Surat News : સુરતમાં અચાનક બદલાયેલા વાતાવરણ અને ફૂંકાયેલા મીની વાવાઝોડા (Storm)એ શહેરમાં ભારે તારાજી મચાવી છે. તેજ પવનના કારણે અનેક વિસ્તારોમાં હોર્ડિંગ, લોખંડના બોર્ડ અને વૃક્ષો ધરાશાયી થતા હાહાકાર મચી ગયો છે. આ કુદરતી આફત એક પરિવાર માટે કાળ બનીને આવી હતી, જ્યાં એક યુવકનું કરૂણ મોત નીપજ્યું છે.
પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા શાયોના પ્લાઝા પાસે સુરત મહાનગરપાલિકાનું વિશાળ લોખંડનું બોર્ડ ભારે પવનમાં તૂટી પડ્યું હતું. દુર્ભાગ્યવશ, આ બોર્ડ નીચે ઉભેલા એક વ્યક્તિ પર પડતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો.

મૃતકની ઓળખ 48 વર્ષીય નીતિન જયંતિભાઈ વાજા તરીકે થઈ છે, જે મૂળ રાજકોટના રહેવાસી હતા અને હાલમાં સુરતમાં પરિવાર સાથે રહેતા હતા. તેઓ પરિવારને સહાયરૂપ થવા માટે શાયોના પ્લાઝા પાસે ઘુઘરા વેચતા હતા. સાંજના સમયે તેઓ રોજની જેમ પોતાનું કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક આવેલા વાવાઝોડામાં બોર્ડ તૂટી પડતાં તેમનું મોત થયું હતું.
માત્ર પર્વત પાટિયા જ નહીં, પણ શહેરના અન્ય વિસ્તારોમાં પણ વાવાઝોડા(Storm)એ ભારે નુકસાન પહોંચાડ્યું છે. નાનપુરામાં એક મોટું ઝાડ કાર પર પડ્યું હતું, જ્યારે પીપલોદ અને ઉમરા વિસ્તારમાં પણ વૃક્ષો ધરાશાયી થતા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી.
કતારગામ-ડભોલી વિસ્તારમાં એક શોપિંગ સેન્ટર પરથી પતરાનો શેડ ઉડીને નીચે પડ્યો હતો, જ્યારે પૂણા વિસ્તારમાં લોખંડનો પોલ ધરાશાયી થયો હતો. સિંગણપોરમાં પણ એક વિશાળ વૃક્ષ શાક માર્કેટમાં પડતાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે, આ તમામ ઘટનાઓમાં અન્ય કોઈ જાનહાનિ થઈ નથી.
ઘટનાઓ બાદ ફાયર બ્રિગેડ અને મહાનગરપાલિકાની ટીમો તાત્કાલિક કામગીરીમાં લાગી ગઈ છે. રસ્તાઓ પર પડેલા વૃક્ષો અને હોર્ડિંગ્સ દૂર કરીને વાહનવ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ વાવાઝોડાને કારણે શહેરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
