N Mart Scam Mastermind Arrest: સુરત ક્રાઈમ બ્રાન્ચને એક દાયકા બાદ મોટી સફળતા મળી છે. દેશના 6 રાજ્યોમાં હજારો રોકાણકારોને 800 કરોડથી વધુનો ચૂનો લગાવી ફરાર થઈ ગયેલા ‘N Mart’ કૌભાંડના મુખ્ય સૂત્રધારો આખરે પોલીસના સકંજામાં આવ્યા છે. ગોપાલ શેખાવત અને મોહમ્મદ સલીમખાન નામના આ આરોપીઓ છેલ્લા 11 વર્ષથી પોલીસને થાપ આપી ભાગતા ફરતા હતા.
6 રાજ્યોમાં 54 ગુના અને 800 કરોડનું ફૂલેકું
આરોપીઓએ સુરતના અડાજણ વિસ્તારમાં નકલી દસ્તાવેજોના આધારે ‘એન માર્ટ’ (N Mart), ન્યુ લુક મલ્ટી ટ્રેડ અને ન્યુ લુક રિટેલ્સ જેવી કંપનીઓ શરૂ કરી હતી. મોલની ફ્રેન્ચાઈઝી આપવાના બહાને તેમણે ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, તેલંગણા, આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં હજારો લોકોને કરોડોના રોકાણ માટે લલચાવ્યા હતા.
આરોપીઓની ક્રાઈમ કુંડળી
સમગ્ર ભારતમાં કુલ 54 FIR સાથે આ શખ્સોએ ₹800 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે. તેમની સામે કોર્ટ દ્વારા CRPC 70 મુજબનું વોરંટ પણ બહાર પાડવામાં આવ્યું હતું અને તેમની ધરપકડ માટે ₹50 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
11 વર્ષનો વનવાસ અને વેસુમાં છેલ્લો ગુનો
આરોપીઓ ભલે વર્ષોથી ભાગતા હતા, પણ તેમની છેતરપિંડીની આદત ગઈ નહોતી. વર્ષ 2023માં સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં તેમની સામે વધુ એક છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્ક દ્વારા આખરે આ આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધારોને દબોચી લીધા છે.
હવે થશે મોટા ખુલાસા!
પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે 11 વર્ષ સુધી આ આરોપીઓને કોણે આશરો આપ્યો હતો? 800 કરોડની મિલકતો ક્યાં છુપાવી છે અને આ કૌભાંડમાં અન્ય કયા ‘મોટા માથા’ સામેલ છે? આગામી દિવસોમાં આ મામલે અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
આ પણ વાંચો: સુરતમાં નકલી નોટોનું મોટું કૌભાંડ પકડાયું
આ પણ વાંચો: તલોદની હરસોલ પોસ્ટ ઓફિસમાં લાખોનું કૌભાંડ! બે કર્મચારીઓની ધરપકડ
આ પણ વાંચો: સુરેન્દ્રનગર : ખનન માફિયા, કૌભાંડીઓ અને લાંચિયા અધિકારીઓનું એપીસેન્ટર
