ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં એક તરફ હિમવર્ષા અને વરસાદે તબાહી મચાવી છે તો બીજી તરફ ભૂસ્ખલનને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. વરસાદ અને વાવાઝોડાને કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે અને અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ અંગે પાકિસ્તાની અધિકારીનું કહેવું છે કે સતત વરસાદ અને હિમવર્ષાને કારણે 35 લોકોએ જીવ ગુમાવ્યા છે.પાકિસ્તાનના હવામાન વિભાગના ભૂતપૂર્વ ડિરેક્ટર મુસ્તાક અલી શાહે જણાવ્યું હતું કે વાતાવરણમાં ફેરફારને કારણે કમોસમી વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. જો અડધા કલાકથી વધુ સમય સુધી કરા પડે તો પરિસ્થિતિ કાબૂ બહાર જાય છે. આવી સ્થિતિમાં, સામાન્ય રીતે માર્ચ મહિનામાં હવામાન ગરમ રહે છે, પરંતુ આ વખતે વાતાવરણ ઠંડું છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં 48 કલાકથી સતત વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક જિલ્લાઓમાં પાણી ભરાઈ ગયા હતા. ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ભૂસ્ખલન થયું, સેંકડો મકાનોને નુકસાન થયું અને રસ્તાઓ બ્લોક થઈ ગયા. વરસાદ અને ભૂસ્ખલનના કારણે 35 લોકોના મોત થયા છે. મૃતકોમાં 22 બાળકોનો સમાવેશ થાય છે.પાકિસ્તાની અધિકારીઓનું કહેવું છે કે વરસાદના પાણીમાં 150 ઘર ડૂબી ગયા છે, જ્યારે 500થી વધુ ઘરોને મામૂલી નુકસાન થયું છે. વરસાદ અને હિમવર્ષાની સૌથી વધુ અસર ખૈબર પખ્તુનખ્વા અને દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતમાં જોવા મળી છે. પાકિસ્તાન હવામાન વિભાગે આગાહીમાં કહ્યું છે કે આ સપ્તાહે પણ બલૂચિસ્તાન અને કાશ્મીરના કેટલાક ભાગોમાં હિમવર્ષા થવાની સંભાવના છે.