ગુજરાત/ શિક્ષણ વિભાગની “શોધ યોજના”નું પરિણામ આવતી કાલે જાહેર થશે

આ ૯૩૦ વિદ્યાર્થીઓને માસિક સ્ટાઇપેંડ પેટે રૂ.૧૫,૦૦૦ તથા કન્ટીજન્સી ખર્ચ પેટે વાર્ષિક રૂ. ૨૦,૦૦૦ મળી કુલ રૂપિયા રૂપિયા ૩૫,૦૦૦નું સ્ટાઈપેન્ડ અપાશે

Top Stories Gujarat
1 73 શિક્ષણ વિભાગની "શોધ યોજના"નું પરિણામ આવતી કાલે જાહેર થશે

રાજયના શિક્ષણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજયના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત સંશોધન માટે પ્રોત્સાહન પૂરૂ પાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર હર હંમેશ પ્રયત્નશીલ છે. રાજય સરકાર દ્વારા “શોધ યોજના” હેઠળ સ્ટાઇપેંડ આપવામાં આવે છે આ યોજના માટે વર્ષ ૨૦૨૧-૨૨ અંતર્ગત ૯૩૦ વિદ્યાર્થીઓની અરજી મંજૂર કરવામાં આવી છે જેનું પરિણામ તા.૧૫મી સપ્ટેમ્બર એટલે કે આવતી કાલે જાહેર થશે.

આ ૯૩૦ વિદ્યાર્થીઓને માસિક સ્ટાઇપેંડ પેટે રૂ.૧૫,૦૦૦ તથા કન્ટીજન્સી ખર્ચ પેટે વાર્ષિક રૂ. ૨૦,૦૦૦ મળી કુલ રૂપિયા રૂપિયા ૩૫,૦૦૦નું સ્ટાઈપેન્ડ અપાશે.આ માટે બે વર્ષ સુધી કુલ રૂ. ૩૭.૨૦ કરોડની સહાયની ફાળવણી કરવામાં આવી છે. પરિણામ જાહેર થયા બાદ મંજૂર થયેલ લાભાર્થીઓને માસિક ધોરણે DBT માધ્યમે સ્ટાઇપેંડ ફાળવણી કરવામાં આવશે.

મંત્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી આ સહાયથી વિદ્યાર્થીઓને આવક કે નાણાંકીય ઉપાર્જન કરવાનો પ્રશ્ન રહેશે નહીં.આ આર્થિક સહાય દ્વારા તેઓ જરૂરી પુસ્તકો અને નાના ઈક્વિપમેન્ટની ખરીદી કરી શકે છે તથા ટ્રાવેલ અને ફિલ્ડ વર્ક કરી અલગ અલગ સ્થળે રૂબરૂ મુલાકાત લઇ ગુણવત્તાયુક્ત પી.એચ.ડી. ડીગ્રી માટે થીસીસ રજુ કરી શકશે. જેથી વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંશોધન માટે પ્રેરણા મળશે તથા ખૂબ જ લાભદાયી અને મહત્વાકાંક્ષી આ યોજનાથી ગુજરાત રાજ્યની જ્ઞાન સંપદામાં બહુલક્ષી વૃદ્ધિ થશે તેમ તેમણે ઉમેર્યું હતું

શોધ યોજના હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨ અંતર્ગત રાજ્યની કુલ ૫૮ સરકારી,ખાનગી તથા સેકટોરલ યુનિવર્સિટીઓમાંથી આર્ટસ, કોમર્સ, સાયન્સ, એગ્રીકલ્ચર, એન્જિનિયરિંગ, ફાર્મસી, ફોરેન્સિક સાયન્સ, યોગા, એજ્યુકેશન, મેડિકલ સાયન્સ વગેરે જેવા વિવિધ અભ્યાસ શાખાના વિદ્યાર્થીઓ દ્વારા અરજી કરવામાં આવી હતી.આ અરજીઓનું સ્ક્રુટીની સમિતિ દ્વારા અરજી કરેલ વિદ્યાર્થીઓના રીસર્ચ પ્રપોઝલનું મૂલ્યાંકન સંશોધનનાં લક્ષ્યો અને ઉદ્દેશો,રીસર્ચ પ્રપોઝલની મૌલિકતા અને જે-તે વિષય માટે નવીનતા, સંશોધન ડિઝાઇન અને પદ્ધતિઓની સ્પષ્ટતા, અપેક્ષિત પરિણામોનું મહત્વ,સમાજ ઉપયોગી ક્ષેત્રના સંદર્ભમાં સંશોધન દરખાસ્ત ઉપયોગનું મહત્વ,પર્યાપ્ત અને સંબંધિત સાહિત્ય સર્વેક્ષણ, સમીક્ષા વગેરે માપદંડને ધ્યાને લઈને આ ૯૩૦ વિદ્યાર્થીઓની અરજી મંજૂર કરવામાં આવી છે.