Surat News: સુરત શહેરમાં ભારે વરસાદ બાદ રસ્તાઓની હાલતને લઈને અનેક ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે હવે શહેરના પોશ વિસ્તાર ગણાતા વેસુ કેનાલ રોડ પર મસમોટો ભૂવો પડતાં વાહનચાલકોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. છેલ્લા એક મહિનામાં સુરતમાં પડેલા અંદાજે 60 ઈંચ જેટલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં રોડ (Vesu Canal Road) ધોવાઈ જવા અને ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. વરસાદે વિરામ લેતાં જ વેસુ કેનાલ રોડ પર રોડનો મોટો ભાગ અચાનક બેસી જતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
Vesu Canal Roadની ગુણવત્તા સામે સ્થાનિકોના સવાલ
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વેસુ કેનાલ રોડ (Vesu Canal Road)નું કામ તાજેતરમાં જ કરવામાં આવ્યું હતું. રસ્તાની નીચેથી ડ્રેનેજ લાઈન પસાર થઈ રહી છે. તેમનું કહેવું છે કે ડ્રેનેજ લાઈન નાખવા અને રોડ બનાવવાની કામગીરી દરમિયાન યોગ્ય ગુણવત્તા જાળવવામાં આવી ન હોવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે.સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરની બેદરકારી અને નબળી કામગીરીને લઈને આક્ષેપો કર્યા છે. જોકે, સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ બાદ જ સાચું કારણ સ્પષ્ટ થશે.
પાલિકા તંત્ર તાત્કાલિક એક્શનમાં
વેસુ કેનાલ રોડ (Vesu Canal Road) પર ભૂવો પડવાની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.કોઈ અકસ્માત કે મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે ભૂવાની આસપાસ બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું અને વાહનચાલકો માટે વિસ્તારને સુરક્ષિત કરવામાં આવ્યો હતો.ત્યારબાદ જેસીબી સહિતની જરૂરી મશીનરી ઘટનાસ્થળે લાવવામાં આવી હતી અને ભૂવો પૂરવાની તેમજ રોડના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

વરસાદ બાદ શહેરના રસ્તાઓની હાલત ચર્ચામાં
ભારે વરસાદ બાદ સુરતના વિવિધ વિસ્તારોમાં રોડ તૂટવા, ખાડા પડવા અને ભૂવા પડવાની સમસ્યાઓ સામે આવી રહી છે. હવે વેસુ જેવા મહત્વના વિસ્તારમાં સર્જાયેલી ઘટનાએ રસ્તાના કામોની ગુણવત્તા અંગે ફરી સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચો:પાલનપુરના આકર્ષણ રોડ પર મોટો ભૂવો પડ્યો, ટ્રક ખાબકતા હાઈવે પર કલાકો સુધી ટ્રાફિકજામ
આ પણ વાંચો:અમદાવાદના વાડજ ઓવરબ્રિજ પાસે વગર વરસાદે પડ્યો મસમોટો ભૂવો
