@અમિત રૂપાપરા
Surat News: સુરત મહાનગરપાલિકાની તિજોરી તળિયા જાટક છે અને આવકના નવા નવા સ્ત્રોત ઉભા કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસો કરવામાં આવે છે. તો બીજી તરફ લોકોએ પરસેવાની કમાણીથી ભરેલા ટેક્સના પૈસાનો બેફામ વ્યય સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે, સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં લોકોએ ભરેલા ટેક્સના પૈસા માંથી 4 કરોડ 85 લાખ રૂપિયાનો ખર્ચો માત્ર ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પાછળ કર્યો છે. આ ઉપરાંત 22 કરોડ કરતાં વધારે ખર્ચ છેલ્લા 5 વર્ષમાં અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવેલા કાર્યક્રમોમાં મંડપ સર્વિસ પાછળ કરવામાં આવ્યો છે.
સુરત મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષમાં દરેક ઝોનમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પાછળ સરેરાશ 1 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આંકડાકીય માહિતીની વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષમાં સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં થયેલા કાર્યક્રમમાં ફોટોગ્રાફી માટે 2 કરોડ 21 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને વિડીયોગ્રાફી માટે 2 કરોડ 65 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
મહત્વની વાત છે કે, સુરત મહાનગરપાલિકા દ્વારા ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પાછળ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે તેના કરતાં પાંચ ગણો વધારે ખર્ચ મંડપ સર્વિસ પાછળ કરવામાં આવ્યો છે. દરેક ઝોન તેમજ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ કાર્યક્રમોમાં જે મંડપ લગાવવામાં આવે છે તે મંડપ સર્વિસ પાછળ સુરત મહાનગરપાલિકા દ્વારા 22 કરોડ 97 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. એટલે આ માહિતી પરથી જ સ્પષ્ટ કહી શકાય કે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રજાએ પરસેવાની કમાણીથી ભરેલા ટેક્સના 28થી 29 કરોડ રૂપિયાનો ખર્ચ છેલ્લા 5 વર્ષમાં ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી અને મંડપ સર્વિસ પાછળ કર્યો છે. એટલે સરેરાશ દર વર્ષે 5.5 કરોડ રૂપિયા સુરત મહાનગરપાલિકા દ્વારા ફોટોગ્રાફી વીડિયોગ્રાફી અને મંડપ સર્વિસ પાછળ ખર્ચવામાં આવ્યા છે.
મહત્વની વાત કહી શકાય કે આ 28થી 29 કરોડ રૂપિયાના ખર્ચ જેટલી રકમમાં સુરત મહાનગરપાલિકાએ કોઈ વિસ્તારમાં શાળાનું નિર્માણ કર્યું હોત તો આ શાળા વર્ષો સુધી બાળકોને અભ્યાસ માટે મદદરૂપ થઈ શકત. આ ઉપરાંત આ જ પૈસાથી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હોત તો શહેરના ગરીબ લોકોને આરોગ્યની સુવિધા વધારે મળી રહેતે પરંતુ પ્રજાના 28થી 29 કરોડ રૂપિયા કે જે વીડિયોગ્રાફી, ફોટોગ્રાફી અને મંડપ સર્વિસ પાછળ ખર્ચાયા છે તેનો લાભ કોઈપણ સામાન્ય જનતાને મળ્યો નથી.
આ પણ વાંચો:ગુજરાતનું આ ગામ હવે ઓળખાશે “દીકરી ગામ” તરીકે
આ પણ વાંચો:વર્લ્ડ કપ ફાઇનલની લોકોના ખિસ્સા પર પડશે અસર, ટિકિટ – રૂમના ભાડા સાંભળી થઈ જશો…
આ પણ વાંચો:આમ આદમી પાર્ટીના MLAની પત્નીની ધરપકડ, જાણો શું લાગ્યો આરોપ