Ashes series/ આ ખેલાડીએ બચાવી ઈંગ્લેન્ડ ટીમની લાજ, સીરીઝમાં જે કોઇ ન કરી શક્યુ તે કરી બતાવ્યું

બેયરસ્ટોની શાનદાર અણનમ સદીની મદદથી ઈંગ્લેન્ડે ત્રીજા દિવસની રમતનાં અંતે 7 વિકેટે 258 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગ 8 વિકેટે 416 રને ડિકલેર કરી હતી.

Sports
જોની બેયરસ્ટો

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની એશિઝ સીરીઝની ચોથી ટેસ્ટ સીડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે રમાઈ રહી છે. શુક્રવારે, મેચનાં ત્રીજા દિવસે, ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ ઇનિંગમાં ફરી ખરાબ પરફોર્મન્સ કરી રહી હતી. મુલાકાતી ટીમે એક સમયે 36 રન પર પોતાની 4 વિકેટ ગુમાવી દીધી હતી અને એવું લાગી રહ્યું હતું કે તેઓ ફોલોઓન ટાળી શકશે નહીં. પરંતુ વિકેટકીપર-બેટ્સમેન જોની બેયરસ્ટોએ યોગ્ય સમયે ફોર્મમાં આવીને ઈંગ્લેન્ડને થોડી સારી સ્થિતિમાં પહોંચાડી દીધું છે.

આ પણ વાંચો – Test series / ભારત સામે બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાની ઐતિહાસિક જીત,ડીન એલ્ગરની કેપ્ટન ઇનિંગ્સ

આપને જણાવી દઇએ કે, બેયરસ્ટોની શાનદાર અણનમ સદીની મદદથી ઈંગ્લેન્ડે ત્રીજા દિવસની રમતનાં અંતે 7 વિકેટે 258 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગ 8 વિકેટે 416 રને ડિકલેર કરી હતી. વિકેટ કીપર બેટ્સમેન એવા સમયે બેટિંગ કરવા માટે ક્રિઝ પર પહોંચ્યો જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ફંગોળાઈ રહી હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ તેણે સાવચેતીપૂર્વક રમી અને મુલાકાતી ટીમને સારી સ્થિતિમાં મુકી દીધી.

બેયરસ્ટોએ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ સાથે પાંચમી વિકેટ માટે 176 બોલમાં 128 રનની ભાગીદારી કરી અને પછી માર્ક વુડ સાથે 72 બોલમાં શાનદાર 72 રનની ભાગીદારી કરીને ઈંગ્લેન્ડને 250 ની પાર પહોંચાડી દીધું. દિવસની રમતનાં અંત સુધીમાં બેયરસ્ટો 8 ચોક્કા અને 3 છક્કાની મદદથી 103 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ તેની કારકિર્દીની 7મી ટેસ્ટ સદી છે. તેની સાથે જેક લીચ 4 રન બનાવીને અણનમ છે. ઈંગ્લેન્ડ હાલમાં ઓસ્ટ્રેલિયાનાં સ્કોરથી 158 રન પાછળ છે.

આ પણ વાંચો – IND vs SA 2nd Test Analysis / ટીમ ઈન્ડિયાને વિરાટ કોહલીની પડી ખોટ, રાહુલ કેપ્ટનશિપમાં નિષ્ફળ.. જાણો હારના પાંચ મોટા કારણો

બેયરસ્ટો એશિઝ સીરીઝમાં સદી ફટકારનાર પ્રથમ ઈંગ્લેન્ડનો બેટ્સમેન બની ગયો છે. આ તેની ટેસ્ટ કારકિર્દીની 7મી સદી છે. ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે પણ 91 બોલમાં 9 ચોક્કા અને એક છક્કાની મદદથી 66 રનની અડધી સદી ફટકારી હતી. તેના સિવાય માર્ક વૂડે 41 બોલમાં 2 ચોક્કા અને 3 છક્કાની મદદથી 39 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન પેટ કમિન્સ અને સ્કોટ બોલેન્ડે બે-બે જ્યારે મિચેલ સ્ટાર્ક, કેમેરોન ગ્રીન અને નેથન લિયોને એક-એક વિકેટ લીધી હતી. સીરીઝમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને પહેલી જ માત આપી દીધી એટલે કે જીત મેળવી લીધી છે.