Women's Day/ જે ગામમાં એક હર્ષા હશે તે ગામમાં હમેશાં પાણીની વર્ષા હશે

જે ગામમાં એક હર્ષા હશે તે ગામમાં હમેશાં પાણીની વર્ષા હશે

Gujarat Others Trending
womens day 16 જે ગામમાં એક હર્ષા હશે તે ગામમાં હમેશાં પાણીની વર્ષા હશે

દરેક લોકોને, પશુ-પક્ષીઓને મારા હાથે પાણી પીવડાવીશ- હર્ષાબેન

આ વાત કાલરવાંઢમાં દરેક ઘરે પીવાનું પાણી સમયસર પહોચાડવાની કામગીરી કરતી કુ. હર્ષાબેન થાવરભાઈ રબારીની છે. ગામમાં હાલ જે કામગીરી થઈ રહી છે તે ખરેખર દરેક ગામ માટે અને દરેક દિકરી-સ્ત્રી માટે ગર્વની વાત છે. કાલરવાંઢમાં વાસ્મોની કામગીરી જ્યારથી પૂર્ણ કરવામાં આવેલ છે ત્યારથી આ નાની વયની દીકરી હર્ષા ઓપરેટર તરીકેની સેવા – કામગીરી ગામના કોઈ પણ ઘરેથી એક પણ રૂપિયો લીધા વગર નિષ્ઠા પૂર્વક કરી રહ્રા છે.

દિકરા સમોવડાં હર્ષાબેન જણાવે છે કે “ હું ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરીને આગળ અભ્યાસ ન કરી શકી તથા પોતાના ગામ માટે કોઈ સારી કામગીરી ન કરી શકી તો શું થયું પરંતુ હું જ્યાં સુધી આ ગામમાં રહીશ ત્યાં સુધી દરેક લોકોને, પશુ-પક્ષીઓને મારા હાથે પાણી પીવડાવીશ. એ પણ કોઈ જાતનો પગાર લીધા વગર કારણ કે આ કામગીરી કરવાથી હું સંતોષની લાગણી અનુભવું છું. આ કામથી મને અનોખો આનંદ અનુભવાય છે ”

૧૦૦ જેટલા ઘર અને આશરે ૩૫૭ જેટલી વસ્તી (૨૦૧૧ સેન્સસ પ્રમાણે) ધરાવતું કચ્છ જીલ્લાના અબડાસા તાલુકાનું કાલરવાંઢ ગામ જે ચિયાસર જુથ ગ્રામ પંચાયતનું ગામ છે. તાલુકા મથક થી ૬૦ કી. મી. અંતરે આવેલું છે. આ ગામમાં મુખ્યત્વે રબારી લોકોની વસ્તી છે. ગામ લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. સૌપ્રથમ ગામે પોતાનો કૂવો બનાવી પોતાનો પહેલો સ્વતંત્ર સ્ત્રોત બનાવ્યો હતો અને કુવામાંથી ગામ લોકો સિંચીને પીવાનું પાણી મેળવતા થયા હતા. ત્યાર બાદ પાણી પુરવઠા બોર્ડ દ્વારા કોટડા જુથ યોજનાનું પાણી ગામ લોકોને મળતું થયું. આ જુથ યોજનાનું પાણી પણ અનિયમિત રીતે આવતું હોવાને કારણે ગામમાં રહેતા માલધારી લોકો માટે મોટી સમસ્યા બની ગઈ હતી. તેનું મુખ્ય કારણ માનવ વસ્તી તો ખરી જ પરંતુ આ સાથે ગામમાં રહેતા ૨૦૦૦ જેટલા ગાય – ભેંસ અને ૧૫૦૦ જેટલા ઘેટાં-બકરા માટે પણ પીવાનું પૂરતું પાણી મળી શકતું ન હતું.

વર્ષ ૨૦૧૩-૧૪માં કાલરવાંઢ ગામ લોકોની આ સમસ્યાના નિરાકરણ માટે વાસ્મો સાથે જોડાવવાનું નક્કી કરવામાં આવ્યું. વાસ્મોની ટીમ દ્વારા ગામમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. તમામ લોકોને સાથે રાખીને ગામની વાસ્મો પુરસ્કૃત પાણી યોજના અમલીકૃત કરવામાં આવી. યોજનાના યોગ્ય અમલીકરણમાં પાણી સમિતિના તત્કાલિન પ્રમુખ શ્રી થાવરભાઈ માલાભાઈ રબારીએ સક્રિય ભૂમિકા ભજવી હતી.

આ યોજના અંતર્ગત ઘરો – ઘર નળ કનેક્શનની કામગીરી, પાણીનો ટાંકો અને ડીટીએચ બોરની કામગીરી કરવામાં આવેલ. સંતોષ સાથે પાણી સમિતિ પ્રમુખ શ્રી થાવરભાઈ રબારી કહે છે કે ગામમાં ૧૦૦ % ઘરોમાં નળ કનેક્શન છે. દરેકના ઘરે પૂરતા પ્રેસરથી ૨૪ કલાક પાણી મળે છે. ગામના પશુઓ તેમજ ગ્રામજનોને પીવાના પાણીની કાયમી સમસ્યાનું નિરાકરણ થઈ ગયું.

આ વાત તો થઈ ગામની અગાઉની પરિસ્થિતિ અને ત્યાર બાદ થયેલ વાસ્મો પુરસ્કૃત પાણી યોજનાની કામગીરીની, હવે વાત કરીએ વાસ્મો પુરસ્કૃત યોજનાની તો પાણી માટે કુલ કિંમત રૂ. ૮.૨૭ લાખ થયા છે.. ગામમાં સઘળી પાણી યોજના ચલાવવા પ્રતિ ઘર રૂ. ૨૦૦/- પ્રતિ વર્ષ વેરા પેટે વસૂલવામાં આવે છે. હર્ષાબેન રબારી આજે પોતાના ગામની વ્યક્તિગત યોજના સૂચારૂ રીતે સંભાળી રહ્યા છે.

આજે કાલરવાંઢમાં દરેક ઘરે પીવાનું પાણી સમયસર પહોચાડવાની કામગીરી કરતી કુ. હર્ષાબેન થાવરભાઈ રબારી માટે કહી શકાય કે “દરેક ગામમાં જો એક હર્ષા હશે તો ત્યાં પાણીની હમેશાં વર્ષા હશે”