Sports News : રાજસ્થાન રોયલ્સના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi)એ IPL 2026ના ક્વોલિફાયર-2માં ગુજરાત ટાઇટન્સ સામે ફરી એકવાર પોતાની ક્લાસ બતાવી. વૈભવે 47 બોલમાં 96 રનની વિસ્ફોટક ઇનિંગ રમી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. તેની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 7 આકાશી છગ્ગાનો સમાવેશ થયો હતો.
IPLમાં 1000 રનનો ઐતિહાસિક રેકોર્ડ
આ ઇનિંગ દરમિયાન વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi)એ IPL કારકિર્દીના 1000 રન પૂર્ણ કર્યા. તેણે માત્ર 23 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી અને ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 1000 રન બનાવનાર સંયુક્ત બીજા બેટ્સમેન બન્યો. આ યાદીમાં શોન માર્શ 21 ઇનિંગ્સ સાથે પ્રથમ સ્થાને છે.
સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બન્યો

વૈભવે આ રેકોર્ડ સાથે સાઈ સુદર્શનને પાછળ છોડી દીધો. સાઈએ 25 ઇનિંગ્સમાં 1000 રન પૂર્ણ કર્યા હતા જ્યારે વૈભવે આ સિદ્ધિ 23 ઇનિંગ્સમાં મેળવી. આ સાથે વૈભવ IPLમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો.
સૌથી ધીમી ફિફ્ટી છતાં જવાબદારીભરી ઇનિંગ
વૈભવે ગુજરાત સામે 31 બોલમાં અડધી સદી પૂરી કરી, જે IPLમાં તેની અત્યાર સુધીની સૌથી ધીમી ફિફ્ટી રહી. જોકે ટીમની મુશ્કેલ પરિસ્થિતિમાં તેણે જવાબદારીપૂર્વક બેટિંગ કરી અને ઇનિંગને સંભાળી રાખી.
રાજસ્થાનની શરૂઆત રહી નિરાશાજનક
રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી હતી. યશસ્વી જયસ્વાલ પહેલી જ ઓવરમાં એક રન બનાવી આઉટ થયો જ્યારે ધ્રુવ જુરેલ પણ માત્ર 7 રનમાં પેવેલિયન પરત ફર્યો. પાવરપ્લેમાં જ બે મોટા ઝટકા લાગતા ટીમ દબાણમાં આવી ગઈ હતી.
જાડેજા સાથે સદીની ભાગીદારી
શરૂઆતના ઝટકાઓ પછી વૈભવ અને રવિન્દ્ર જાડેજાએ ઇનિંગ સંભાળી. બંને વચ્ચે 65 બોલમાં 127 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ. જાડેજાએ આક્રમક બેટિંગ કરી જ્યારે વૈભવે સંયમ સાથે ઇનિંગ આગળ ધપાવી.
સદી ચૂકી ગયો વૈભવ
વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi)સતત બીજી મેચમાં સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યો. કાગીસો રબાડાએ તેને 96 રન પર આઉટ કરીને ગુજરાતને મોટી સફળતા અપાવી. છતાં તેની આ ઇનિંગ મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ.
પ્લેઓફમાં સતત કમાલ
આ પહેલા એલિમિનેટર મેચમાં પણ વૈભવે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 29 બોલમાં 97 રનની તોફાની ઇનિંગ રમી હતી. IPL 2026માં તે સતત શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે અને અત્યાર સુધી 6 વખત 50થી વધુ સ્કોર બનાવી ચૂક્યો છે.
