Lifestyle: વિટામિન B12ની ઉણપથી કેટલાક લોકો ઘણીવાર કંઇ પણ ભારે કે હળવું કામ કર્યા વિના જ થાકનો અનુભવ કરતા હોય છે. આ લક્ષણોને લોકો સામાન્ય સમજીને અવગણે છે, પરંતુ આ એક ગંભીર સમસ્યા હોઇ શકે છે.
વિટામિન B12 (Vitamin B12, કોબાલામિન) એેક પ્રકારનું પાણીમાં દ્રાવ્ય વિટામિન છે જે શરીરમાં લાલ રક્તકણો (RBCs) બનાવવામાં, ચેતાતંત્ર (Nervous System)ને તંદુરસ્ત રાખવામાં અને મગજની કાર્યક્ષમતા (Brain Function)ને સુચારુ બનાવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એની ઉણપ (Vitamin B12 Deficiency)થી ધીમે-ધીમે શરીર નબળું પડવા લાગે છે. આમ થાય ત્યારે, લોકો એને તણાવ અથવા ઉંમરની અસર માની લે છે. પણ જે લોકો યુવાન છે એ લોકોમાં પણ હવે આના લક્ષણો જોવા મળી રહ્યાં છે. આ કમી અને બીમારી (Disease) પ્રત્યે સમયસર ધ્યાન આપવામાં ન આવે વ્યક્તિ ન્યુરોલૉજીકલ પ્રોબ્લેમ્સ (Neurological Problems) અને પર્નિશિયસ એનિમિયા (Pernicious anemia), જે એક ઑટોઇમ્યૂન બીમારી છે એની સમસ્યાથી ગ્રસ્ત થઇ શકે છે.

વિટામિન B12 ડેફિશિયન્સી અંગે આ લેખમાં વિસ્તૃતપણે જાણીશું…
છેલ્લાં કેટલાય વર્ષોમાં આ સમસ્યા ઘણી ઝડપથી વધી રહી છે. લગભગ ત્રણ વર્ષ અગાઉ 2022ની સાલમાં ‘ધ ઇજીપ્શિયન જર્નલ ઑફ ઇન્ટર્નલ મેડિસિન’ માં પબ્લિશ થયેલા એક અભ્યાસ અનુસાર, ભારત (India)માં લગભગ 75% લોકો અર્થાત્ દેશની 65 કરોડથી વધુ આબાદી વિટામિન B12ની ઉણપ (Vitamin B12) સામે ઝઝૂમી રહી છે. જો કે, સમયસર આ ઉણપ વિશે જાણી લેવાય તે એની પૂર્તિ આસાનીથી કરી શકાય છે.
શરીરમાં વિટામિન B12ની શું ભૂમિકા છે?
વિટામિન B12 એક અત્યંત જરુરી પોષક તત્વ છે, જે સ્વાભાવિક સ્વરુપે શરીરમાં બનતુ નથી. એને ભોજન અથવા તો સપ્લીમેન્ટ્સ (Food or Supplements) દ્વારા બહારથી જ લેવું પડે છે. એનું મુખ્ય કાર્ય ભોજનને એનર્જીમાં પરિવર્તિત કરવાનું છે. એ શરીરમાં રેડ બ્લડ સેલ્સના નિર્માણમાં સહાયક બને છે જેથી ઓક્સિજનનું વહન યોગ્ય રીતે જળવાઇ રહે છે.
આ ઉપરાંત, એ નર્વસ સિસ્ટમ અને બ્રેઇન ફંકશનને સપોર્ટ કરે છે. વિટામિન B12 DNA સંશ્લેષણ (DNA Synthesis)માં પણ મહત્વપૂર્ણ રોલ ભજવે છે જેથી નવી કોશિકાઓના નિર્માણ અને શરીરની રિકવરીની પ્રક્રિયા બહેતર બને છે.

વિટામિન B12ના ઉણપના મુખ્ય કારણો કયા છે?
વિટામિન B12 મુખ્યત્વે માંસ, માછલી, ઇંડા અને ડેરી પ્રોડક્ટ્સ (Non veg, Fish,Eggs, Dairy Products)માંથી પ્રાપ્ત કરી શકાય છે. એની ઉણપ મોટા ભાગે શાકાહારી અથવા તો વીગન ડાયટ (Vegetarians, Vigan) લેનારા લોકોમાં વિશેષ રુપે જોવા મળે છે. ગૅસ્ટ્રાઇટિસ અને સિલીએક ડિઝીસ જેવી પાચન સંબંધી સમસ્યાઓ શરીરમાં વિટામિન B12ના અવશોષણ (B12 Absorption)ને પ્રભાવિત કરે છે. આ ઉપરાંત, વય વધવાની પ્રક્રિયાથી, લાંબા સમયથી અમુક ખાસ દવાઓ લેવાથી અને દારુના સેવનથી આની ઉણપ થઇ શકે છે.
શરીરમાં વિટામિન B12 ઓછું થયું છે એના પ્રારંભિક લક્ષણો કયા છે?
વિટામિન B12ની ઉણપ ધીરે-ધીરે મહેસૂસ થાય છે, આથી લોકો મોટા ભાગે એના પ્રારંભિક લક્ષણોને લક્ષ્યમાં લેતા નથી. શરુઆતમાં વ્યક્તિને સતત થાક, નબળાઇ (Weakness) ઉત્પન્ન થઇ શકે છે.
ઘણી વાર હાથ-પગમાં ઝણઝણાટી થાય છે કે સુના થઇ જાય છે. ચક્કર આવવા, મૂડ સ્વિંગ થવો અથવા ડિપ્રેશન જેવા લક્ષણો પણ જણાય છે. ત્વચામાં લાલાશ ઓછી થાય છે અને પીળી થતી જણાય છે. જીભમાં બળતરા થાય છે અથવા તો મોંમાં અવારનવાર ચાંદી પડે છે સમયસર ધ્યાન ન આપવાથી આ લક્ષણો ધીરે-ધીરે ગંભીર સમસ્યાના રુપમાં બદલાઇ જાય છે.
આ ઉણપને શી રીતે દૂર કરી શકાય?
યોગ્ય ડાયટ અને આવશ્યકતા પડે ત્યારે સપ્લીમેન્ટ્સની મદદથી વિટામિન B12ની ઉણપને દૂર કરી શકાય છે. હૅલ્થ સારી રહે એ માટે ભોજનમાં દૂધ, દહીં, છાશ, પનીર (Milk Products) તથા ઇંડા, માછલી, ચિકન અને ફોર્ટિફાઇડ ફૂડ જેવા કે, અનાજ અને સોયા મિલ્ક વગેરે અવશ્ય સામેલ કરવા.
શાકાહારી કે વિગન લોકો માટે ડૉક્ટરની સલાહથી જ સપ્લીમેન્ટ્સ લેવા ફાયદાકારક છે. જો આ ઉણપ પાચન સંબંધી સમસ્યા (Digestion Problems)ના કારણે હોય તો પ્રથમ એનો ઉપચાર કરાવવો જેથી શરીર આ વિટામિનને યોગ્ય રીતે અવશોષિત કરી શકે.

કયા આહારમાંથી વિટામિન B12 પર્યાપ્ત માત્રામાં મળી રહે છે?
વિટામિન B12નો મુખ્ય સ્ત્રોત માંસ, માછલી, ઇંડા તથા ડેરી પ્રોડક્ટ્સ જેવા કે, દૂધ, દહીં, છાશ, પનીર વગેરે છે. જો કે, શાકાહારી લોકો માટે એના સ્ત્રોત સીમિત હોય છે જેવા કે ફોર્ટિફાઇડ અનાજ, સોયા મિલ્ક અથવા તો પ્લાન્ટ-બેસ્ડ ફૂડ્સ વગેરે…
એક સ્વસ્થ પુખ્ત વયની વ્યક્તિના શરીરમાં વિટામિન B12 કેટલું હોવું જોઇએ?
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હૅલ્થ (NIH) દ્વારા જણાવાયા મુજબ, એક પુખ્ત વ્યક્તિના શરીરમાં વિટામિન B12નું સ્તર 190 થી 950 પિકોગ્રામ પ્રતિ મિલીલીટર (pg/ml) હોવું જોઇએ. જો એ 200 pg/ml થી ઓછું હોય તો એને B12ની કમી માનવામાં આવે છે. જો કે, એક સ્વસ્થ પુખ્ત વયની વ્યક્તિના શરીરમાં દરરોજ 2.4 માઇક્રોગ્રામ (mcg) જેટલા વિટામિન B12ની આવશ્યકતા હોય છે.
કોને-કોને વિટામિન ની ઉણપનું જોખમ વધુ હોય છે?
60 થી વધારે ઉંમરની વ્યક્તિઓમાં આનું રિસ્ક (Risk) વધુ હોય છે કારણ કે, જેમ-જેમ ઉંમર વધતી જાય એમ-એમ શરીરની અવશોષણ ક્ષમતા પણ ઓછી થતી જાય છે. આ ઉપરાંત, શાકાહારી અને વિગન ડાયટ લેનારા લોકોમાં પણ વિટામિન B12ની ઉણપ ઊભી થવાનું જોખમ વધુ હોય છે.
ક્રોહન ડિઝીઝ અથવા સીલિએક ડિઝીઝ જેવી પાચન સંબંધી બીમારીઓથી ગ્રસ્ત લોકોને, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સર્જરી (Surgery) કરાવી ચૂકેલા લોકો અને લાંબા સમયથી કોઇ વિશેષ રોગની દવાઓ લેનારા લોકોને વિટામિન B12ની કમી થવાનું જોખમ વધી જાય છે.

કઇ પરિસ્થિતિમાં ડૉક્ટરને બતાવવું જરુરી છે?
જો તમને સતત થાક, નબળાઇ, વારંવાર ભૂલી જવું, હાથ-પગમાં ઝણઝણાટી થવી કે સૂના થઇ જવા જેવા લક્ષણો પૈકી 2 થી 3 લક્ષણો એકીસાથે મહેસૂસ થવા લાગે કે સત્વરે ડૉક્ટરની સલાહ લો અને વિટામિન B12ની તપાસ કરાવો, જેથી સમયસર એની ઉણપ વિશે જાણી શકાય અને એનો ઉપચાર શરુ કરી શકાય.
વિટામિન B12 માટે સપ્લીમેન્ટ લેવાની જરુર ક્યારે પડે છે?
વિટામિન B12 સપ્લીમેન્ટની ઉણપ આહાર દ્વારા પૂર્ણ ન થાય અથવા તો કોઇ બીમારીના કારણે એનું અવશોષણ યોગ્ય રીતે ન થતું હોય તેવા સંજોગોમાં સપ્લીમેન્ટની આવશ્યકતા પડે છે.
આ વિશેષ રુપે એ લોકો માટે જરુરી હોય છે જેઓ આની ગંભીર સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં હોય અને એના લક્ષણો પણ ગંભીર હોય! જો કે, સપ્લીમેન્ટ્સ લેતા અગાઉ ડૉક્ટર (Doctor) પાસે નિદાન કરાવવું અત્યંત જરુરી છે કારણ કે, એને વધુ માત્રામાં લેવાથી બ્લડ ક્લોટિંગ, માથું દુખવુ કે કમજોરી મહેસૂસ કરવા જેવી તકલીફો ઊભી થઇ શકે છે.
વિટામિન B12ની ઉણપ વિશે શી રીતે જાણી શકાય?
વિટામિન B12ની ઉણપ વિશે લેબોરેટરીમાં લોહીની તપાસ (Blood Test) કરાવીને જાણકારી મેળવી શકાય છે. ડૉક્ટરો સામાન્ય રીતે સીરમ વિટામિન B12 ટેસ્ટ કરાવવાની સલાહ આપે છે. આ ટેસ્ટ દ્વારા શરીરમાં વિટામિનનું લેવલ માપવામાં આવે છે. ક્યારેક-ક્યારેક તો એની સાથે મિથાઇલમેલોનિક એસિડ અને હોમોસિસ્ટીનના સ્તરની પણ તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે જેથી એના કારણો અને રોગની ગંભીરતા વિશે સાચી માહિતી મેળવી શકાય.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: પબ્લિક ટોયલેટના હેન્ડ ડ્રાયર હૅલ્થ માટે ખતરનાક! રોગોને આપશે આમંત્રણ…ડૉક્ટરની ચેતવણી!
આ પણ વાંચો: યુવાનો માટે વધુ પ્રોટીન જોખમી, બોડી બિલ્ડર બનશો પણ કિડની ખરાબ કરશો…!!
