પાણીનો પોકાર/ સાંતલપુરમાં પાણી માટે રઝળપાટ, લોકો કેનાલનું દૂષિત પાણી પીવા બન્યા મજબૂર

ઉનાળાના પ્રારંભે જ સરહદી વિસ્તારમાં પીવાના પાણીની પારાયણ શરૂ થઈ હતી. લોકોને પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે.

Top Stories Gujarat Others
Wandering

ઉનાળાના પ્રારંભે જ સરહદી વિસ્તારમાં પીવાના પાણીની પારાયણ શરૂ થઈ હતી. લોકોને પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. પીવાનું ચોખ્ખું પાણી નહીં મળતા છેવાડાના વીસથી વધુ ગામો નર્મદા કેનાલમાં રહેલ દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. જેના કારણે તાલુકામાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન થવા પામી છે.

તો બીજી તરફ સરકાર દ્વારા હજુ સુધી ટેન્કરો પણ શરૂ કરવામાં નહિ આવતા અને પીવાનું ચોખ્ખું પાણી પણ નહીં આવતા લોકોને ના છૂટકે કેનાલનું દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી પીવાનો વારો આવ્યો છે.એક તરફ સરકાર દ્વારા બનાસકાંઠામાં દસ દિવસ કેનાલ ચાલુ કરવાની જાહેરાત કરવામાં આવી છે, બીજી તરફ પાટણ જિલ્લાના છેવાડાના વિસ્તાર સાંતલપુર અને રાધનપુર વિસ્તારમાં પીવાના પાણીની કાગારોળ હોવા છતાં પાણી કેનાલમાં ચાલુ કરવામાં નહિ આવતાં સ્થિતિ વિકટ બનવા પામી છે. જેના કારણે સરહદી વિસ્તારની પ્રજા કેનાલનું દુર્ગંધયુક્ત પાણી પીવા મજબૂર બનવા પામી છે.

સાંતલપુર તાલુકાના વૌવા, મઢુત્રા, ઝઝામ, ફાંગલી, પાટણકા, સીધાડા, ડાલડી, જામવાળા, વર્ણોસરી, કીલાણા, વાવડી વગેરે ગામોમાં પીવાના દૂષિત પાણીની રાવ ઉઠવા પામી છે. તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અણદુભા જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં કેનાલમાં આપવામાં આવતું પાણી ખરાબ છે. જે પીવાલાયક નથી લોકોમાં બીમારીઓની ફરિયાદો મળી રહી છે. ત્યારે આ વિસ્તારના લોકોને પીવાનું ચોખ્ખું પાણી આપવામાં નહીં આવે તો આગામી સમયમાં આ વિસ્તારના લોકો પીવાના પાણી માટે જન આંદોલન છેડશે.

આ પણ વાંચો:સોનિયા ગાંધીના ઘરે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક, જાણો ક્યાં મુદ્દે ચર્ચા?

ગુજરાતનું ગૌરવ