Cricket/ કોરોનાથી રણજી ટ્રોફીને લાગેલું ગ્રહણ કાયમી તો નહિં બને ને ? ગમે તે થાય નામ તો રહેવું જ જોઇએ

૮૭ વર્ષ પહેલા પહેલીવાર રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ પ્રથમવાર રદ થયા બાદ ક્રિકેટ શોખિનોમાં પૂછાતો પ્રશ્ન. રણજી ટ્રોપી એ માત્ર ટેસ્ટ મેચનો નહિ પણ ક્રિકેટોને તૈયાર કરનારી શાખા છે તે રીતે મૂલવવાની જરૂર

Trending Mantavya Vishesh Sports
ranjit trophy કોરોનાથી રણજી ટ્રોફીને લાગેલું ગ્રહણ કાયમી તો નહિં બને ને ? ગમે તે થાય નામ તો રહેવું જ જોઇએ

૮૭ વર્ષ પહેલા પહેલીવાર રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ પ્રથમવાર રદ થયા બાદ ક્રિકેટ શોખિનોમાં પૂછાતો પ્રશ્ન. રણજી ટ્રોપી એ માત્ર ટેસ્ટ મેચનો નહિ પણ ક્રિકેટોને તૈયાર કરનારી શાખા છે તે રીતે મૂલવવાની જરૂર

કોરોના કાળની અસર માટે તો ઈતિહાસના પાના ભરાય તેવી વિગતો મળે તેમ છે. કોરોનાના પડકારનો ભારતે સફળતા પૂર્વક સામનો કર્યો છે તેવું સહેલાઈથી કહી શકાય તેવું છે. તેથી કોરોનાકાળના કારણે વેક્સિનના મોરચે એક સાથે ચાર-પાંચ વેકસીન બજારમાં મૂકી તે પણ એક સિધ્ધી જ કહેવાય. જ્યારે વિશ્વમાં સૌથી મોટું કહી શકાય તેવું કોરોના અભિયાન હાલના તબક્કે ભારતમાં જ ચાલી રહ્યું છે. આ પણ મોટી વાત છે. તો કોરોનાકાળને લીધે લાખો લોકોએ રોજગારી ગુમાવી એટલા જ લોકોની આવકમાં કાપ આવ્યો. આ બધી બાબત વચ્ચે દેશમાં ભલે ૧૦૦ અમીરોની સંપત્તિ વધી તે એક હકારાત્મક બાબત કહેવાતી હોય પરંતુ તેની સાથોસાથ ગરીબોની સંખ્યા પણ વધી છે. ભારતની અનેક જાહેરાતો વચ્ચે બેકારોની ફૌજ વધતી જાય છે. તમામ ધર્મના લોકો પોતાના ધાર્મિક ઉત્સવો મનાવી શક્યા નથી. જ્યારે મંદિરોમાં આજની તારીખમાં પણ સોશ્યલ ડિસ્ટન્સનુ પાલન કરવું પડે છે. રમત-ગમતની વાત કરીએ તો ભારતમાં રમાઈ રહેલી દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી પડતી મૂકાઈ. બીજા ત્રણ પ્રવાસ રદ થયા જ્યારે આઈપીએલ મોડી રમાઈ અને તે પણ સંયુક્ત આરબ અમિરાતમાં રમવી પડી. હવે ઘર આંગણાના ક્રિકેટની વાત કરીએ તો વિજય હજારે ટ્રોફી રમાવાની છે. મુસ્તાલ અલી ટ્રોફી રમાઈ રહી છે અને મહિલા ક્રિકેટ યથાવત છે.

himmat thhakar કોરોનાથી રણજી ટ્રોફીને લાગેલું ગ્રહણ કાયમી તો નહિં બને ને ? ગમે તે થાય નામ તો રહેવું જ જોઇએ

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ વનડે અને ટ્‌વેન્ટી-ટ્‌વેન્ટી સિરિઝનો પ્રારંભ થઈ રહ્યો છે. આ જેવી તેવી વાત તો નથી જ. પરંતુ આ બધા સકારાત્મક અને નકારાત્મક પાસાઓ વચ્ચે એક એવો ઈતિહાસ પણ સર્જાયો છે જેના કારણે ભારતની વષો જૂની પરંપરા તૂટી છે. આ વર્ષે રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ નહિ રમાય. રણજી ટ્રોફી ટૂર્નામેન્ટના ૮૭ વર્ષના ઈતિહાસમાં એવું પ્રથમવાર બન્યું છે કે જ્યારે આ ટૂર્નામેન્ટ રમાઈ ન હોય. બીજી બધી ટૂર્નામેન્ટ રમાય કે ન રમાય પરંતુ યુવા ક્રિકેટરો માટેનું આ જબરદસ્ત પ્લેટફોર્મ છે. રણજી ટ્રોફીએ સારા દેખાવના આધારે ભૂતકાળમાં ભારતની આન-બાન અને શાન વધારનારા ક્રિકેટરો તૈયાર થયા છે. હવે આ વર્ષે તો આ ક્રિકેટ ટૂર્નામેન્ટ રદ કરવાનું કારણ એવું અપાયું છે કે કોરોનાના કારણે આ વર્ષે પ્રેક્ષકો મળી શકે તેમ નથી. તેથી આ ટૂર્નામેન્ટ નહિ રમાય. આની સાથે ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા એવી સ્પષ્ટતા પણ કરાઈ છે કે રણજી ટ્રોફી રમતા ખેલાડીઓને વળતર તો મળશે જ. આ સારી વાત કહેવાય.

હવે રણજી ટ્રોફીની મેચો ઝોનવાર રમાય છે. આપણા પશ્ચિમ ઝોનમાં રણજી ટ્રોફી રમતી ટીમો ગુજરાત, વડોદરા અને સૌરાષ્ટ્રની ટીમો ઉપરાંત મહારાષ્ટ્ર અને મુંબઈ સહિત છ ટીમો કહી શકાય. દરેક મેચ ત્રણ ત્રણ દિવસની હોય છે અથવા કહો તો આને મીની ટેસ્ટમેચ કહી શકાય. અત્યારે ફટાફટ ક્રિકેટના પ્રતિક સમી ટ્‌વેન્ટી-ટ્‌વેન્ટી ટૂર્નામેન્ટનો વ્યાપ વધ્યો છે. ત્યારે પણ ટેસ્ટમેચોનું મહત્વ જરાય ઘટ્યું નથી. હમણાં ભારતીય ટીમે તો ટેસ્ટમેચોના મોરચે ઓસ્ટ્રેલિયા સામે સતત ત્રીજી ક્ષેણી જીતીને ઇતિહાસ સર્જી દીધો છે. રણજી ટ્રોફી ટૂર્નામેન્ટના કારણે માત્ર ટેસ્ટ ક્રિકેટ નહિ પરંતુ ફટાફટ ક્રિકેટના પણ રણજી ટ્રોફીથી આગળ આવેલા ખેલાડીઓ રમે જ છે. એટલે તેનું મહત્ત્વ જરા પણ ઓછું આંકી શકાય તેમ નથી.

રણજી ટ્રોફીમાં દેશના પાંચ વિભાગોના પાંચ ઝોન છે અને ઝોનલ કક્ષાની મેચો બાદ રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઈનલ અને સેમી ફાઈનલ પણ રમાય છે. સૌરાષ્ટ્રની ટીમ પાંચથી વધુ વખત સેમીફાઈનલમાં પહોંચી છે. પરંતુ કમનસીબે ફાઈનલ જીતી શકી નથી.

રણજી ટ્રોફીની ૨૦૧૯ની સીઝનમાં પણ સૌરાષ્ટ્રની ટીમનો દેખાવ ઘણો સારો હતો. જેમ જિલ્લા ક્રિકેટ ટૂર્નામેન્ટો રણજી ટ્રોફીનો પાયો છે તો રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ એ પહેલા તો માત્ર ટેસ્ટ ક્રિકેટનો જ પાયો ગણાતો હતો પરંતુ છેલ્લા થોડા વર્ષોથી આ ચિત્ર બદલાયું છે. ઘણા રણજી ટ્રોફી રમનારા ખેલાડીઓ ફટાફટ ક્રિકેટ પણ રમતા થઈ ગયા છે.

રણજી ટ્રોફીનો ઈતિહાસ આગવો છે. તેની ઓળખ પણ તેની એક વિશિષ્ટતા જ છે. ભારતના ભૂતકાળના નામાંકીત ખેલાડીઓ અજીત વાડેકર, ફારૂખ એન્જિનિયર, રમાકાંત દેસાઈ, અમરસિંહ, અમરનાથ બંધુઓ, માંજરેકર પિતા-પુત્ર, ચંદ્રશેખર, પ્રસન્ના બેદી અને વૈંકટ રાઘવનની સ્પીન ચોકડી, કપીલ દેવ, મદનલાલ, મનોજ પ્રભાકર, નવજાેત સિધુ ભારતીય ટીમના ધી વોલ બનેલા રાહુલ દ્રવિડ અને હાલના વોલ બનેલા ચેતેશ્વર પૂજારા ભારતીય ક્રિકેટમાં અભૂતપૂર્વ યોગદાન આપી પોતાના નામે અનેક સિધ્ધી મેળવનારા સુનિલ ગ્વાસકર અને સચીન તેંડુલકર ભારતને પ્રથમ વન ડે વર્લ્ડકપ જીતાડનાર કપીલ દેવ અને બીજાે વન ડે વર્લ્ડ કપ ૨૦૧૧માં જીતાડનાર મહેન્દ્રસિંહ ધોની, ટેસ્ટ ક્રિકેટમાં ભારત વતી બે-બે ત્રેવડી સદી ફટકારનાર વિરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર, હાલ બી.સી.સી.આઈ.ના ચેરમેન બનેલા સૌરવ ગાંગુલી સહિતના ખેલાડીઓની ક્રિકેટ કારકીર્દી ઘડવામાં રણજી ટ્રોફી ટૂર્નામેન્ટોની પણ મહત્ત્વની ભૂમિકા છે. જેની કોઈ ના પાડી શકે તેમ નથી. જાે કે ઉપરના લિસ્ટમાં પણ બીજા ઘણા આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ રમનારા ખેલાડીઓના નામો નથી. લિસ્ટ લાંબુ ન થાય એટલે તેનો ઉલ્લેખ કર્યો નથી.

રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ એ ૮૭ વર્ષથી ચાલે છે અને જામનગરના પૂર્વ રાજવી રણજીતસિંહનું નામ તેની સાથે જાેડાયેલું છે. રણજીતસિંહ પોતે એક સારા ક્રિકેટર હતા, તેમનું પણ આગવું નામ છે. આમ રણજી ટ્રોફી ટૂર્નામેન્ટના પાયામાં સૌરાષ્ટ્ર છે તેવું દરેક સૌરાષ્ટ્રવાસી ગૌરવપૂર્વક કહી શકે તેમ છે. રણજી ટ્રોફીમાં રમાયેલી મેચો વિશે જો લખવા બેસીએ તો પાનાના પાના ભરાય તેમ છે.

જો કે રણજી ટ્રોફીમાં છેલ્લા બે દાયકાથી ક્રિકેટરો સારા મળે છે, પરંતુ પ્રેક્ષકો ઓછા મળે છે તેવી ફરિયાદ છે. વાત સાવ ખોટી પણ નથી અને જ્યારે હવે ભૂતકાળ કરતા હાલ રણજી ટ્રોફી રમતા ખેલાડીઓનું વળતર પણ વધ્યું છે ત્યારે પ્રેક્ષકોની સંખ્યા વધે તે પણ જરૂરી છે. અને હવે આઈપીએલ ને તો સ્પોન્સરો ખૂબ મળે છે. રણજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં સ્પોન્સરો મેળવવા અઘરા છે. જાે કે ઘણા કહે છે તે પ્રમામે ભલે આ વર્ષે રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ રદ કરવા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને કોરોનાનું બહાનું મળ્યું છે તે વાત માની લઈએ પણ જે રીતે ટ્‌વેન્ટી ટ્‌વેન્ટી એટલે કે ફટાફટ ક્રિકેટના દબાણ વચ્ચે વન ડે ટૂર્નામેન્ટો ચાલે છે અને આ બન્ને પ્રકારની ટૂર્નામેન્ટના દબાણ વચ્ચે ટેસ્ટ ક્રિકેટ પણ ચાલે છે તે એક વાસ્તવિકતા છે. તેવી રીતે ભલે અત્યારે બે ટીમો વચ્ચે રણજી ટ્રોફી ટૂર્નામેન્ટની મેચ રમાતી હોય ત્યારે વન ડે મેચ પણ રમાય જ છે. હવે રણજી ટ્રોફીને વધુ લોકપ્રિય બનાવવા માટે તેમાં ત્રણ દિવસની રૂટીન મેચ એક દિવસની વન-ડે મેચની જેમ એક ટ્‌વેન્ટી ટ્‌વેન્ટી મેચનો પણ સરળતાથી અને સફળતાપૂર્વક ઉમેરો કરી શકાય તેમ છે.

૮૭ વર્ષ બાદ પહેલી વખત રણજી ટ્રોફી બંધ રહેવાનો ઈતિહાસ ભલે ૨૦૨૧માં સર્જાયો પણ હવે આ ઈતિહાસનું પુનરાવર્તન ન થાય તે પણ જરૂરી છે. પ્રિન્સ રણજી સાથે સંકળાયેલી યાદને ભૂંસી નાખવાની હાલના તબક્કે કોઈ જરૂર નથી. જો કે જૂની યાદો ભૂંસવાની કે જૂની યાદોને ભૂલી જવાની જે પરંપરા હાલ શરૂ થઈ છે. ખાસ કરીને દેશના વહીવટી અને રાજકીય મોરચે તે આ એક કાયમી પરંપરા થઈ ગઈ છે. તેવે સમયે કમ સે કમ રણજી ટ્રોફીને આ દુઃખદ પરંપરાનો એરૂ આભડી ન જાય તે પણ જરૂરી છે. વિશ્વમાં સૌથી શ્રીમંત ગણાતું ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ પોતાનો થોડો વધુ હિસ્સો આપીને પણ આ પરંપરા બંધ ન કરે તે જરૂરી છે અને યોગ્ય પણ છે. જો કે અનેક ક્રિકેટ રસીકોની તો ઝંખના એવી પણ છે કે ભલે ફોર્મેટમાં પરિવર્તન આવે અને ટેસ્ટની ઘીમી પણ મક્કમતાથી નાબુદી તરફની ગતીનાં સમયમાં ફોર્મેટ ચેન્જ થાય પણ નામ તો રણજી ટ્રોફી જ રહે તે મહત્વનું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…