Not Set/ ભરૂચ-જંબુસર વચ્ચે 15 વર્ષ બાદ ફરીથી ટ્રેન સેવા શરૂ થશે, PM મોદી આપશે લીલીઝંડી

ભરૂચ જિલ્લામાં વર્ષ 2007-08 માં ભારે પુરના પગલે અંગ્રેજો અને ગાયકવાડી રાજમાં નખાયેલી 135 વર્ષ જૂની ભરૂચ-જંબુસર નેરોગેજ રેલવે લાઈનના…

Top Stories Gujarat
ફરીથી ટ્રેન સેવા શરૂ

ફરીથી ટ્રેન સેવા શરૂ: 15 વર્ષથી બંધ રહેલી ભરૂચ- જંબુસર રેલવે સેવાને ફરી શરૂ કરવા 18 જૂને વડોદરાથી PM નરેન્દ્ર મોદી લીલીઝંડી આપવા આવી રહ્યા છે. વર્ષ 2017 ના રેલ બજેટમાં નેરોગેજમાંથી બ્રોડગેજ પરિવર્તન કરી આ 135 વર્ષ જૂની રેલલાઈનને વિકસાવવા જોગવાઈ કરાઈ હતી. હવે ગેઝ પરિવર્તનના શ્રીગણેશ થતા આગામી વર્ષોમાં સમનીથી જંબુસર થઈ દેશના વિશાળ રેલવે નેટવર્ક સાથે તાલુકો જોડાઈ જતા વિકાસની નવી ક્ષિતિજો ખુલશે.

ભરૂચ જિલ્લામાં વર્ષ 2007-08 માં ભારે પુરના પગલે અંગ્રેજો અને ગાયકવાડી રાજમાં નખાયેલી 135 વર્ષ જૂની ભરૂચ-જંબુસર નેરોગેજ રેલવે લાઈનના પાટા ઉખડી જવા સાથે રેલવે સેવા બંધ થઈ ગઈ હતી. જે બાદ ભરૂચ-દહેજ બ્રોડગેજ રેલવે લાઇન વર્ષ 2014માં કાર્યરત કરાઈ હતી. જોકે તેને સમની રેલવે સ્ટેશનથી જંબુસર સુધી નહિ લંબાવતા તાલુકાની પ્રજાએ વિરોધ સાથે ટ્રેન સેવા શરૂ કરવા ઘણીવાર માંગણી કરી હતી.

વર્ષ 2017 ના રેલ બજેટમાં જંબુસર રેલવે લાઈન માટે જોગવાઈ કરાતા વિસ્તારની પ્રજામાં આંનદ છવાયો હતો. એસ. ટી. કરતા 300 ટકા સસ્તી અને ઝડપી રેલવે સુવિધા આગામી વર્ષોમાં ઉપલબ્ધ થવાના આનંદ સાથે આ વિસ્તારની કાયાપલટ થશે તેવા સપના જંબુસર અને આમોદ તાલુકાની પ્રજાએ જોયા હતા. જોકે ગેઝ પરિવર્તનની જોગવાઈ અને બજેટમાં જાહેરાત બાદ પણ કારણોસર કામગીરી 5 વર્ષથી આગળ વધી ન હતી.

જણાવી દઈએ કે, 18 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવી રહ્યા છે. હજારો કરોડના રેલવે પ્રોજેક્ટોના લોકાર્પણ શિલાન્યાસમાં તેઓ જંબુસર-સમની ગેઝ પરિવર્તનનો પણ શિલાન્યાસ કરવાના છે. જેને લઈ નવી રોજગારીનું સર્જન થવા સાથે જંબુસર બ્રોડગેજ મારફતે દેશના વિશાળ નેટવર્કથી સંકડાશે. જંબુસરનું બસનું ભાડુ રૂ.75 છે જ્યારે ટ્રેનમાં મહત્તમ સફર ભાડું રૂ. 25 હશે.

જંબુસરથી વિશ્વામિત્રી ગેજ પરિવર્તન બાદમાં હાથ ધરાશે

જંબુસર-સમની બ્રોડ ગેજ રૂપાંતરણ કરાતા ભરૂચ,સમની થઈ જંબુસર રેલવેથી જોડાશે. જોકે જંબુસર-વિશ્વામિત્રી ગેઝ પરિવર્તનની કામગીરીને હજી લીલીઝંડી અપાઈ નથી. જે શરૂ થાય તો જંબુસર ભરૂચ અને વડોદરા બન્ને સાથે રેલ સેવાથી કનેક્ટ થાય તેમ છે.

દહેજ અને રાજપીપળા લાઈન ઉપર પેસેન્જર ટ્રેન સેવાને રેડ સિગ્નલ

અંગેજોના સમયની ભરૂચ,સમની જંબુસર નેરોગેજ અને રજવાડા સમયની અંકલેશ્વર-રાજપીપળા નેરોગેજનું વર્ષ 2012 માં ગેજ પરિવર્તન કરાયું હતું. ભરૂચ-દહેજ ઇલેક્ટ્રિફિકેશન કર્યું હતું. જોકે રાજપીપળા-અંકલેશ્વર ફક્ત બ્રોડગેજ કરાયું હતું. ભરૂચ-દહેજ વચ્ચે ગુડ્ઝ ટ્રેન સાથે સવાર સાંજ મેમુ ટ્રેન અને રાજપીપળા રૂટ પર ડીઝલ એન્જીનથી દોડતી પેસેન્જર ટ્રેન શરૂ કરાઇ હતી. જોકે પેસેન્જરો નહિ મળતા અને ધીમી સ્પીડ વચ્ચે ખોટમાં ચાલતી આ બન્ને યાત્રી ટ્રેનો કોરોના કાળથી બંધ થઈ ગઈ હતી. જેને હજી પણ ચાલુ કરવા સામે રેડ સિગ્નલ યથાવત જોવા મળી રહ્યો છે.

વર્ષ 2017 માં કરોડના ખર્ચે ગેજ પરિવર્તનની થયેલી જાહેરાત

  • સમની-જબુંસર. 24.08KM 216.72 કરોડ (બાકી)
  • જબુંસર-વિશ્વામિત્રી. 48.20KM 433.80 કરોડ (બાકી)
  • ડભોઇ-ચાણોદ-કેવડિયા. 49.25KM./ 691.84 કરોડ (કાર્યરત)

પશ્ચિમ રેલવેમાં નેરોગેજ લાઇનનું સોંથી મોટું નેટવર્ક વડોદરા ડિવિઝન ધરાવતું હતું. અંગ્રેજો અને રજવાડા સમયમાં સ્ટીમ એન્જીનથી શરૂ થયેલી રેલ સેવા સ્ટીમ એન્જિનનું સ્થાન ડિઝલ એન્જિને લેતા બિનઉપયોગી થઇ હતી. સ્ટીમ એન્જિનોને રેલવેના ઇતિહાસની એક ઝાંખી સ્વરૂપે દેશભરના રેલવે ડિવિઝનો તથા સ્ટેશનો ખાતે ખસેડાયા છે.

વડોદરામાંથી આવાં 24 એન્જિન ભુતકાળમાં મોકલાઇ ચુકયાં છે. જ્યારે 6 થી 7 જેટલાં સ્ટીમ એંજીનો હજી પણ વડોદરા ડિવિઝન પાસે પડયા છે. ઉલ્લેખનિય છે કે હાલમાં પ્રતાપ નગર ડિઆરએમ ઓફિસ સામે પણ રેલ્વેનું જુનું સ્ટીમ એંજિન મોડેલ તરીકે દર્શાવવા માટે બહાર મુકવામાં આવ્યું છે.

વર્ષો પહેલાં વડોદરાથી ડભોઇ, મીયાંગામ-કરજણ, છોટાઉદેપુર તેમજ ગોધરા, લુણાવાડા, ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, રાજપીપળા, કોસંબા, ઉમર વાડાં ખાતે સ્ટીમ એંજિન દ્વારા ટ્રનો નેરોગેજ લાઇન પર દોડતી હતી. પરંતુ ડીઝલ અન્જિનો આવતા નેરોગેજ લાઇન પરથી ધીરેધીરે સ્ટીમ એન્જિનો બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે નેરોગેજ લાઇન પણ ઇતિહાસ બની રહી છે.

આ પણ વાંચો: સરકાર સહકાર આપો / ખેડાના માતર ગામમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ ઝડપથી દૂર કરવા અપીલ