@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
થોડા દિવસ પહેલા કોર્ડની ટકોર બાદ કોમન સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા ફરી ચર્ચામાં આવ્યો છે. શુક્રવારે દિલ્હી હાઈકોર્ટે ભારતમાં એટલે કે હિન્દુસ્તાનમાં તમામ નાગરિકો માટે ટકોર કરી. આ કેસ અંગેની વિગતો અખબારોમાં આવી ચૂકી છે અને સમાન નાગરિક સંહિતા એટલે કે કોમન સિવિલ કોર્ડ શું છે. તે પણ હવે બહુ લંબાણથી સમજાવવાની હાલના તબક્કે જરૂર નથી. આ કોઈ બે-ચાર દિવસથી બહાર આવેલી કે ચર્ચાતી વાત નથી વર્ષોથી આનો ઉલ્લેખ થાય છે. દિલ્હી હાઈકોર્ટની ટકોર બાદ ટીવી ચેનલો પર પણ આ પ્રશ્નની ચર્ચા શરૂ થઈ છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અને બિહારના કેન્દ્રીય મંત્રી શાહનવાઝ હુસેને કહ્યું કે કોમન સિવિલ કોડને કોઈ સમાજ સાથે સાંકળવા ન જોઈએ. દેશમાં વસતા તમામ નાગરિકો માટે જો આઈપીસી એટલે કે ઈન્ડિયન પીનલ કોડ અને કાયદાઓ સમાન હોય તો પછી હિંદુ મેરેજ એક્ટ અને પર્સનલ લો વગેરે અલગ કઈ રીતે હોઈ શકે ? તાજેતરમાં આર.એસ.એસ.ના વડા મોહન ભાગવતજીએ પણ કહ્યું છે કે ભારતમાં વસતો દરેક નાગરિક ભારતીય છે. અપવાદ બાદ કરતાં મોટાભાગના લોકોએ આ વાત સ્વીકારી છે પછી ત્યારે ‘એક દેશ એક કાયદો’ કેમ નહીં ? કોઈ સમાજ માટે અલગ કાયદો હોવો જ ન જોઈએ.
જ્યારે આપણે એક દેશ એક વેરો એટલે વન નેશન વન ટેક્ષનો અમલ બે-ચાર અપવાદ બાદ કરતાં શરૂ કરી દીધો હોય તાજેતરમાં વન નેશન વન રેશનકાર્ડવાળી વાતના અમલ માટે કેન્દ્રને કોર્ટે ટકોર કરી હોય ત્યારે તમામ નાગરિકો માટે કાયદો સમાન કેમ નહિ ? ભલે ‘વન નેશન ન ઈલેકશન’ની વાત સત્તાવાર રીતે અનેક વખત થઈ અને હજી પણ થશે જ. જાે કે એક પછી એક રાજ્યોની જે રીતે ચૂંંટણીઓ યોજાઈ રહી છે તે જાેતા હવે આ વાત શક્ય લાગતી નથી. જાે કે હકિકતમાં જાેઈએ તે સરકાર આ બાબતમાં ગંભીર નથી. તે પણ કહેવું જાેઈએ. આ તો લોકોને અને તેમાંય ખાસ કરીને નિષ્ણાતોને એક મુદ્દો આપવા વાત રમતી મૂકી હતી. પછી અનેક બીજા મુદ્દા મળ્યા એટલે આ વાત લગભગ ભૂલાઈ ગઈ છે તેમ કહેવું પડે – નોંધવું પડે.
‘કોમન સિવિલ કોડ’ની વાત જરાય નવી નથી. ૧૯૫૨માં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની પ્રેરણાથી જેનો જન્મ થયો હતો તે ભારતીય જનસંઘના જે પાયાના સિધ્ધાંતો હતાં તેમાં જમ્મુ કાશ્મીરમાં ૩૭૦મી કલમની નાબૂદી અને કોમન સિવિલ કોડ હતાં. ૧૯૮૦ના નવ રાજકીય સમીકરણો બાદ અસ્તિત્વમાં આવેલ ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં ભલે ગૌણ સ્વરૂપે પણ આ બન્ને વાત હતી જ. ૧૯૯૧માં તેમાં રામમંદિરનો મુદ્દો પણ આંદોલન સ્વરૂપે ઉમેરાયો. ટૂંકમાં આ ત્રણેય મુદ્દા વર્ષો જૂના છે. ૧૯૮૬માં અયોધ્યા રામલલ્લા મંદિરના દરવાજા કોર્ટના આદેશ બાદ સ્વ. રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન ખૂલ્યા હતાં. વિશ્વ હિંદુ પરિષદના જે દિવસને હમણાં સુધી શૌર્યદિન તરીકે ઉજવતી હતી તે બાબરી ધ્વંશનો બનાવ બન્યો ત્યારે ૬ઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના રોજ દેશમાં કોંગ્રેસનું શાસન હતું અને પી.વી. નરસિંહરાવ વડાપ્રધાન હતાં.
હવે રામમંદિરનો પ્રશ્ન પહેલા વાટાઘાટોમાં અને પછી કોર્ટમાં હતો. જાે કે વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણ તોગડીયાએ તો પહેલેથી આ વાત કરી હતી કે રામમંદિર અંગે સરકાર બંધારણ સુધારો કરી શકે છે પરંતુ સરકારે ઢીલાસ રાખી અને કોર્ટના ચૂકાદા બાદ લાંબા સમયે હવે રામમંદિરનું નિર્માણકાર્ય અયોધ્યામાં શરૂ થયું છે તે સારી અને આવકાર્ય બાબત કહી શકાય. કોમન સિવિલ કોડના વિચાર સામે ઘણાને વાંધો હોઈ શકે અને છે પણ ખરો ? પરંતુ જે પક્ષના એજન્ડામાં છે અને આ પક્ષે ૧૯૭૭માં સત્તાના નાના ભાગીદાર તરીકે મોરારજી દેસાઈના વડાપ્રધાનપદ હેઠળની સરકારમાં હોદ્દા ભોગવ્યા પણ આ વાત યાદ ન આવી પરંતુ ૧૯૯૮થી ૨૦૦૪ સુધી ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની એન.ડી.એ.ની સરકાર હતી. અને એલ.કે. અડવાણી અને ડો. મુરલી મનોહર જાેશી, ઉમા ભારતી જેવા હિંદુવાદી વિચારધારાવાળા નેતાઓ કેબિનેટ કક્ષાના પ્રધાન હતા તે વખતે આ વાતનો ઉલ્લેખ પણ ન થયો.
૨૦૧૪ની ચૂંટણી માટે ભાજપે કેન્દ્રમાં સત્તા કબજે કરવાના ધ્યેય સાથે પ્રચારનો જે રોડમેપ બનાવ્યો તેમાં પણ મોંઘવારી, ભ્રષ્ટાચાર, કાળું નાણું ડોલર સામે રૂપિયાની ઘટતી કિંમત વિગેરે મુદ્દા હતાં. આ મુદ્દાના કારણે જીત પણ મળી. ભારે બહુમતીથી ભાજપની આગેવાની હેઠળના જાેડાણ એન.ડી.એ.ની સત્તા આવી. સંઘના એક જ માનાના પ્રચારક નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન પણ બન્યા પરંતુ પ્રથમ ટર્મમાં આ વાતને બહુ મહત્ત્વ ન અપાયું. ૨૦૧૯ની ચૂંટણીનો ભાજપે પ્રચાર શરૂ કર્યો ત્યારે જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦મી કલમની નાબૂદી અને કોર્ટના ચૂકાદા બાદ રામમંદિરના મુદ્દાને આગળ વધારવાનું વચન અપાયું અને ૨૦૧૯ અને ૨૦૨૦માં તબક્કાવાર આ વચન પૂર્ણ પણ કર્યા.
હવે નિષ્ણાતો સહિત સૌ એક વાત પૂછે છે કે રામમંદિરની બાબતમાં કોર્ટનો મામલો હતો અને સરકારે ૩૭૦મી કલમની નાબૂદી માટે પાંચમી ઓગસ્ટ ૧૯૯૨ના રોજ જેટ ઝડપે કરી તે રીતે કોમન સિવિલ કોડ બાબતે થઈ શક્યુ હોત. નિષ્ણાતો કહે છે તે પ્રમાણે મુસ્લિમ સમાજના ઉદારમતવાદી વર્ગ અને તેમાંય ખાસ કરીને મહિલાઓને ખૂશ કરવા માટે તીન તલ્લાક બીલ પસાર કરાવ્યું તે રીતે કોમન સિવિલ કોડ માટે કેમ વિચારાતું નથી ? ભાજપે ધાર્યુ હોત તો ૨૦૧૪માં સત્તા પર આવતાની સાથે આ સુધારો થઈ શક્યો હોત. જાે કે અત્યારે લોકોમાં પૂછાતો પ્રશ્ન એ છે કે કોમન સિવિલ કોડના મામલે સાનુકૂળ સ્થિતિ સર્જાઈ છે છતાં ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી સુધી કે પચી કદાચ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી સમયે વધારાના મુદ્દા તરીકે પ્રચારના શસ્ત્ર તરીકે અજમાવવા વિચારાય તો નવાઈ નહિ.
યુપીમાં ભાજપના લઘુમતી મોરચાએ વડાપ્રધાનની સૂચના મુજબ મુસ્લિમોના મત મેળવવા વ્યૂહ ઘડ્યો છે ત્યારે કદાચ કોમન સિવિલ કોડ બાબતમાં ભાજપ ઉતાવળ ન પણ કરે તેવું બની શકે છે. કારણ કે દરેક રાજકારણીઓ અને રાજકીય પક્ષ માટે સેવા માત્ર વાતો હોય છે સત્તા મહત્ત્વની હોય છે જેમાં ભૂતકાળમાં કોંગ્રેસ પણ બાકાત નહોતી. આજે ભાજપ પણ બાકાત નથી. કોમન સિવિલ કોડમાં વિલંબ કેમ થયો ? અટલજીના શાસનના છ વર્ષ અને મોદી શાસનના સાત વર્ષ એટલે કે ૧૩ વર્ષ થયા છતાં ૧૯૫૨નો એજન્ડા હજી કેમ લટકે છે ? તે મોટો સવાલ છે. કોમન સીવીલ કોડ માટે મોડું કેમ થયું ? આજ સવાલ છે.