Not Set/ વાપીમાં ચોરી કરવા આવેલા બે રીઢા ચોર પકડાયા

રીઢા ચોર પકડાયાં

Gujarat
vapi 1 વાપીમાં ચોરી કરવા આવેલા બે રીઢા ચોર પકડાયા

વાપી ડુંગરા વિસ્તારમાં વિનંતી નાકા પાસેથી સ્પેશિયલ ઓપરેશન  ટીમે 2 રીઢા ચોરની ધરપકડ કરી વાહન ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આ શખ્સો પાસેથી 2 ટેમ્પો, 2 બાઇક, વ્હીલ પ્લેટ સાથેના 5 ટાયર મળી કુલ 6,03,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.પોલીસે તેમની સઘન પુછપરછ હાથ ધરી છે.

મહારાષ્ટ્રથી ચોરેલા ટેમ્પોમાં ચોરી કરવા આવેલા 2 રીઢા ચોરને વલસાડ  સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પકડી લઈ વાહન ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ અંગે, વલસાડ રૂરલ ડિવિઝનના ડીવાયએસપી વી. એન. પટેલે વિગતો આપી હતી કે, એસઓજીની એક ટીમ વાપીના ડુંગરા વિસ્તારમાં વિનંતી નાકા પાસે પેટ્રોલિંગમાં હતી. ત્યારે, એક છોટા હાથી લઈને ઉભેલા 2 શંકાસ્પદ શખ્સોની પૂછપરછ કરી બંધ બોડીના ટેમ્પોમાં ચેક કરતા વ્હીલ પ્લેટ સાથેના 5 ટાયર મળી આવ્યાં હતાં. જેના બિલ માંગતા આરોપીઓ તે રજૂ કરી શક્યા નહોતા. એ અરસામાં નજીકમાં પાર્ક અન્ય ટેમ્પોમાં તલાશી લેતા તેમાંથી 2 બાઇક મળી આવ્યા હતાં. આ તમામ વાહનો અને ટાયર ચોરીના હોવાનું આરોપીઓએ કબુલતા એસઓજીની ટીમે કુલ 6,03,500 રૂપિયાના મુદ્દામાલ સાથે બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી.

બન્ને આરોપીઓ સુરજ જયરામ યાદવ અને અંકિત શમશેર યાદવ મૂળ યુપીના છે. જેઓ મહારાષ્ટ્રમાંથી છોટા હાથી ટેમ્પો ચોરી કરીને વાપી આવતા હતાં. વાપીમાં ટ્રક જેવા પાર્ક વાહનોને જેક લગાવી ગણતરીની મિનિટમાં વ્હીલ પ્લેટ સાથે ટાયર કાઢી તેને બંધ બોડીના ટેમ્પોમાં નાખી પલાયન થઈ જતા હતાં. એ જ રીતે પાર્ક થયેલા બાઇકને પણ ઉંચકીને ટેમ્પોમાં નાખી ચોરી કરી જતા હતાં.