Usa News : અમેરિકી સેનેટે રશિયન તેલ (Russia Oil)ખરીદતા દેશો સામે કડક કાર્યવાહીનો માર્ગ ખોલતું મહત્વનું બિલ બહુમતીથી પસાર કર્યું છે. બિલને 86 સેનેટર્સે સમર્થન આપ્યું, જ્યારે 11 સાંસદોએ તેનો વિરોધ કર્યો. પ્રસ્તાવમાં ભારત સહિત રશિયન ઊર્જા ખરીદતા કેટલાક દેશો પર 100% સુધીનો વધારાનો ટેરિફ (Tariff)લાદવાની જોગવાઈ કરવામાં આવી છે.
ભારત સહિત 5 દેશો નિશાન પર
સેનેટમાંથી પસાર થયેલા બિલ હેઠળ ભારત, ચીન, સ્લોવાકિયા, હંગેરી અને અઝરબૈજાન જેવા દેશો સામે 100% સુધીનો ટેરિફ (Tariff)લગાવવાની જોગવાઈ છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ રશિયાની ઊર્જા નિકાસથી થતી આવક ઘટાડવાનો અને તેની યુદ્ધ ક્ષમતાને નબળી પાડવાનો છે.
આ પ્રસ્તાવને રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીના બંને પક્ષોના સાંસદોનું સમર્થન મળ્યું છે.
પહેલા 500% ટેરિફનો પ્રસ્તાવ હતો
રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા દેશો સામે કાર્યવાહી માટે 23 જુલાઈએ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. શરૂઆતના મુસદ્દામાં 500% સુધીના ટેરિફ (Tariff)ની જોગવાઈ હતી, પરંતુ બાદમાં તેને ઘટાડીને 100% કરવામાં આવી.
જોકે, સેનેટની મંજૂરી બાદ પણ આ બિલ કાયદો બન્યું નથી. હવે તેને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં પસાર થવું પડશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની મંજૂરી મળ્યા પછી જ તે કાયદાનું સ્વરૂપ લેશે.
ઈરાન સાથે વેપાર કરતી કંપનીઓ પર પણ કડકાઈ
બિલમાં ઈરાન સાથે વેપાર કરતી બિન-અમેરિકી કંપનીઓ સામે પ્રતિબંધોની જોગવાઈ પણ છે. 1996ના ઈરાન પ્રતિબંધ કાયદાને 2031 સુધી લંબાવવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અમેરિકી રાષ્ટ્રપતિને રશિયાથી અમેરિકામાં આવતા માલ પર 500% સુધીનો ટેરિફ (Tariff)લગાવવાની સત્તા આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ સત્તા પાંચ વર્ષ સુધી અમલમાં રહી શકે છે.
ભારતે જૂનમાં રેકોર્ડ રશિયન તેલ ખરીદ્યું
આ બિલ ભારત માટે ખાસ મહત્વનું છે, કારણ કે ભારત રશિયન ક્રૂડ (Russia Oil)ઓઇલનો મોટો ખરીદદાર છે.
જૂન 2026માં ભારતે રશિયા પાસેથી દરરોજ અંદાજે 26.1 લાખ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદ્યું હતું. આ દેશની કુલ ક્રૂડ ઓઇલ આયાતના આશરે 52.4% જેટલું હતું.
મે મહિનાની સરખામણીમાં જૂનમાં રશિયન તેલની ભારતની આયાતમાં લગભગ 39%નો વધારો થયો હતો. આ સાથે રશિયા ભારતનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ સપ્લાયર બની રહ્યો છે.
યુરોપના કેટલાક દેશોને મળી શકે રાહત
બિલમાં રશિયન ગેસ પર ઓછી નિર્ભરતા ધરાવતા કેટલાક યુરોપિયન દેશોને રાહત આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
જે દેશો રશિયાની કુલ ગેસ નિકાસમાંથી 15%થી ઓછો ગેસ આયાત કરે છે અને રશિયન ઊર્જા પરની પોતાની નિર્ભરતા ઘટાડવાના પ્રયાસ કરી રહ્યા છે, તેમને પ્રસ્તાવિત 100% ટેરિફમાંથી મુક્તિ મળી શકે છે.
ડેમોક્રેટ સેનેટર રિચાર્ડ બ્લુમેન્થલના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી અમેરિકાના યુરોપિયન સહયોગીઓ સામે નથી, પરંતુ રશિયન ઊર્જા વેપારને મોટું આર્થિક સમર્થન આપતા દેશોને નિશાન બનાવે છે.
રશિયા સામે વધુ કડક પ્રતિબંધોની તૈયારી
બિલમાં રશિયાના ઊર્જા ક્ષેત્ર ઉપરાંત નાણાકીય સંસ્થાઓ, સંરક્ષણ ઉદ્યોગ, વેપારીઓ અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે જોડાયેલા હિતો સામે પ્રતિબંધો લાદવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
હવે સમગ્ર નજર અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ અને ત્યારબાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણય પર છે. જો બિલ બંને તબક્કા પાર કરે છે, તો ભારત સહિત રશિયન તેલ ખરીદતા દેશો માટે અમેરિકી બજારમાં વેપાર વધુ મોંઘો બની શકે છે.
