સુરેન્દ્રનગર/ એ..હાલો..ને માનવિયું તરણેતરના મેળે” તરણેતરના મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે

તરણેતરનો મેળો જ્યાં ભરાય છે એ ગામનું નામ અપભ્રંશ થતાં-થતાં તરણેતર થઈ ગયું, પણ ખરેખર તેનું નામ ત્રિનેત્રેશ્વર છે. આ પાંચાલ વિસ્તાર છે. 

Gujarat Others Trending
તરણેતરનો મેળો

@સચિન પીઠવા 

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાનાં તરણેતર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આવતીકાલે તા. ૧૮ થી ૨૧ મી સપ્ટેમ્બર સુધી ભગવાનશ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિશ્વવિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળો યોજાનાર છે. આ લોકમેળો માણવા તરણેતરની આસપાસના ગ્રામજનો સાથે દેશ–વિદેશથી મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. તરણેતરનો મેળો જ્યાં ભરાય છે એ ગામનું નામ અપભ્રંશ થતાં-થતાં તરણેતર થઈ ગયું, પણ ખરેખર તેનું નામ ત્રિનેત્રેશ્વર છે. આ પાંચાલ વિસ્તાર છે.  પ્રાગ ઐતિહાસિક કાળમાં સૌરાષ્ટ્ર વિસ્તાર દ્વિપકલ્પ હતો. એ વખતે ધીરે-ધીરે જે જમીન સમુદ્રમાંથી સૌથી પહેલા બહાર નિકળી અને હજારો વર્ષ કે લાખો વર્ષ સુધી ટકી રહી એ જે ટોચનો વિસ્તાર છે તે સૌરાષ્ટ્રનો પાંચાલ વિસ્તાર છે.

પાંચાલનો ઘેરાવો બહુ મોટો નથી પણ એનું સાંસ્કૃતિક, ઐતિહાસિક, ધાર્મિક સંદર્ભમાં બહુ મોટુ મહત્વ છે.  સ્કંદ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે, ભગવાન વિષ્‍ણુને 108 કમળનાં પુષ્પો ચડાવી શિવલિંગની પૂજા કરીને જમવાનો નિયમ હતો. આવી એકાગ્ર ભક્તિનું અભિમાન થતા એક દિવસ 108 ફૂલમાંથી ભગવાન શિવે એક ફૂલ અલોપ કરી નાંખ્યું. 1 ફૂલ અલોપ થતા ભગવાન વિષ્ણુ મૂંઝાયા. ઋષિમુનિઓએ તેમને કહ્યું કે ભગવાન, આપની જમણી આંખ કમળ સમાન જ છે. જેને શિવલિંગ પર ચઢાવી શકાય તો આપની પૂજા પૂર્ણ થઈ કહેવાય. ઋષિમુનિઓની હાજરીમાં ભગવાન વિષ્ણુ ઉભા થઈને શિવનું ત્રિશૂલ લઈ તેનાથી પોતાની જમણી આંખ બહાર કાઢી શિવલિંગ પર ચઢાવી. આ જોઈ ભોળાનાથ પ્રગટ થયા. વિષ્ણુ ભગવાનની આંખ પર હાથ ફેરવી તેને હતી તેવી જ કરી નાંખી તેમજ લિંગ પર ચઢાવેલ નેત્ર લઈ ભગવાને તેને પોતાનાં કપાળ પર વચ્ચે લગાવ્યું, જેથી ત્રિનેત્રેશ્વર મહાદેવ તરીકે ઓળખાયા.

એક વાયકા મુજબ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની ફરતા કુંડમાં પાંચ ઋષિઓએ ભેગા થઈ ગંગાજીના અવતરણ માટે આહવાન કરી ગંગાજીનું પ્રાગટ્ય કર્યું. તેની પાછળનો ઉદ્દેશ એ હોઈ શકે કે આ વિસ્તારની પ્રજા ગરીબ છે. અહીના લોકો કદાચ ગંગાજી સુધી હરિદ્વાર કે ઋષિકેશ ન જઈ શકે તો અહીં ગંગાજી શા માટે ન આવે? ગંગાજીના અવતરણને નિમિત બનાવી અહીં માણસો પોતાના પિતૃઓનું અસ્થિ વિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે ઋષિપંચમીના દિવસે તરણેતર આવતા થયા, એ રીતે ઐતિહાસિક રીતે મેળાની કદાચ શરૂઆત થઈ હોય તેવું અનુમાન છે.

ઋષિઓની હાજરીમાં લોકો મળે એટલે લોકજીવને ધાર્મિક રંગ ચડે. ભજન, ભજનની રાવટીઓમાં આવતા માણસો લોકગીતો દ્વારા ભગવાનની આરાધના કરતાં હશે. આમ ધીરે-ધીરે સૌરાષ્ટ્રની ભાતીગળ લોકસંસ્કૃતિનાં વિવિધ સમૂહ અહીંયા ભેગા થતા હશે. એમાંય ખાસ કરીને માલધારી સમાજ, મોટાભાઈ ભરવાડ, નાનાભાઇ ભરવાડ, રબારી સમાજ, તળપદા કોળી સમાજ, ચુંવાળિયા ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજમાંથી ગરાસીયા દરબારો, કાઠી દરબારો આવતા. અહીંયા કોઈ ધાર્મિક ભેદભાવ ન હોઈ જતવાડમાંથી જત ડાયરો આવે, કાઠિયાવાડમાંથી કાઠી ડાયરો આવે અને બધા અહીંયા સમૂહગત રીતે ભેગા થાય.

સૌરાષ્ટ્રના ત્રણ મેળા મહત્વના છે. ભવનાથનો શિવરાત્રિનો મેળો, ઘેડ પ્રદેશમાં માધવપુરનો મેળો અને પાંચાળનો તરણેતરનો મેળો. આ ત્રણેય મેળાને વિવિધ રીતે જો વહેંચવા હોય તો એમ વહેંચી શકાય કે, તરણેતરનો મેળો છે એ રંગનો મેળો છે, માધવપુરનો મેળો એ રૂપનો મેળો છે અને શિવરાત્રિનો મેળો છે એ ભક્તિનો મેળો છે. અહીં વિવિધ રંગોમાં રમતી અને આનંદ ઉલ્લાસથી પોતાની અભિવ્યક્તિ જાહેર કરતી, લોકજીવનને ધબકતું રાખતી પ્રજા મન છૂટુ મુકીને મેળામાં મહાલે છે.

આ મેળામાં આવતા લોકોનાં પહેરવેશ ઉપરથી તેમની જ્ઞાતિ ઓળખાઈ જતી. એમનો એક આગવો પોશાક હતો, એમની પાઘડીઓ હતી. એમના સાફા હતા. એમની ચોરણીઓ, એમના ઘરેણામાં પણ વિવિધતા હતી. એ આખી જે પરંપરા હતી તે હવે માલધારી સમાજે થોડીઘણી ટકાવી રાખી છે. બાકીનો સમાજ પોતાની પરંપરાગત રૂઢિઓ અને ઘરેણાઓ છોડતો જાય છે. આ મેળામાં ચોર ડાકુઓ પણ આવતા, બહારવટીયાઓ પણ અહીં આવતા, સંતો પણ આવતા, સાધુઓ પણ આવતા. મેળાથી મેળાનું વરસ ગણાતું. આ વિસ્તારમાં ખાસ કરીને તળપદા કોળી જ્ઞાતિ જે પાંચાળ વિસ્તાારમાં સ્થિર થયેલી છે એને તો આ તરણેતરના મેળાનો એવડો મોટો પોરહ હતો કે, એક મેળો જાય એટલે તરત જ તે બીજા મેળા સુધી એની તૈયારીમાં લાગી જતી. બળદ માટેના શણગાર બળદગાડા અને એવું કૈક સજતુ રહેતું. અમુક-અમુક ગામના બળદગાડા વખણાતા. મેળામાં શણગાર સજીને આવતા દરેક ગામના બળદગાડાના અલગ-અલગ ઉતારા રહેતા. એ ઉતારામાં લોકો ત્રણ દિવસ સુધી સતત રોકાય, આનંદ કરે.

મેળાને પણ ભૌગોલિક રીતે ત્રણ રીતે વહેંચી શકાય એમ છે. મંદિરથી પૂર્વ બાજુ જે તળાવ છે, એ  તળાવમાં જીવન ખીલતું હોય તેમ જેને કમળ સાથે સરખાવી શકાય તેવા ફૂલો એ વખતે ખીલ્‍યા હોય છે. આપણને એમ થાય કે અહીંથી જીવન શરૂ થાય છે અને એ જીવનની ગતિ તળાવના કાંઠે આવે એટલે યૌવન સ્‍વરૂપે રમવા માંડે છે. બચપણ યૌવનમાં રમે અને યૌવન બચપણમાં રમતું હોય એવું દ્શ્ય ત્‍યાં ખડુ થાય. થોડી ઉંમર વધે એટલે બજાર આવે. જયાં વ્‍યવહાર કરાતા હોય, ખરીદી થાય, ખરીદી કેમ કરવી એ શીખવવામાં આવે, પ્રૌઢાવસ્‍થા ઢળતી થાય એટલે મંદિરમાં દર્શન થાય છે. દર્શન કરીને મેળો પશ્ચિમ બાજુ જયાં પૂરો થાય ત્‍યાં રાવટીઓ હોય. ઉત્તરાવસ્‍થામાં રાવટીઓમાં ભજન કરીને મેળો પુરો થતો હોય. દરેક ઉંમર પ્રમાણેનો આ મેળો ભરાતો હોય છે.

આ મેળાની વિશેષતા ઘણી બધી છે, પણ સૌથી વધારે જો આ મેળાની અંદર કોઈ મહત્‍વનું પાસુ હોય તો આ મેળાની રાવટીઓ છે. રાવટીઓમાં ભજન-કિલ્‍લોલ થતા હોય. તરણેતરના મેળાએ ઘણા બધા મોટા મોટા કલાકારો આપ્‍યા છે. હેમુભાઈ ગઢવીએ પણ આ મેળામાં ભજન ગાયેલા. શકિતદાન ગઢવીના સ્‍વરૂપે જયારે નારાયણ સ્‍વામી હતા ત્‍યારે આ મેળાની રાવટીઓમાં ખુબ ભજનો એમણે ગાયેલ. આવી પવિત્ર ભૂમિ અને એ ભૂમિમાં મેળાની અંદર વિવિધતા અને તેને અનુલક્ષીને તેની જાહેરાત સ્‍વરૂપે મેળાની અંદર માણસોનું પ્રમાણ વધતું ગયું છે.

તરણેતરના મેળાનો એક બહુ પ્રસિધ્‍ધ કિસ્‍સો છે કે, વિસામણ બાપુ કરીને પાળીયાદના એક મહંત થઇ ગયા. તેઓ એમની જુવાનીમાં બહુ તોફાની હતા. તેઓ ઘોડો લઇને નીકળતા. સોનગઢના આપા ગોરપ્‍પા અને ચલાલાના આપા દાના નામના બે સંતોએ તરણેતર નજીકના જંગલમાં તેમનું હદય પરિવર્તન કર્યુ હતું. તેમણે તરણેતરના મંદિરમાં ખાખરીયા હનુમાનની જે જગ્‍યા છે ત્‍યાં લાવી અને ગોળ ચોખા રાંધી આખા મેળાને ખવડાવવાનો આદેશ આપ્‍યો. વધેલા ગોળ ચોખા પાળીયાદ લઇ જઇ સદાવ્રત આપવાનો આદેશ કર્યો હતો. એ વખતે બન્‍ને સંતોએ આપા વિહામણની બાવન ગજની જે પાઘડી હતી એ પાઘડીને ભગવા રંગમાં બોળી અને આપા વિહામણને આદેશ કરેલો કે તમે ધજા ચડાવી દો. ભગવાન મહાદેવના મંદિર ઉપર એમણે ધજા ચડાવી ત્‍યારથી ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર ઉપર પાળીયાદની ધજા ચડે છે. એનું એક અનેરૂ ધાર્મિક આકર્ષણ પણ છે. આ પ્રકારનો સમૃદ્ધ ઐતિહાસિક-સાંસ્કૃતિક વારસો ધરાવતો તરણેતરનો આ મેળો વર્ષ પ્રતિવર્ષ વધુને વધુ લોકચાહના મેળવતો રહ્યો છે. તરણેતરનો મેળો પાંચાલ પ્રદેશની સાંસ્કૃતિક વિરાસતની જાળવણી કરવાનું અતિ અગત્યનું કાર્ય કરે છે. જેને ધ્યાનમાં રાખી આ લોકમેળામાં સાચા અર્થમાં લોક સંસ્કૃતિ જીવંત રહે, લોકજીવન ધબકતું રહે તે માટે રાજય સરકાર દ્વારા સમયાંતરે અનેકવિધ પ્રયાસો થયા છે. જેના કારણે આજે તરણેતરનો આ  ભાતીગળ મેળો દેશના સિમાડાઓ વટાવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મેળો બન્યો છે.

આ પણ વાંચો:અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરમાં 1થી 1.5 ઈંચ વરસાદ નોંધાયો

આ પણ વાંચો:મધ્ય ગુજરાતના મેઘમહેર, વડોદરા-છોટાઉદેપુર-પંચમહાલમાં ભારે વરસાદ

આ પણ વાંચો:24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં કેવો માહોલ

આ પણ વાંચો:સાબરકાંઠામાં 700 વર્ષ વર્ષ જૂનું જૈન દેરાસર, જાણો શું છે ખાસીયત