Festival/ શું છે રાંધણ છઠ અને શીતળાસાતમનું વિશેષ મહત્વ, આવો જાણીએ વિગતવાર…

શ્રાવણ મહિનાની વાત કરીએ તો, સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર, પ્રદોષ તેમજ શિવરાત્રી- આ બધા યોગો એકઠા જોવા મળે છે.

Trending Religious Dharma & Bhakti

RadhanChhath  & Sitla Satam: શ્રાવણ મહિનો એટલે ભક્તિભાવ અને તહેવારોનો વિશેષ મહિનો! એના પ્રારંભિક દિવસોથી જ તહેવારોની ભરમાર શરુ થાય છે. શ્રાવણ મહિનાની વાત કરીએ તો, સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર, પ્રદોષ તેમજ શિવરાત્રી- આ બધા યોગો એકઠા જોવા મળે છે. આ ઉપરાંત, આ મહિનામાં જીવંતિકા વ્રત, દશામા વ્રત, નાગપંચમી, રક્ષાબંધન, રાંધણ છઠ, શીતળા સાતમ, કૃષ્ણ આઠમ(જન્માષ્ટમી) વગેરે તહેવારોને લોકો ધામધૂમથી ઉજવે છે, જે પૈકી રાંધણ છઠ તથા શીતળાસાતમના પર્વનું વિશેષ મહત્વ હોય છે.

રાંધણ છઠનું મહત્વ

શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષ(વદ)ની છઠના દિવસે રાંધણ છઠનું પર્વ મનાવવામાં આવે છે, જ્યારે કૃષ્ણ પક્ષની સપ્તમીના દિવસે શીતળા સાતમ ઉજવવામાં આવે છે. ગુજરાતી કેલેન્ડરમાં આ બંને દિવસોનું ખાસ મહત્વ રહેલું છે. ગુજરાતમાં વર્ષ 2025માં, 14 મી ઓગસ્ટના રોજ ગુરુવારે રાંધણ છઠ તથા 15 મી ઑગસ્ટે શુક્રવારે શીતળા સાતમ ઉજવવામાં આવશે. શીતળા સાતમે ચૂલો સંપૂર્ણપણે ઠંડો રાખવાનું મહાત્મ્ય છે. આ દિવસે કોઈ પણ પ્રકારની રસોઈ કરવા પર પ્રતિબંધ હોવાથી, મોટાભાગના ગુજરાતી પરિવારોમાં રાંધણ છઠના દિવસે એટલે કે ઠંડી સાતમે ખાવા માટેના ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. રાંધણ છઠના નામ પરથી જ એનું મહત્વ છતું થાય છે. આ વિશેષ દિવસ રસોડાને સમર્પિત છે અને આથી મોટાભાગના ઘરોમાં રાંધણ છઠના દિવસે રસોઈનો ધમધમાટ હોય છે!! આ દિવસે ઘરે-ઘરે ગળ્યાં પકવાન તથા વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે.

શીતળા સાતમનું મહત્વ

શીતળ એટલે ઠંડુ. લોકવાયકા મુજબ, શીતળા સાતમના દિવસે શીતળા માતા ઘરે-ઘરે ફરે છે અને ચૂલામાં આળોટે છે તેથી જ ચૂલાને ઠારેલો રાખવામાં આવે છે. શીતળા સાતમે ઘરના બધા લોકો રાંધણ છઠના દિવસે બનાવેલી રસોઈ ઠંડી જ આરોગે છે. આધુનિક જમાનામાં હવે ગેસ આવી ગયા છે તેથી ચૂલાની જગ્યાએ તો ગેસને પણ ઠારવાની પરંપરા રહેલી છે. એવું કહે છે કે, એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપણા શરીરમાં થતાં વિવિધ વિકારો શાંત થઈ જાય છે અને શરીર તદ્દન નીરોગી બની રહે છે.

શીતળા સાતમે ઘરની મહિલાઓને વર્ષમાં એક વાર રસોઈમાંથી રજા મળે છે પરંતુ, રાંધણ છઠના દિવસે ગૃહિણીઓ જાણે કે ઓવરટાઇમ કરે છે! રાંધણ છઠના દિવસે આખો દિવસ વિવિધ વ્યંજનો બનાવ્યા બાદ અંતે રાત્રે સૂતા પહેલા, ઘરના ચૂલા અથવા ગૅસની સરસ રીતે સાફ-સફાઈ કરીને ઠારી દેવામાં આવે છે. ત્યારબાદ, એની કંકુ-અક્ષત, ફૂલ વગેરેથી ભાવપૂર્વક પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત, શીતળા સાતમે માતાજીને દીવો કરવામાં આવે છે તથા બાજરીનો લોટ, ઘી અને ગોળમાંથી બનાવેલા કુલેરના લાડુ પણ ધરાવવામાં આવે છે. રાંધણ છઠના દિવસે બનાવેલી વસ્તુઓને બીજા દિવસે ઠંડી જ ખાવામાં આવે છે કારણ કે, શીતળા સાતમના દિવસે ચૂલો પ્રગટાવવાનો નિષેધ હોય છે. શીતળા માતાની પૂજા કર્યા પછી જ ઠંડુ ખાવાનું પ્રસાદરુપે આરોગવામાં આવે છે.

રાંધણ છઠની વિવિધ વાનગીઓ

રાંધણ છઠના દિવસે ગૃહિણીઓ નવા-નવા વ્યંજનો બનાવે છે, જેમાં ગુલાબ જાંબુ, ગળ્યાં-તીખા શક્કરપારા, મોહનથાળ જેવી મીઠાઈઓ ઉપરાંત, કંકોડાનું શાક, બટાટાની સૂકી ભાજી, બાજરીના રોટલા, વિવિધ જાતની પુરીઓ, થેપલા, પરોઠા, ઢેબરા ઉપરાંત, સાબુદાણાની ખીચડી, ચેવડો, વઘારેલા મમરા વગેરે નાસ્તાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બીજા દિવસે જમવામાં લઈ શકાય તેવી પાણીપુરી, ભેળ, દહીં વડા, સેન્ડવીચ વગેરે વાનગીઓ પણ બનાવવામાં આવે છે. શીતળા સાતમ કે જેને ટાઢી સાતમ પણ કહે છે, એ દિવસે આવી વાનગીઓ હોંશે હોંશે ખાઈને યંગસ્ટર્સ પણ આ તહેવારની ઉજવણી કરે છે. રાંધણ છઠના દિવસે ઘણા લોકો રસોઈયા કે કેટરર્સ પાસે પરંપરાગત વાનગીઓ બનાવડાવે છે. તો વળી, એક વર્ગ એવો પણ છે કે શીતળા સાતમના દિવસે ઠંડુ તો ખાઈ છે પરંતુ પરંપરાગત વાનગીને બદલે ભેલ-પાણીપુરી-સહિતની અન્ય રેડીમેડ વાનગી ખાઈને સાતમની ઉજવણી કરે છે.

તહેવારોને મોર્ડન ટચ

આજે પણ આપણા સમાજમાં રાંધણ છઠના દિવસે અનેક વાનગીઓ બનાવવાની પરંપરાને અચૂક નિભાવવામાં આવે છે. પરંતુ, કેટલાય પરિવારો એવા છે કે જેઓને શીતળા સાતમના દિવસે પરંપરાગત વાનગીઓ ખાવી તો છે પરંતુ, ઘરની મહિલાને જોબના કારણે સમય મળતો નથી. એવામાં આમ જોઇએ તો રાંધણછઠનું આજે પણ એટલું જ મહત્વ છે પરંતુ, એનું સ્વરુપ સહેજ બદલાઇને મોર્ડન પણ થયું છે. વાનગીઓ બનાવવા માટેના પર્યાપ્ત સમયના અભાવે, છેલ્લા કેટલાક વર્ષોથી શીતળા સાતમની પરંપરાગત રસોઈ બનાવવા માટે રસોઈયા અને કેટરર્સ આગળ આવ્યા છે. શીતળા સાતમના તહેવાર પહેલા જ તેઓ પરંપરાગત વાનગીના ઓર્ડર લઈ લે છે અને સપ્લાય કરે છે. વર્ષો પહેલા ઘર-ઘરમાં ગોળના કે સાકરના લાડુ, મગસના લાડુ, શીખંડ પુરી, ગોળની વેઢમી, મોહનથાળ વગેરે ગળ્યાં વ્યંજનો તથા રવા-મેંદાની પુરીઓ, દેસાઈ વડા, મસાલાપુરી, પાત્રા, ચેવડો અને ગાંઠિયા, મગ-ચણાનું શાક સહિતની અનેક વાનગીઓ તથા ફરસાણ બનતા હતા. પરંતુ હવે સમયના અભાવે કે રસોઈ બનાવવાની કડાકૂટમાં ઘણા લોકો પડવા માંગતા નથી, જ્યારે અમુક ઘરોમાં આ પરંપરા અકબંધ રહેવા પામી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાઈને આ રક્ષાબંધને ખવડાવો ઘરે બનાવેલી ચૉકલેટ, ઝટપટ થઇ જશે તૈયાર!

આ પણ વાંચો:100 વર્ષ બાદ રક્ષાબંધન પર રચાશે દુર્લભ સંયોગ, આ રાશિના જાતકો થશે માલામાલ, ખૂબ ધન કમાશે!