અમૃત કળશ મહોત્સવ યોજાયો

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો અમૃત કળશ મહોત્સવ કાર્યક્રમ યોજાયો

Top Stories Gujarat
3 1 4 અમદાવાદમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો અમૃત કળશ મહોત્સવ યોજાયો

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો અમૃત કળશ મહોત્સવ કાર્યક્રમ યોજાયો.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ અમૃત કળશ મહોત્સવ પ્રસંગે જણાવ્યું કે, દેશના  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ઝડપથી વિકાસ પામ્યો છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ગયા વર્ષે આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે આપણે અમૃત મહોત્સવની ઉજવણી કરીને અમૃતકાળમાં પ્રવેશ્યા છીએ.

‘મારી માટી, મારો દેશ’ અભિયાન વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આપણી આઝાદીના મૂળ વીર શહીદોના રક્ત અને પરિશ્રમથી સિંચાયેલા છે. દેશના ખૂણે ખૂણે અનેક વીરરત્નોએ ભારતમાતાની મુક્તિ માટે પોતાની જાન ખપાવી છે. આવા વીર સપૂતોને વંદન કરવા માટે માનનીય વડાપ્રધાનએ ‘મારી માટી, મારો દેશ’ જનઅભિયાન શરૂ કરાવ્યું, જેણે દેશવાસીઓમાં અનેરી રાષ્ટ્રચેતનાનો સંચાર કર્યો અને દેશના વીર શહીદોની બલિદાની અને તેમના જીવનને સમજવાનો અવસર પૂરો પાડ્યો.

આ પ્રસંગે વધુમાં વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન તરીકે  નરેન્દ્ર મોદીએ જ્યારથી દેશની ધૂરા સંભાળી છે ત્યારથી રોજેરોજ દેશદુનિયામાં આપણું ગૌરવ દિનપ્રતિદિન વધતું રહ્યું છે. સૌ દેશબાંધવો હંમેશા એકજૂટ થઈને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના નિર્માણમાં સહભાગી તેવા પ્રયત્નો વડાપ્રધાનના નેતૃત્વમાં સતતપણે કરવામાં આવી રહ્યાં છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

વડાપ્રધાનના કાર્યકાળમાં લેવામાં આવેલા વિવિધ મહત્વના નિર્ણયો અને કાર્યક્રમો વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પાછલાં 9 વર્ષોમાં માનનીય વડાપ્રધાનના દૂરંદેશી નેતૃત્વમાં દેશનું ગૌરવ વધે તેવા અનેકવિધ નિર્ણયો લેવામાં આવ્યાં છે તથા વિવિધ કાર્યો અને કાર્યક્રમો યોજવામાં આવ્યાં છે. રામમંદિર નિર્માણ, કલમ 370 નાબૂદી, ઓપરેશન દોસ્ત, કાવેરી, ગંગા, અજય જેવા ઓપરેશન થકી વિદેશોમાંથી આપણા નાગરિકો અને વિદ્યાર્થીઓને સલામત રીતે યુદ્ધ ક્ષેત્રોમાંથી પરત લાવવા સહિતના અનેકવિધ ગૌરવકાર્યો વડાપ્રધાનના નેતૃત્વમાં પરિપૂર્ણ કરવામાં આવ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ વધુમાં વાત કરતા જણાવ્યું કે, ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ અન્વયે કુલ 29,925 વીરો, વીરંગનાઓ અને તેમના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું છે. 21 લાખ જેટલા નાગરિકો અનોખી રાષ્ટ્રભાવના સાથે ધ્વજવંદન કાર્યક્રમમાં જોડાયા. રાજ્યભરમાંથી ગામે ગામથી માટી અને ચોખા એકત્રિત કરીને 15,000 જેટલા કળશ દિલ્હી ખાતે મોકલવામાં આવનાર છે, જે નિર્માણ પામનાર અમૃતવાટિકામાં ગુજરાતની અસ્મિતાને ધબકતી રાખશે. આઝાદીના અમૃતકાળમાં વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા પાંચ સંકલ્પો સાથે રાખીને પોતાના કર્તવ્યપાલન થકી રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થવા મુખ્યમંત્રીએ ઉપસ્થિત સૌને વિનંતી કરી હતી.

નવસારીના સાંસદ સી.આર.પાટીલે અમૃત કળશ મહોત્સવ પ્રસંગે પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે, અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના અમૂલ્ય બલિદાનના કારણે આપણને મળેલી મહામૂલી આઝાદી માટે શહાદત વહોરનાર દરેક વીર જવાનોને સાચી શ્રદ્ધાંજલિ આપવા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં “મારી માટી, મારો દેશ” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આમ, આ માતૃભૂમિને નમન કરવાના અને દેશના સપૂતોને શ્રદ્ધાંજલિ આપવાના આ અભિયાન થકી જન-જનમાં રાષ્ટ્રભાવના વધુ સબળ બની છે.

તેમણે વધુમાં કહ્યું કે, આ અભિયાન અંતર્ગત રાષ્ટ્રના રક્ષક વીરોનું સન્માન કરવામાં આવ્યું અને ગ્રામ્ય, પંચાયત, તાલુકા, શહેરી, સ્થાનિક સંસ્થા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અભિયાન થકી આઝાદી કા અમૃત મહોત્સવની સાર્થક ઉજવણી કરવામાં આવશે. હવે દેશના ખૂણે ખૂણેથી માટીના કળશ દિલ્હી ખાતે લઇ જવામાં આવશે. દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક નજીક કળશ મારફતે ભેગી થયેલી માટીથી અમૃત વાટિકા તૈયાર કરવામાં આવશે. આમ, વડાપ્રધાનના સંકલ્પથી નિર્માણ પામનાર અમૃત વાટીકા ‘એક ભારત,શ્રેષ્ઠ ભારત’નું પ્રતિક બનશે એવો તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના આહવાનને પગલે યોજાયેલા ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમમાં રાજ્યભરમાં અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો છે. દેશભરમાં શહીદોના બલિદાનને સન્માનવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં સૌ કોઈ અનોખા જોમ અને જુસ્સા સાથે સહભાગી થયા. રાજ્યભરમાં 15 હજારથી વધુ ગામોમાં કળશ યાત્રાઓ યોજાઈ તથા આવનારી પેઢીને પોતાના શહીદોના બલિદાનનું મહત્વ સમજાવવા માટે શીલા ફલકમનું નિર્માણ કરવામાં આવ્યું. એટલું જ નહિ, ગામેગામ વૃક્ષારોપણ દ્વારા અમૃત વાટીકાનું નિર્માણ કરવામાં આવ્યું તથા ગામેગામથી પવિત્ર માટી એકઠી કરવામાં પ્રજાજનો સહભાગી થયા. આ એક ઐતિહાસિક ઉત્સવ છે એમ તેમણે ઉમેર્યું હતું.

સ્વાગત ઉદબોધનમાં વધુ વાત કરતા ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનના આહવાનને પગલે ગતવર્ષે પણ લોકો આ જ ઉત્સાહથી ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. કોરોનાકાળમાં પણ આપણે આપણા ફ્રન્ટ લાઈન વોરિયર્સને સાથે મળીને વધાવ્યાં હતા અને તેમનું ઉત્સાહ વર્ધન કર્યું હતું. આજે આપણે આઝાદીના અમૃત કાળમાં ચંદ્ર સુધી પહોંચ્યા છીએ. આપણે આપણી મૂળ આસ્થાનું કેન્દ્ર એવી આપણી માટીને આ ભવ્ય કાર્યક્રમ દ્વારા નમન કરી રહ્યાં છીએ. સાથે જ આ કાર્યક્રમ દ્વારા આપણે આપણી સરહદોને સુરક્ષિત રાખતા આપણા વીર શહીદો અને તેમની વીરાંગનાઓને વંદન કરીએ છીએ એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે ‘મારી માટી, મારો દેશ’ના ગુજરાત અભિયાનની ફિલ્મ અને મિટ્ટી એંથમનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લોક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ભવ્ય અમૃત તિરંગા યાત્રા સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલી અમૃત કળશયાત્રાઓને સન્માન કરીને વધાવવામાં આવી હતી તથા ઉપસ્થિતોને પંચ પ્રણ પ્રતિજ્ઞા અને એકતા દિવસ પ્રણ લેવડાવવામાં આવ્યાં હતાં.

આ અમૃત કળશ મહોત્સવ પ્રસંગે મંત્રીમંડળના સર્વે મંત્રીઓ, અમદાવાદના મેયર  પ્રતિભા જૈન, કેન્દ્રીય મંત્રી અને સંસદ સભ્ય  દર્શનાબેન જરદોશ, ધારાસભ્યઓ, મુખ્ય સચિવ  રાજકુમાર, જિલ્લા વિકાસ અધિકારી  મેહુલ દવે, મ્યુનિ. કમિશ્નર  એમ. થેન્નારસન, અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રના પદાધિકારીઓ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સભ્યો, સંગઠન મહામંત્રી  રત્નાકરજી, રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કળશ સાથે પધારેલા જિલ્લા પંચાય તાલુકા પંચાયતના પ્રમુખઓ સભ્યઓ સહિત રાજ્યના વિવિધ પુરસ્કાર મેળવેલ મહાનુભાવો, કલાકારો, સામાજિક અગ્રણીઓ, સંતો-મહંતો, ઋષિકુમારો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.