world news/ વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશે ભારતને કરી આ અપીલ

જો ભારત આવું નહીં કરે તો તે લોકશાહીની સ્થાપના માટેના એસોસિયેશન ઓફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ (ASEAN)ના પ્રયાસોને નબળા બનાવી શકે છે. ઈન્ડોનેશિયાના વિદેશ…

World Trending
ASEAN on Myanmar

ASEAN on Myanmar: વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશ ઈન્ડોનેશિયાએ મ્યાનમારમાં લોકતાંત્રિક સરકારને હટાવવા અને કબજા હેઠળના સૈન્ય શાસનને લઈને ભારતને ખાસ અપીલ કરી છે. ઈન્ડોનેશિયા ઈચ્છે છે કે ભારત મ્યાનમારના લશ્કરી શાસન સાથે વાતચીત ન કરે. ઈન્ડોનેશિયાના વિદેશ મંત્રી રેત્નો મારસુદીએ કહ્યું છે કે ભારત અને અન્ય દેશોએ એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સની નીતિનું સન્માન કરવું જોઈએ અને મ્યાનમારના મામલે અન્ય કોઈ રસ્તો અપનાવવાને બદલે તેનું પાલન કરવું જોઈએ.

ઈન્ડોનેશિયાના વિદેશ મંત્રીએ ‘ધ હિન્દુ’ અખબાર સાથેની વાતચીતમાં કહ્યું કે જો ભારત આવું નહીં કરે તો તે લોકશાહીની સ્થાપના માટેના એસોસિયેશન ઓફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ (ASEAN)ના પ્રયાસોને નબળા બનાવી શકે છે. ઈન્ડોનેશિયાના વિદેશ મંત્રીએ ભારત સહિત અન્ય દેશોને આસિયાનની પાંચ મુદ્દાની સર્વસંમતિ અનુસાર આગળ વધવાની અપીલ કરી હતી. આ પાંચ મુદ્દાની સમજૂતીમાં મ્યાનમારમાં હિંસાનો તાત્કાલિક અંત, વિશેષ દૂતની નિમણૂક, તમામ પક્ષો વચ્ચે સંવાદ, આસિયાન તરફથી માનવતાવાદી સહાય અને આસિયાનના વિશેષ દૂતને તમામ પક્ષોને મળવાની મંજૂરી જેવા મુદ્દાઓ સામેલ છે.

ઈન્ડોનેશિયાના વિદેશ મંત્રીએ જણાવ્યું કે, આસિયાન ભાગીદારો માટે અમારો સંદેશ આસિયાનના પ્રયાસોને સમર્થન આપવાનો છે, કારણ કે જો તમે કંઇક અલગ કરવાનો પ્રયાસ કરશો, તો તે ફક્ત અમને નબળા પાડશે, સાથે જ મ્યાનમારને આ રાજકીય સંકટમાંથી બહાર કાઢવા માટે મદદરૂપ સાબિત થશે નહીં.” ત્યારે ઇન્ડોનેશિયાના વિદેશ પ્રધાન રેત્નો માર્સુદીએ જણાવ્યું કે, “અમે વારંવાર કહીએ છીએ, કૃપા કરીને ASEANનું સન્માન કરો અને પાંચ મુદ્દાની સર્વસંમતિને સમર્થન આપો.” એસ જયશંકર સાથે પણ વાતચીત કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2021માં સેનાએ મ્યાનમારની સત્તા પર કબજો કરી લીધો હતો. તે સમયે મોટાભાગના દેશો તેની વિરુદ્ધ હતા. પરંતુ માર્ચ 2022 માં મ્યાનમારની સૈન્ય સરકારના વિદેશ પ્રધાનને BIMSTEC સંગઠનની વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લેવા માટે ભારત અને શ્રીલંકા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. આસિયાન સભ્યો અને અમેરિકાએ પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રા નવેમ્બરના અંતિમ સપ્તાહમાં મ્યાનમાર પહોંચ્યા હતા. ત્યાં ભારતીય વિદેશ સચિવે પહેલાની જેમ તે રાજકીય નેતાઓ કે પક્ષો સાથે વાતચીતમાં ભાગ લીધો ન હતો, જેમને મ્યાનમારની સૈન્ય શક્તિ દ્વારા સત્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, ભારતીય વિદેશ મંત્રાલય તરફથી આસિયાનની પાંચ મુદ્દાની સર્વસંમતિ વિશે કંઈ કહેવામાં આવ્યું નથી.

ભારતીય વિદેશ સચિવની મ્યાનમારની મુલાકાત અંગે ભારત સરકારના અધિકારીઓએ કહ્યું હતું કે ભારત અને મ્યાનમાર વચ્ચેના સંબંધો મહત્વપૂર્ણ છે કારણ કે બંને એકબીજા સાથે સરહદ વહેંચે છે. તેમણે કહ્યું કે જે રીતે ચીન મ્યાનમારની સૈન્ય સરકાર સાથે વાતચીત કરી રહ્યું છે, તેવી જ રીતે ભારત માટે પણ મ્યાનમારની સૈન્ય સરકાર સાથે વાતચીત કરવી જરૂરી છે. જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2021માં મ્યાનમારની સેનાએ આંગ સાન સૂ કીની ચૂંટાયેલી સરકારને સંસદમાંથી બહારનો રસ્તો બતાવીને સત્તા પર કબજો કર્યો હતો. ત્યારથી દેશમાં વિવાદ શરૂ થયો હતો. મોટી સંખ્યામાં લોકોએ સૈન્ય શાસન વિરુદ્ધ પ્રદર્શન કર્યું. લશ્કરી શાસન દ્વારા ઘણા લોકોને આકરી સજા પણ કરવામાં આવી હતી પરંતુ લોકોનો રોષ શમ્યો ન હતો.

લશ્કરી શાસન આવતાની સાથે જ તત્કાલિન વડાપ્રધાન આંગ સાન સૂ કી સહિત અનેક પક્ષોના મોટા નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ખાસ કરીને આંગ સાન સૂ કીને ભ્રષ્ટાચાર સહિતના અનેક ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. એક સમયે શાંતિ માટે નોબેલ જીતનાર આંગ સાન સૂ કી હાલમાં જેલમાં છે.

ASEAN સંસ્થા શું છે?

ASEAN એટલે કે એસોસિયેશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ એ 10 દક્ષિણ પૂર્વ એશિયાઈ રાષ્ટ્રોનું સંગઠન છે. તેનું મુખ્ય મથક ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં છે. તેની સ્થાપના થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં વર્ષ 1967માં થઈ હતી. તેના સ્થાપક સભ્યોમાં થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ અને સિંગાપોરનો સમાવેશ થાય છે. આ પછી અન્ય દેશો પણ આ સંગઠનમાં જોડાયા. હાલમાં ઉપરોક્ત પાંચ સ્થાપક સભ્યો ઉપરાંત, કંબોડિયા, બ્રુનેઈ, લાઓસ, વિયેતનામ અને મ્યાનમાર પણ તેના સભ્યો છે. બીજી તરફ ઈન્ડોનેશિયાના વિદેશ મંત્રીએ પણ વર્ષ 2018માં શરૂ થયેલી ભારત અને ઈન્ડોનેશિયાની દ્વિપક્ષીય પહેલ ‘સબાંગ પોર્ટ’ના નિર્માણ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ અંગેનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે, હવે બંને દેશોની જોઈન્ટ ટાસ્ક ફોર્સ 19 ડિસેમ્બરે બેઠક કરશે અને બાંધકામને લઈને આગળની યોજના બનાવશે.

આ પણ વાંચો: શપથવિધિ/ ગુજરાતના 18મા સીએમ ભુપેન્દ્ર પટેલની પીએમની હાજરીમાં તાજપોશી