World News: ભારત સાથેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને લઈને ઇન્ડોનેશિયા અને અફઘાનિસ્તાનના નેતાઓના તાજેતરના નિવેદનો ચર્ચામાં આવ્યા છે. બંને દેશોના નેતાઓએ ભારતીયો સાથે ‘DNA જોડાણ’ હોવાની વાત કરી છે. આ નિવેદનો બાદ બદલાતા વૈશ્વિક રાજકારણ, વ્યૂહાત્મક ભાગીદારી અને ભારતના વધતા પ્રભાવને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે.
ભારત સાથે DNA જોડાણની વાત કેમ કરી રહ્યા છે મુસ્લિમ દેશો?
ભારત (India)ની વધતી વૈશ્વિક પ્રતિષ્ઠા, આર્થિક શક્તિ અને વ્યૂહાત્મક મહત્વ વચ્ચે ઇન્ડોનેશિયા અને અફઘાનિસ્તાન જેવા મુસ્લિમ દેશોના નેતાઓએ ભારતીયો સાથે ‘DNA જોડાણ’ હોવાની વાત કરી છે. આ નિવેદનો માત્ર સાંસ્કૃતિક નજીકતા દર્શાવતા નથી, પરંતુ બદલાતા ભૂરાજકીય (Geopolitical) સમીકરણોની પણ ઝલક આપે છે.
અફઘાન મંત્રીએ કહ્યું – ‘અમે આપણા લોકો વચ્ચે આવ્યા હોવાનો અહેસાસ થાય છે’
તાજેતરમાં નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન અફઘાનિસ્તાનના કૃષિ, સિંચાઈ અને પશુપાલન મંત્રી મૌલવી અતાઉલ્લાહ ઓમરીએ જણાવ્યું હતું કે ભારતમાં તેમની પ્રથમ મુલાકાત છે, પરંતુ અહીં આવીને તેમને પોતાના જ દેશમાં હોવાનો અનુભવ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે “અમારું અને ભારતનું DNA એક જ છે.” તેમના આ નિવેદનને બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોના સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે.
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ પણ DNA ટેસ્ટનો કર્યો ઉલ્લેખ
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોએ પણ ભારતની મુલાકાત પહેલાં પોતાનો જિનેટિક ટેસ્ટ કરાવ્યો હોવાનો દાવો કર્યો હતો. તેમના કહેવા મુજબ, ટેસ્ટમાં તેમનું DNA ભારતીય મૂળ સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું હતું. તેમણે હળવી શૈલીમાં કહ્યું હતું કે કદાચ આ કારણે જ ભારતીય સંગીત સાંભળતા તેમને વિશેષ લાગણીનો અનુભવ થાય છે.
શું ખરેખર ‘DNA’નો અર્થ વૈજ્ઞાનિક છે?
વિશ્લેષકોના મતે, આવા નિવેદનોને શાબ્દિક વૈજ્ઞાનિક દાવા તરીકે નહીં, પરંતુ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સભ્યતાગત નજીકતા દર્શાવતા રાજદ્વારી નિવેદનો તરીકે જોવાની જરૂર છે. ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયા તેમજ મધ્ય એશિયાના અનેક દેશો વચ્ચે હજારો વર્ષથી વેપાર, સંસ્કૃતિ, બૌદ્ધ અને હિંદુ પરંપરાઓ તથા લોકોના અવરજવરનો ઇતિહાસ રહ્યો છે.
ઇન્ડોનેશિયા માટે ભારત કેમ મહત્વનું?
ઇન્ડોનેશિયા ચીન સાથે સારા સંબંધો ધરાવે છે, છતાં ભારત તેની માટે મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર છે.
હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા માટે ભારત મહત્વપૂર્ણ છે.
સંરક્ષણ ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સહકાર વધી રહ્યો છે.
ઇન્ડોનેશિયાને ભારતીય રક્ષણ ટેક્નોલોજી અને મિસાઇલ સિસ્ટમમાં રસ છે.
ભારત ઇન્ડોનેશિયાના પામ ઓઇલ અને કોલસાનો મોટો આયાતકાર છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વેપાર ક્ષેત્રે બંને દેશો વચ્ચે સહયોગ સતત વધી રહ્યો છે.
અફઘાનિસ્તાન સાથે ભારતના ઐતિહાસિક સંબંધો
ભારત અને અફઘાનિસ્તાન (Afghanistan)વચ્ચેના સંબંધો દાયકાઓથી મજબૂત રહ્યા છે. રસ્તાઓ, બંધ, સંસદ ભવન, આરોગ્ય અને શિક્ષણ સહિત અનેક વિકાસ પ્રોજેક્ટમાં ભારતે અફઘાનિસ્તાનને મદદ કરી છે. કુદરતી આફતો અને માનવતાવાદી સંકટોમાં પણ ભારત સતત સહાય કરતું રહ્યું છે.
ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પણ એક વખત કહ્યું હતું કે અફઘાનિસ્તાનના લોકો માને છે કે તેમના અને ભારતીયોના પૂર્વજો એક જ હતા અને તેમણે માત્ર ઉપાસનાની પદ્ધતિ બદલી છે, સંસ્કૃતિ નહીં.
ભૂરાજકારણમાં ભારતની વધી રહેલી ભૂમિકા
નિષ્ણાતોના મતે, ભારત આજે વૈશ્વિક અર્થતંત્ર, વેપાર, સુરક્ષા અને કૂટનીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આવી સ્થિતિમાં અનેક દેશો ભારત સાથેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને પણ વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. જોકે, નેતાઓ દ્વારા કરવામાં આવેલા ‘DNA’ સંબંધિત નિવેદનોને વૈજ્ઞાનિક પુરાવા તરીકે નહીં, પરંતુ રાજદ્વારી અને સાંસ્કૃતિક સંદર્ભમાં સમજવા યોગ્ય છે.
આ પણ વાંચો: ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: ‘મને મારવાની કોશિશ કરશો તો ઈરાન તબાહ કરી દઈશું’
આ પણ વાંચો: અમેરિકાના હુમલાથી ચાબહાર બંદર પર સંકટ, ભારતની વ્યૂહાત્મક યોજનાઓને ફટકો; પાકિસ્તાન કેમ ખુશ છે?
આ પણ વાંચો: અફઘાનીસ્તાનમાં 82 આતંકીઓનો સફાયો કરાયો, સેનાની જબરદસ્ત કાર્યવાહી
