પંચમહાલ/ રાજય સરકારની નલ સે જળ તક યોજના સામે સુરેલી ગામના લોકો દૂષિત પાણી પીવા બન્યા મજબૂર

દૂષિત પાણી પીવાને કારણે ગમે ત્યારે કોઈક મોટો રોગચારો ફાટી નિકળવાની ગ્રામજનોમાં ભયની ભીતિ સેવાઈ રહી છે.

Gujarat Others
Untitled 283 રાજય સરકારની નલ સે જળ તક યોજના સામે સુરેલી ગામના લોકો દૂષિત પાણી પીવા બન્યા મજબૂર

મોહસીન દાલ, પંચમહાલ@ મંતવ્ય ન્યૂઝ

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સુરેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં ગામમાં પીવાના પાણી માટે નાખવામાં આવેલી પાઈપ લાઈનમાં લીકેજ હોવાને કારણે લોકો પીવા માટે ઉપયોગમાં લેતા આ પાણીમાં બહારનું ગંદુ પાણી મિક્સ થાય છે અને તેને કારણે ગામ લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે. આ દૂષિત પાણી પીવાને કારણે ગમે ત્યારે કોઈક મોટો રોગચારો ફાટી નિકળવાની ગ્રામજનોમાં ભયની ભીતિ સેવાઈ રહી છે.

કાલોલ તાલુકા સુરેલી ગ્રામ પંચાયતના રહીશોને પીવાના પાણી માટેની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે તેમજ અલગ અલગ યોજનાઓ હેઠળ ગામમાં હેન્ડ પંપ, બોર મોટર દ્વારા પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે કરવામાં આવ્યા છે પરંતુ ગામમાં હેન્ડ પંપ તો છે પરંતુ પાણી નથી, બોર પણ બનાવવામાં આવ્યા છે પણ ક્યાંક મોટર નાખવામાં નથી આવી અને જ્યાં બોરમાં મોટર છે ત્યાં કોઈ કારણોસર ચાલતી નથી તેમજ નર્મદા કેનાલનું પાણી ગામમાં આવે છે પરંતુ આ નર્મદા કેનાલનું પાણી પીવા લાયક નથી કેમ કે નાખવામાં આવેલી પાઈપ લાઈનોમાં લીકેજ હોવાથી પાણીમાં દૂષિત પાણી ભેળસેળ થવાને કારણે ગ્રામજનોને આખરે આ દૂષિત પાણી પીવા માટે મજબૂર થવું પડે છે.

તેમજ ગામમાં પીવા લાયક પાણી મેળવવા માટે હાલમાં ગ્રામજનો જોડે કોઈ વિકલ્પ નથી ત્યારે આ દૂષિત આવતું પાણી માટે પ્રજાજનોએ ગ્રામ પંચાયતમાં અનેકવાર રજુઆતો કરવા છતાં પીવાના પાણીમાં થતા દૂષિત પાણીના ભેળસેળનો કોઈ નિકાલ કરવામાં ના આવતા આ ગામમાં મોટો રોગચાળો ફાટી નીકળવાની સંભાવનાઓ રહેલી છે.આ દૂષિત પાણીન સમસ્યાનો હલ નહિ આવે તો ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટર કચેરીમાં ધરણાં અને ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી આપી છે. હવે એ જોવાનું રહ્યું કે સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા સુરેલી ગામના લોકોનો પીવા માટે શુદ્ધ પાણી આપવામાં આવશે કે પછી આ દૂષિત પાણી જ પીને રોગચાળાનો શિકાર બનવું પડશે.તેવી લોકમુખે ચર્ચાઓ જોવા મળી આવી હતી

રાજય સરકાર અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકીને ગ્રામ્ય વિસ્તારો સુધી પીવાનું શુધ્ધ પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે અને હાલમાં નલ સે જળ તક યોજના હેઠળ છેવાડાના ગામડાઓમાં શુધ્ધ પીવાનું પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ છતાં સુરેલી ગામમાં પીવા લાયક પાણી મેળવવા માટે ગ્રામજનો જોડે બીજો કોઈ વિકલ્પ નથી.અને આ દૂષિત આવતા પાણી માટે પ્રજાજનોએ ગ્રામ પંચાયતમાં વારંવાર રજુઆતો કરવા છતાં સરપંચ અને તલાટી કમ મંત્રી આંખ આડા કાન કરી રહ્યા હોવામાં આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા.

તેમજ રાજય સરકાર અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગામડા ઓમાં શુધ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે લાખ્ખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે પરંતુ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રી આ યોજનાઓ માત્રને માત્ર કાગળ ઉપર જ દર્શાવીને આ ગ્રાન્ટોનો દૂરઉપયોગ કરી નાણાં પોતાના ખિસ્સાઓમાં સેરવતા હોવાના જાગૃત ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે. હાલમાં પણ અનેક ગામડાઓમાં સરકારી યોજનાઓ ખાલી કાગળો ઉપર જ દોડતી જોવા મળી રહી છે. જો આ અંગે જિલ્લા વહીવટી તંત્ર અને તાલુકાના સત્તાધીશો પોતાનો સમય કાઢીને તટસ્થ તપાસ કરવા માટે જાય તો અનેક ગ્રામ પંચાયતોમાં થયેલા લાખ્ખો રૂપીયાના ભ્રષ્ટાચારો બહાર આવી શકે તેમ છે.