ચોમાસાની જમાવટ/ અમદાવાદમાં ધોધમાર વરસાદ, વિવિધ વિસ્તારમાં ભરાયા પાણી, રાજ્યના 27 જીલ્લામાં બેઠું ચોમાસું

ખેડૂતો માટે આનંદના સમાચાર, ગુજરાતના વધુ 6 જિલ્લા પોરબંદર, રાજકોટ, જામનગર, બોટાદ, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં બેઠું ચોમાસું, અત્યાર સુધીમાં 27 જિલ્લામાં બેઠું ચોમાસું

Top Stories Gujarat
Ahmedabad MAIN અમદાવાદમાં ધોધમાર વરસાદ, વિવિધ વિસ્તારમાં ભરાયા પાણી, રાજ્યના 27 જીલ્લામાં બેઠું ચોમાસું

રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સવારે રાજ્યના કેટલાક તાલુકાઓમાં 1 ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદમાં નોંધાયેલ છે. જેમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયો છે અને 8 તાલુકામાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બપોર બાદ કાળાં ડિબાંગ વાદળો સાથે શહેરના થલતેજ, એસજી હાઇવે, બોપલ, જુહાપુરા, વેજલપુર, શિવરંજની સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

આજે વહેલી સવારથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરમાં જોરદાર વરસાદી માહોલ જામ્યો છે, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છેલ્લા 24 કલાકમાં ભાવનગરના ઘોઘામાં ત્રણ ઈંચ, સાયલા અને ભરૂચમાં બે બે ઈંચ, ધોરાજી અને અમરેલીમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો હતો. ભેંસાણ અને બરવાળામાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના પાટણ વેરાવળ, ભાવનગર, માંગરોલમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.

વાગરા, વાપી, ગીર ગઢડા, સુત્રાપાડા, કોડીનારમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. અંકલેશ્વર, બોટાદ, ગોંડલ, સિહોર, રાજકોટ અને જૂનાગઢમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. બાબરા, મોડાસા, કપરાડા, પડધરી, કોટડા સાંગાણી, માણાવદરમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. કુતિયાણા, મેંદરડા,ઉના, લાઠી, જામનગર, માંગરોળ, મુળી, વંથલી, કુકાવાવ, તળાજા, ઝઘડીયા અને તાલાલામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.

અત્યાર સુધીમાં ગુજરાતમાં વરસેલા વરસાદની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં 63.62 ટકા વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લામાં 36.27 ટકા વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રમાં 18.48 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 2.16 ટકા વરસાદ પડયો છે. વાવણીલાયક વરસાદથી ગુજરાતના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

 

ઉલ્લેખનીય છે કે, 25મી જૂન અને રવિવારથી ગુજરાતમાં વિધિવત્ ચોમાસું બેઠું છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આજથી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં તારીખ 26, 27, 28, 29 અને 30નો સમાવેશ થાય છે.